અયૂબ 27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અયૂબ (ચાલુ) 1 અયૂબે પોતાના દ્દષ્ટાંતના વધારામાં વળી કહ્યું, 2 “ઈશ્વરે મારો હક ડુબાવ્યો છે; સર્વશક્તિમાને મારા આત્માને સતાવ્યો છે, તેમના સોગન [ખાઈને હું કહું છું] કે, 3 (કેમ કે મારો જીવ મારા ખોળિયામાં હજી અનામત છે, અને ઈશ્વરનો શ્વાસ મારાં નસકોરાંમાં છે;) 4 નિશ્ચે મારા હોઠથી હું અસત્ય નહિ બોલું, અને મારી જીભથી ઠગાઈનો ઉચ્ચાર પણ નહિ કરું. 5 હું તમને ન્યાયી ઠરાવું, એવું ઈશ્વર ન થવા દો. મરતાં સુધી હું મારા પ્રામાણિકપણાનો ઈનકાર કરીશ નહિ. 6 મારી નેકીને હું મજબૂત પકડી રાખીશ, અને તેને કદી છોડીશ નહિ. મારા આયુષ્યમાં કોઈ પણ પ્રસંગ વિષે મારું મન મને ડંખતું નથી. 7 મારા શત્રુને દુષ્ટની જેમ, અને મારી વિરુદ્ધ ઊઠનારને અન્યાયીની જેમ થાઓ. 8 કેમ કે અધર્મી નફો મેળવે તોપણ ઈશ્વર તેનો જીવ લઈ લે, તો પછી તેને શી આશા રહે? 9 જ્યારે તેના પર સંતાપ આવી પડશે, ત્યારે શું ઈશ્વર તેની બૂમ સાંભળશે? 10 શું તે સર્વશક્તિમાનથી આનંદ માનશે, અને સર્વ પ્રસંગે ઈશ્વરને વિનંતી કર્યા કરશે? 11 ઈશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ; સર્વશક્તિમાનની યોજના હું નહિ છુપાવીશ. 12 જુઓ, તમે બધાએ જાતે તે જોયું છે; તો શા માટે તમે બકવાદ કરો છો?” સોફાર (ચાલુ) 13 ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો, તથા સર્વશક્તિમાન પાસેથી જુલમીઓને મળતો વારસો આ છે. 14 જો તેનાં સંતાનની વૃદ્ધિ થાય, તો તે તરવારથી [કતલ થવાને] માટે છે; અને તેના વંશજોને ભૂખમરો વેઠવો પડશે. 15 તની પાછળ જીવતાં રહેલાને મહામારી લઈ જશે, અને વિધવાઓ વિલાપ કરશે નહિ. 16 જો કે તે ધૂળની માફક રૂપાના ઢગલેઢગલા એકત્ર કરે, અને કાદવની જેમ પુષ્કળ વસ્ત્ર બનાવી દે; 17 તો તે છો બનાવે, પણ ન્યાયીઓ તે વસ્ત્ર પહેરશે, અને નિર્દોષ જનો તે રૂપુ માંહોમાંહે વહેંચી લેશે. 18 કરોળિયાના જાળાની જેમ અને રખેવાખે બાંધેલા માંડવાની જેમ તે પોતાનું ઘર બાંધે છે. 19 દ્રવ્યવાન થઈને તે સૂઈ જાય છે, પણ તેનું દફન થશે નહિ. તે પોતાની આંખો ઉઘાડે છે, એટલામાં તો તે હતો નહોતો થઈ ગયો હોય છે. 20 રેલની જેમ ત્રાસ તેને પકડી પાડે છે; રાત્રે તોફાન તેને ચોરી લઈ જાય છે. 21 પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઈ જાય છે, એટલે તે લોપ થાય છે. તે તેને તેની જગાએથી બહાર ઘસડી નાખે છે. 22 કેમ કે [ઈશ્વર] તેના પર [બાણ] ફેંકશે, અને દયા રાખશે નહિ. તે તેમના હાથમાંથી નાસી જવા ફોસટ ફાંફાં મારશે. 23 માણસો તેની સામે તાળીઓ પાડશે, અને તેની જગાએથી તેનો ફિટકાર કરશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India