Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


અયૂબ (ચાલુ)

1 પણ હવે મારા કરતાં નાનાઓ, જેઓના પિતાઓને હું મારા ટોળાના કૂતરાઓની પંક્તિમાં પણ ન મૂકું તેટલા હલકા ગણતો, તેઓ આજે મને હસી કાઢે છે.

2 હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે, તેઓના બાહુબળથી મને શો લાભ થાય?

3 દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયેલા છે, ઉજ્જડ તથા વેરાન મુલકના અંધકારમાં તેઓ સૂકી જમીન [નાં ઢેફાં] કરડે છે.

4 તેઓ જાળાં ઉપરથી ખારી ભાજી ચૂંટે છે; અને તેનાં મૂળિયાં તેઓનો ખોરાક [છે].

5 તેઓને [મનુષ્યો] માંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. ચોરની જેમ લોકો તેમની પાછળ કિકિયારીઓ પાડે છે.

6 તેઓ ખીણોનાં કોતરોમાં, પૃથ્વીના તથા ખડકોના ખાડાઓમાં પડી રહે છે.

7 જાળાંમાં તેઓ બરાડા પાડે છે; કૌવચો નીચે તેઓ ટોળે મળ્યા છે.

8 તેઓ મૂર્ખોનાં સંતાન, હા, અધમ પુરુષોનાં સંતાન [છે] , દેશમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા.

9 પણ હવે તેઓ મારી ઠેકડીના રાસડા ગાય છે, હું તેમની કહેવત થઈ પડ્યો છું.

10 તેઓ મારાથી કંટાળે છે, અને મારાથી આઘા ઊભા રહે છે, અને મારા મોં પર થૂંકતાં પણ તેઓ અચકાતા નથી.

11 કેમ કે [ઈશ્ચરે] પોતાની દોરી છોડીને મને હેરાન કર્યો છે. તેઓ લગામ છોડીને મારી પર તૂટી પડ્યા છે.

12 મારે જમણે હાથે હુલ્લડખોરો ઊઠે છે. તેઓ મારા પગને હડસેલા મારે છે, અને તેઓ મારી વિરુદ્ધ પોતાના નાશના માર્ગોની પાળ બાંધે છે.

13 તેઓ મારો માર્ગ બગાડી નાખે છે, અને મારી વિપત્તિમાં તેઓ વધારો કરે છે, તે માણસોને રોકનાર કોઈ નથી.

14 અંદર ધસતાં વિશાળ મોજાંની જેમ તેઓ પાળ તોડીને આવે છે. ભંગાણમાંથી તેઓ [મારા પર] ધસી પડે છે.

15 મારે માથે ઘોર પ્રસંગ આવી પડયો છે, તેઓ પવનની જેમ મારી આબરૂને ઘસડી લઈ જાય છે; અને મારી આબાદી વાદળની માફક લોપ થઈ ગઈ છે.

16 હવે મારો આત્મા મારામાં પીગળી ગયો છે, વિપત્તિના દિવસોએ મને ઘેરી લીધો છે.

17 રાતે મારાં હાડકાં સડે છે, મને સણકા દેતાં [વેદના] થાકતી નથી.

18 મારા ભારે મંદવાડને લીધે મારાં વસ્ત્ર વેરણખેરણ થઈ ગયાં છે; મારા અંગરખાના ગળાની પટ્ટી માફક તેમણે મને ટૂંપો દીધો છે.

19 તેમણે મને કાદવમાં નાખી દીધો છે, અને હું ધૂળ તથા રાખ જેવો થઈ પડયો છું.

20 હું તમને બોલાવું છું, પણ તમે મને ઉત્તર આપતા નથી; હું ઊભો થાઉં છુ, અને તમે મારી સામું જોયા કરો છો.

21 તમે બદલાઈને મારા પર નિર્દય થયા છો; તમારા હાથના બળથી તમે મને સતાવો છો.

22 તમે મને વાયુમાં ઊંચો કરો છો, તમે મને તે પર સવારી કરાવો છો. અને તમે મને તોફાનમાં [વાદળાની જેમ] પીગળાવી નાખો છો.

23 કેમ કે હું જાણું છું કે તમે મને મૃત્યુમાં, એટલે સર્વ સજીવોને માટે ઠરાવેલા ઘરમાં લઈ જશો.

24 પડી જતાં માણસ પોતાનો હાથ લાંબો નહિ કરે? અને તેની દુર્દશામાં મદદને માટે શું તે પોકાર નહિ કરે?

25 શું દુ:ખીઓને માટે હું રડતો નહોતો? શું કંગાલોને માટે મારો આત્મા દિલગીર થતો નહોતો?

26 હું શુભની આશા રાખતો હતો, પણ અશુભ આવી પડયું. હું અજવાળાની આશા રાખતો હતો, પણ અંધારું આવી પડયું.

27 મારાં આંતરડાં ચળવળાટ કરે છે, અને શાંત થતાં નથી; મારા પર વિપત્તિના દિવસો આવી પડયા છે.

28 હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું. હું જનમંડળમાં ઊભો થઈને મદદને માટે બૂમ પાડું છું.

29 હું શિયાળનો ભાઈ, અને શાહમૃગોનો સાથી થયો છું.

30 મારી ચામડી કાળી પડી ગઈ છે, અને મારા શરીર પરથી [ખરી પડે છે] , ગરમીથી મારાં હાડકાં બળી જાય છે.

31 અને મારી વિણામાંથી શોકના રાગ નીકળે છે, અને મારી વાંસળીમાંથી રુદનનો સ્વર [સંભળાય છે]

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan