અયૂબ 37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અલિહૂ (ચાલુ) 1 એથી પણ મારું હ્રદય તો કાંપે છે, અને તેની જગાએથી ચોંકી જાય છે. 2 તેમની ગર્જના, તથા તેમના મુખમાંથી નીકળતી વાણી ધ્યાન દઈને સાંભળો. 3 તે તેને આખા આકાશમાં સર્વ દિશાએ, ને તેમની વીજળીને પૃથ્વીના છેડા સુધી, મોકલી દે છે. 4 તેની પાછળ ગડગડાટ થાય છે; તે પોતાના મહત્વથી ગર્જના કરે છે; તેનો અવાજ સંભળાય છે, તે સમયે તે [વીજળી] ને બંધ પાડતા નથી. 5 ઈશ્વર પોતે આશ્ચર્યકારક ગર્જના કરે છે; તે એવાં મહાન કૃત્યો કરે છે કે જે આપણે સમજી શકતા નથી. 6 કેમ કે તે બરફને, તેમ જ વરસાદના ઝાપટાને, તથા વરસાદની ભારે રેલોને આજ્ઞા કરે છે કે, પૃથ્વી પર પડો. 7 તે દરેક માણસને પોતાના હાથથી કામ કરતાં અટકાવે છે; કે તેમનાં સરજેલાં સર્વ માણસોને તેમના સામર્થ્યનું ભાન થાય. 8 ત્યારે પશુઓ ઓથે ભરાઈ જાય છે, અને પોતાનાં કોતરોમાં ભરાઈ રહે છે. 9 દક્ષિણમાંથી વંટોળિયા, અને ઉત્તરમાંથી ટાઢ નીકળી આવે છે. 10 ઈશ્વરના શ્વાસથી હિમ પડે છે, અને પાણી ઠરી જાય છે. 11 તે ઘાડા વાદળમાં પાણી ભરે છે, તે વાદળાંમાંથી વીજળીને પ્રસારે છે. 12 તે તેમના ચલાવ્યાથી ચારે તરફ ફરે છે કે, દુનિયાના વસતિવાળા બધા ભાગમાં તેઓ તેમની સર્વ આજ્ઞાઓ પ્રમાણે વર્તે; 13 પછી પોતાની પૃથ્વીને માટે, ગમે તો શિક્ષાને માટે ગમે તો દયાને માટે, તે તેને મોકલતા હોય. 14 હે અયૂબ, આ સાંભળ. શાંત ઊભા રહીને ઈશ્વરનાં અદભુત કાર્યોનો વિચાર કર. 15 કેવી રીતે ઈશ્વર તેમને શિર [ફરજો મૂકે છે] , અને પોતાના મેઘની વીજળી પાસે ચમકારા કરાવે છે, તે શું તું જાણે છે? 16 વાદળાં કેવી રીતે અદ્ધર સમતોલ રહે છે, તથા જ્ઞાનમાં જે સંપૂર્ણ છે તેનાં આશ્ચર્યકારક કૃત્યોને તું શું જાણે છે? 17 દક્ષિણના [વાયુ] થી પૃથ્વી શાંત થાય છે, ત્યારે તારાં વસ્ત્રો કેમ ગરમ બને છે [એ તું જાણે છે] ? 18 આકાશ કે જે ગાળેલી [ધાતુની] આરસીના જેવું મજબૂત છે, તેની બરાબરી કરીને તું તેને પ્રસારી શકે? 19 આપણે તેને શું કહેવું તે અમને શીખવ; કેમ કે આપણે [શું બોલવું તે] અંધકારને લીધે ગોઠવી શકતા નથી. 20 શું તેમને કહેવાય ‘હું બોલવા ઈચ્છું છું?’ શું કોઈ માણસ એમ ઈચ્છે કે ‘હું ગરક થઈ જાઉં’? 21 પવન આકાશને નિર્મળ કરી નાખે છે, ત્યારે તેમાં ચળકતા પ્રકાશ તરફ લોક જોઈ શકતા નથી. 22 ઉત્તરમાંથી સુવર્ણપ્રભા નીકળે છે; ઈશ્વરનું ગૌરવ ભયાવહ છે. 23 સર્વશક્તિમાનનો પાર તો આપણે પામી શકતા નથી; તે મહા પરાક્રમી છે; તે ઇનસાફને ઊંધો વાળશે નહિ. 24 તેથી માણસો તેમનો ડર રાખે છે; પોતાને જ્ઞાની માણારને તે ગણકારતા નથી.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India