અયૂબ 26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અયૂબ 1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો, 2 “સામર્થ્ય વગરનાને તેં શી રીતે સહાય કરી છે? નિર્બળ હાથને તેં કેવી રીતે બચાવ્યો છે? 3 અજ્ઞાનીને તેં કેવી રીતે બોધ આપ્યો, તથા ખરું જ્ઞાન પુષ્કળ જાહેર કર્યું છે? 4 તેં કોને આ શબ્દો કહ્યા છે? અને કોનો શ્વાસ તારામાંથી નિકળ્યો?” બિલ્દાદ 5 “પાણી તથા તેમાં રહેનારાંની નીચે મૂએલાઓ ધ્રૂજે છે. 6 તેમની આગળ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કંઈ ઢાંકણ નથી. 7 તે ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે, અને પૃથ્વીને અદ્ધર લટકાવે છે. 8 તે પોતાનાં ઘાડાં વાદળાંમાં પાણીને બાંધી દે છે; અને તેના ભારથી વાદળ ફાટી જતું નથી. 9 તે પોતાના રાજ્યાસનને ઢાંકી દે છે, અને તે પર પોતાનું વાદળ પ્રસારે છે. 10 તેમણે પાણીની સપાટીની હદ ઠરાવી છે, પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે. 11 તેમની ધમકીથી આકાશના સ્તંભો કાંપે છે, અને વિસ્મિત થાય છે. 12 તે પોતાના સામર્થ્યથી સમુદ્રને ખળભળાવે છે, અને પોતાના ચાતુર્યથી તે અજગરને વીંધે છે. 13 તેમના આત્માએ આકાશને નિર્મળ કર્યું છે; તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે. 14 આ તો તેમના માર્ગોનો માત્ર ઈશારો છે. આપણે તેમનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા, પણ તેમના પરિપૂર્ણ પરાક્રમની ગર્જના કોણ સમજી શકે?” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India