અયૂબ 29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પોતાની સ્થિતિ અંગે અયૂબની આખરી રજૂઆત અયૂબ 1 અયૂબે પોતાના દ્દષ્ટાંતના વધારામાં વળી કહ્યું, 2 “અરે, જો આગળના વખતમાં હું હતો તેવો, અને જે દિવસોમાં ઈશ્વર મારી સંભાળ રાખતા હતા ત્યારે હું જેવો હતો તેવો હમણાં હું હોત તો કેવું સારું! 3 ત્યારે તો તેમનો દીવો મારા માથા પર પ્રકાશતો હતો, અને તેમના અજવાળાથી હું અંધકારમાં થઈને ચાલતો હતો. 4 જેવો હું મારી પુખ્ત વયમાં હતો [તેવો હું હોત તો કેવું સારું] ! ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની રહેમનજર હતી. 5 ત્યારે તો સર્વશક્તિમાન હજી મારી સાથે હતા, અને મારાં બાળકો મારી આસપાસ હતાં. 6 ત્યારે તો મારાં પગલાં માખણથી ધોવાતાં હતાં, અને ખડકો મારે માટે તેલની નદીઓ વહેવડાવતા હતા! 7 ત્યારે તો નગરને દરવાજે હું જતો હતો, ત્યારે તો ચૌટામાં હું મારું આસન તૈયાર કરાવતો હતો. 8 જુવાન પુરુષો મને જોઈને સન્માન ખાતર ખસી જતા, અને વૃદ્ધો ઊઠીને ઊભા થતા. 9 સરદારો વાત કરતાં ચૂપ રહો જતા, અને પોતાનાં મોં પર પોતાના હાથ મૂકતા. 10 અમીરો બોલતા બંધ થઈ જતા, અને તેમની જીભ તેમને તાળવે ચોંટી જતી. 11 કેમ કે માણસો મારું સાંભળતા, ત્યારે તેઓ મને ધન્યવાદ આપતા; અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા; 12 કેમ કે રડતા ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથોને પણ હું [દુ:ખમાંથી] મુક્ત કરતો. 13 નાશ પામવાની અણી પર આવેલાનો આશીર્વાદ મને મળતો, અને વિધવાના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવરાવતો. 14 મેં ન્યાયીપણું ધારણ કર્યું હતું, ને તેણે મને ધારણ કર્યો હતો. મારો ન્યાય મારે માટે જામા તથા પાઘડી જેવો હતો. 15 હું આંધળાની આંખો હતો, અને પાંગળાનો પગ હતો. 16 હું કંગાલોને પિતાની ગરજ સારતો હતો. જેને હું ઓળખતો નહોતો તેની અગત્ય જાણીને હું મદદ કરતો. 17 હું દુરાચારીઓનાં જડબાં ભાંગી નાખતો, અને તેઓના દાંતમાંથી શિકાર ઝૂંટવી લેતો. 18 ત્યારે હું કહેતો, ‘હું મારા પરિવારની વચ્ચે મરણ પામીશ. અને માર દિવસો રેતીની જેમ અસંખ્ય થશે; 19 મારાં મૂળ પાણી સુધી પસર્યાં છે, અને મારી ડાળી પર આખી રાત ઝાકળ પડે છે; 20 મારું ગૌરવ મારામાં તાજું છે, અને મારું ધનુષ્ય મારા હાથમાં બળવત્તર થતું જાય છે.’ 21 લોકો મારું સાંભળવાને ટાંપી રહેતા, અને મારો બોધ સાંભળવાને છાના રહેતા. 22 મારા બોલ્યા પછી તેઓ બોલતા નહિ; અને મારી વાત [વરસાદની જેમ] તેમના પર ટપક્યા કરતી. 23 તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા; અને પાછલા વરસાદને માટે માણસો મોં ઉઘાડે તેમ તેઓ મારે માટે આતુર હતા. 24 તેઓ નિરાશ થઈ ગયા હોય ત્યારે હું મોં મલકાવીને તેઓને ઉત્તેજન આપતો, અને મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહિ. 25 શોકાતુર માણસોને દિલાસો આપનાર તરીકે હું [તેમને માટે] માર્ગ પસંદ કરતો, હું સરદાર તરીકે બિરાજતો, અને સૈન્યમાં રાજાની જેમ રહેતો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India