અયૂબ 31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અયૂબ (ચાલુ) 1 મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ? 2 કેમ કે ઉપરથી ઈશ્વર પાસેથી શો હિસ્સો, અને ઉચ્ચસ્થાનથી સર્વશક્તિમાન પાસેથી શો વારસો મળે? 3 શું તે દુરાચારીઓને માટે વિપત્તિ, અને અન્યાય કરનારાઓને માટે આફત નથી? 4 શું તે મારાં આચરણ નથી જોતા, અને મારાં બધાં પગલાં નથી ગણતા? 5 જો મેં કપટભરેલો આચાર કર્યો હોય, અથવા જો મારો પગ ઠગાઈ તરફ દોડયો હોય, 6 (તો અદલ ત્રાજવામાં મને તોળવો જોઈએ કે, ઈશ્વર મારું પ્રામાણિકપણું જાણે;) 7 જો મારું પગલું રસ્તાથી આડુંઅવળું વળ્યું હોય, અને મારું હ્રદય મારી આંખોની પાછળ ચાલ્યું હોય, અને જો મારા હાથને કંઈ કલંક વળગ્યું હોય, 8 તો હું વાવું, અને બીજો લણી ખાય; હા, મારા ખેતરની ઊપજ સમૂળગી ઉખેડી નાખવામાં આવે. 9 જો મારું મન કોઈ સ્ત્રી ઉપર લોભાયું હોય, જો હું મારા પડોશીના બારણા પાસે લાગ જોઈને છુપાઈ રહ્યો હોઉં, 10 તો મારી પત્ની બીજાનાં દળણાં દળે, અને તે બીજા પુરુષની થઈ જાય. 11 કેમ કે એ તો અઘોર કુકર્મ કહેવાય; હા, એ અન્યાય તો ન્યાયાધીશોને હાથે શિક્ષાપાત્ર છે. 12 તે ભસ્મ કરી નાખે, અને મારી સઘળી ઊપજનું મૂળ બાળી નાખે, એવો એક પ્રકારનો અગ્નિ છે. 13 જ્યારે મારા દાસને કે મારી દાસીને મારી સાથે તકરાર થઈ હોય, ત્યારે મેં તેમનો દાવો તુચ્છ ગણ્યો હોય, 14 તો, જ્યારે ઈશ્વર ઊભા થાય, ત્યારે હું શું કરું? અને તે મારી પાસે જવાબ માગે ત્યારે હું તેમને શો ઉત્તર આપું? 15 જેમણે મને ગર્ભસ્થાનમાં બનાવ્યો, તેમણે જ શું તેને પણ બનાવ્યો નથી? અને એક જ [ઈશ્ચરે] અમને બેઉને ગર્ભસ્થાનમાં ઘડયા નથી? 16 જો ગરીબોને મેં આશાભંગ કર્યા હોય, અને વિધવાની આંખોને નિરાશ કરી હોય, 17 અથવા મારો કોળિયો મેં એકલાએ જ ખાધો હોય, અને તેમાંથી અનાથોને હિસ્સો ન મળ્યો હોય; 18 (તેથી ઊલટું, મારી જુવાનીના સમયથી મારા પોતાના છોકરાની જેમ મેં તેને ઉછેર્યો છે, અને મારા જન્મથી જ હું વિધવાને માટે માર્ગદર્શક થયો છું;) 19 જો મેં કોઈને વસ્ત્રની અછતથી મરતાં કે, દરિદ્રીને ઓઢવાના [વસ્ત્ર] વગરનો જોયો હોય; 20 જો તેણે મને ધન્યવાદ ન આપ્યો હોય, અને જો મારા ઘેટાના ઊનથી તેને હૂંફ ન વળી હોય; 21 જો દરવાજામાં બેઠેલા ન્યાયાધીશોને મારા પક્ષના જાણીને મેં અનાથની વિરુદ્ધ મારો હાથ ઉઠાવ્યો હોય; 22 તો મારો હાથ ખભામાંથી ખરી પડો, અને મારો હાથ ભાંગી જાઓ. 23 કેમ કે ઈશ્વર તરફથી આવતી આફતનો મને ભય હતો, અને તેના પ્રભાવને લીધે હું કંઈ પણ કરી શકતો નહોતો. 24 જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય, અને જો ચોખ્ખા સોનાને મેં મારો આધાર માન્યો હોય; 25 જો મારું ધન ઘણું હોવાને લીધે, તથા મારે હાથે ઘણું મેળવ્યું તેને લીધે હું કદી હરખાયો હોઉં; 26 જો મેં પ્રકાશતા સૂર્યને, અથવા તો તેજસ્વી ચંદ્રને જોયો હોય; 27 ત્યારે મારું હ્રદય છૂપી રીતે લોભાયું હોય, અને મારા મોંએ મારા હાથનું ચુંબન કર્યું હોય; 28 તો એ દોષ પણ ન્યાયાધીશોની શિક્ષાને પાત્ર હોત; કેમ કે ઉચ્ચસ્થાનમાં રહેનાર ઈશ્વરનો મેં ઈનકાર કર્યો હોત. 29 જો મારા દ્વેષ કરનારાઓના નાશથી હું હર્ષ પામ્યો હોઉં, અથવા તેને નુકસાન થયું હોય ત્યારે મને ઉલ્લાસ થયો હોય; 30 (હા, શાપ દઈને તેનો જીવ જાય એવું માગીને મારા મોંને મેં પાપ કરવા દીધું નહિ;) 31 મારો ખોરાક ખાઈને તૃપ્ત થયો ન હોય એવો એક પણ માણસ મળી આવે એમ મારા તંબુના માણસોએ કદી કહ્યું નથી. 32 પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો; પણ મુસાફરને માટે મારાં બારણાં હમેશાં ઉઘાડાં હતાં. 33 જો મારો અન્યાય મારા મનમાં છુપાવીને, આદમની જેમ મેં મારા અપરાધોને ઢાંક્યા હોય; 34 એટલે જનસમૂહથી બીને, તથા કુટુંબોના તિરસ્કારથી ડરીને, હું છાનોમાનો બેસી રહ્યો હોઉં, અને ઘરમાંથી બહાર નીકળ્યો ન હોઉં- 35 અરે મારી દાદ સાંભળનાર કોઈ હોય તો કેવું સારું! (જો, આ રહ્યું મારું ચિહ્ન, સર્વશક્તિમાર મને ઉત્તર આપે [તો કેવું સારું] !) અને મારા પ્રતિવાદીએ લખેલું તહોમતનામું મારી પાસે હોત તો કેવું સારું! 36 ખરેખર હું તેને મારા ખભા પર ઊંચકીને ફરત; મુગટની જેમ હું તેને મારે માથે પહેરત. 37 હું મારા પગલાંની સંખ્યા તેમને કહી બતાવત, સરદારની જે હું તેમની હજૂરમાં જાત. 38 જો મારી જમીન મારી વિરુદ્ધ બૂમ પાડતી હોય, અને તેમાંના ચાસ એકત્ર થઈને રડતા હોય; 39 જો મેં તેની ઊપજ પૈસા આપ્યા વગર ખાધી હોય, અથવા તેના ધણીઓના જીવ મેં ખોવડાવ્યા હોય. 40 તો, ઘઉંને બદલે કાંટા, અને જવને બદલે નીંદણ તેમાં ઊગો.” અયૂબના શબ્દો સમાપ્ત થયા છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India