અયૂબ 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અયૂબની અંતરવેદના 1 એ પછી અયૂબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના [જન્મ] દિવસને શાપ આપ્યો. 2 અયૂબ કહેવા લાગ્યો: 3 “બળ્યો તે દિવસ, ને બળી તે રાત કે જે દિવસે હું જન્મ્યો, અને જે રાતે એમ કહેવામાં આવ્યું કે, ‘પુત્ર ગર્ભ રહ્યો.’ 4 તે દિવસ અંધકારરૂપ થાઓ; આકાશમાંના ઈશ્વર તેને લેખામાં ન ગણો, તે દિવસે અજવાળું ન થાઓ. 5 તે દિવસ અંધકારનો તથા મૃત્યુછાયાનો ગણાઓ. તે પર વાદળ ઠરી રહો. તે દિવસનો અંધકાર ત્રાસદાયક નીવડો. 6 તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહ્યો; વર્ષના દિવસોમાં તે ન ગણાઓ. મહિનાઓની ગણતરીમાં તે ન આવો. 7 તે રાતે શૂન્યકાર થઈ રહો, તેમાં કંઈ હર્ષનાદ ન થાઓ. 8 તે દિવસને શાપ દેનારા તથા જેઓ મહા અજગરને જગાડવામાં ચતુર છે તેઓ તેને શાપ દો. 9 તેના પ્રાત:કાળના તારા અંધકારમાં ડૂબી રહો. તે [દિવસ] અજવાળાની રાહ જુએ, પણ તે તેને મળો નહિ. તેના અરુણોદયનો પ્રકાશ મુદ્દલ દેખાઓ નહિ. 10 કારણ કે તેણે મારી [માનું] ગર્ભસ્થાન બંધ રાખ્યું નહિ, અને મારી આંખો આગળથી દુ:ખ દૂર કર્યું નહિ. 11 હું ગર્ભસ્થાનમાં જ કેમ મર્યો નહિ? મેં જનમતાં જ કેમ પ્રાણ ન છોડયો? 12 ઢીંચણોએ મારો અંગીકાર કેમ કર્યો? અને થાનોએ [મારો અંગીકાર કરીને] મને કેમ ધવડાવ્યો? 13 કેમ કે હમણાં તો હું સૂતેલો હોત, અને શાંતિમાં હોત. હું ઊંઘી ગયો હોત, તો મને નિરાંત હોત. 14 પૃથ્વીના જે રાજાઓ તથા મંત્રીઓએ પોતાને માટે એકાંત નગરો બાંધ્યાં હતાં તેઓની સાથે; 15 અથવા જે ઉમરાવો સોનાના માલિક હતા તથા રૂપાથી જેઓએ પોતાનાં ઘરો ભરી દીધાં હતાં તેઓની સાથે; 16 અથવા ગુપ્ત ગર્ભપાતની જેમ, તથા જે બાળકોએ કદી અજવાળું ન જોયું હોય, તેમની જેમ હું હયાતીમાં ન હોત. 17 ત્યાં દુષ્ટો બડબડાટ કરતા બંધ પડે છે, અને ત્યાં થાકેલા આરામ પામે છે. 18 ત્યાં ગુલામો એકત્ર થઈને વિશ્રાંતિ મેળવે છે; ત્યાં વેઠ કરાવનારનો અવાજ તેઓને સાંભળવો પડતો નથી. 19 ત્યાં નાના મોટા સમાન છે; અને ચાકર પોતાના શેઠથી છૂટો હોય છે. 20 દુ:ખીઓને પ્રકાશ, અને નિરાશ થઈ ગયેલાઓને જીવન કેમ અપાય છે? 21 તેઓ તો મોતને માટે તલપે છે, અને દાટેલા ધન કરતાં તેને માટે વધારે ખોદે છે, પણ તે તેમને મળતું નથી. 22 તેઓ જ્યારે કબરમાં જાય છે ત્યારે તેઓ અતિશય આનંદ માને છે, અને ખુશ થાય છે. 23 જેનો માર્ગ ઘેરાઈ ગયો છે, તથા જેને ઈશ્વર સંકોચમાં લાવ્યા છે તેને [પ્રકાશ કેમ આપવામાં આવે છે] ? 24 કેમ કે મારો નિશ્ચાસ જ મારો ખોરાક છે, અને મારી બૂમો પાણીની જેમ રેડવામાં આવે છે. 25 કેમ કે જેથી હું બીહું છું, તે જ મારા પર આવી પડે છે, જેનો મને ભય છે તે જ મને મળે છે. 26 મને સુખ નથી, મને ચેન નથી, અને મને વિશ્રાંતિ પણ નથી. પણ વેદના આવી પડયા કરે છે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India