અયૂબ 33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અલિહૂ (ચાલુ) 1 હવે, હે અયૂબ, કૃપા કરીને મારું કહેવું સાંભળ, અને મારા સર્વ શબ્દો પર ધ્યાન આપ. 2 હવે મેં મારું મુખ ઉઘાડયું છે, મારા મુખમાં મારી જીભ બોલવા ઊપડી છે. 3 મારા શબ્દો મારા અંત:કરણનું પ્રામાણિકપણું પ્રગટ કરશે; મારું મન જે સત્ય સમજે છે તે જ મારા હોઠો બોલશે. 4 ઈશ્વરના આત્માએ મને સરજ્યો છે, ને સર્વશક્તિમાનનો શ્વાસ મને જીવન આપે છે. 5 જો તારાથી બની શકે, તો તું મને ઉત્તર આપ; ઊભો થઈ જા, અને [તારી દલીલો] મારી આગળ અનુક્રમે રજૂ કર. 6 ઈશ્વરની આગળ હું ને તું બન્ને સરખા છીએ; હું પણ માટીનો ઘડેલો છું. 7 તારે મારા ત્રાસથી ગભરાવાની જરૂર નથી, મારું દબાણ તારા પર ભારે થશે નહિ. 8 ખરેખર મારા સાંભળતાં તું બોલ્યો છે, મેં [તને] એવા શબ્દો બોલતાં સાંભળ્યો છે, 9 ‘હું શુદ્ધ તથા નિષ્કલંક છું. હું નિરપરાધી છું, મારામાં કંઈ અન્યાય નથી. 10 પણ [ઈશ્વર] મારી વિરુદ્ધ લાગ શોધે છે, તે મને પોતાનો શત્રુ ગણે છે. 11 તે મારા પગ હેડમાં નાખે છે, તે મારા સર્વ રસ્તાઓ ધ્યાનમાં રાખે છે.’ 12 હું તને ઉત્તર આપીશ કે, ઈશ્વર માણસ કરતાં મોટા છે, માટે તારે એમ [બોલવું] એ વાજબી નથી. 13 તે પોતાના કોઈ પણ કાર્ય વિષે હકીકત આપતા નથી, માટે તું તેમની સાથે શા માટે ટક્કર લે છે? 14 કેમ કે ઈશ્વર એક વખત બોલે છે, અરે, બે વખત બોલે, [તોપણ માણસ] લેખવતો નથી. 15 જ્યારે માણસો ભર નિદ્રામાં હોય કે, બિછાના પર ઝોકાં ખાતાં હોય, અને સ્વપ્નમાં, અથવા રાતના સંદર્શનમાં પડયાં હોય, 16 ત્યારે તે માણસોના કાન ઉઘાડે છે, અને તેઓ પરશિખામણની છાપ માટે છે કે, 17 માણસને તેના [ખોટા] વિચારથી પાછો હઠાવે, અને તેના અહંકારને દૂર કરે. 18 તે તેના આત્માને ખાડામાં [પડતાં] , તથા તેના જીવને તરવારથી નાશ પામતાં બચાવી રાખે છે. 19 વળી તેના બિછાના પર તેને થતા દુ:ખથી, તથા તેના શરીરમાં થતી સતત વેદનાથી તેને એવી શિખામણ મળે છે કે, 20 તેનો જીવ અન્નથી, ને તેનો આત્મા સ્વાદિષ્ટ ખોરાકથી કંટાળી જાય છે. 21 તેનું માંસ ગળાઈને અદશ્ય થાય છે, અને તેનાં હાડકાં દેખાતાં નહોતાં, પણ હવે તેના હાડકાં ઉપસી આવેલા દેખાય છે. 22 તેનો પ્રાણ કબરની નજીક, તથા તેનો જીવ નાશ કરનારાઓની પાસે આવી પહોંચ્યો છે. 23 માણસને માટે શું વાજબી છે તે તેને દર્શાવવાને, દુભાષિયા તરીકે, હજારમાંનો એક દૂત જો તેની સાથે હોય; 24 તો એ તેના પર કૃપાવાન થઈને કહે છે કે, ‘તેને કબરમાં જતાં બચાવો; કેમ કે તેના છૂટકાની કિંમત મને મળી છે.’ 25 ત્યારે બાળકના કરતાં પણ તેનું માંસ નીરોગી થશે; તે જુવાનીની સ્થિતિ પાછી પ્રાપ્ત કરે છે; 26 તે ઈશ્વરની પ્રાર્થના કરે છે, અને એ તેના પર એવા કૃપાવાન થાય છે કે, તે એમનું મુખ જોઈને હર્ષ પામે છે, અને મનુષ્યોને તે તેની નેકી પાછી બક્ષે છે. 27 માણસો તરફ જોઈને તે તેમને કહે છે કે, ‘મેં પાપ કર્યું છે, મેં સત્યને મરડી નાખ્યું છે, અને તેથી મને કંઈ લાભ થયો નહિ. 28 [ઈશ્ચરે] મારા પ્રાણને કબરમાં જતાં ઉગાર્યો છે, તેથી મારો જીવ પ્રકાશ જોશે.’ 29 ઈશ્વર માણસોને આ બધાં વાનાં બે વાર, હા, ત્રણ વાર પણ, આપે છે કે, 30 તે તેનો જીવ કબરેથી પાછો લાવીને તેને જીવનનો પ્રકાશ બતાવે. 31 હે અયૂબ, બરાબર ધ્યાન આપ, મારું સાંભળ; છાનો રહે, એટલે હું બોલીશ. 32 જો તારે કંઈ કહેવું હોય, તો મને ઉત્તર આપ; બોલ, કેમ કે હું તને ન્યાયી ઠરાવવા ઈચ્છું છું. 33 નહિ તો તું મારું સાંભળ; છાનો રહે, તો હું તને જ્ઞાન શીખવીશ.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India