અયૂબ 24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અયૂબ (ચાલુ) 1 સર્વશક્તિમાને સમયો કેમ ઠરાવ્યા નથી? અને જેઓ તેમને ઓળખે છે, તેઓ તેમના દિવસો કેમ જોતા નથી? 2 [ખેતરનાં] બાણોને ખસેડનારા લોકો તો છે; તેઓ જોરજુલમથી ટોળાંને હરી જઈને તેમને ચરાવે છે. 3 તેઓ અનાથનું ગધેડું હાંકી જાય છે, તેઓ વિધવાના બળદને ગીરો મૂકવા માટે લઈ જાય છે. 4 તેઓ દરિદ્રીઓને માર્ગમાંથી કાઢી મૂકે છે. પૃથ્વીના ગરીબો એકત્ર થઈને છુપાઈ જાય છે. 5 તેઓ અરણ્યનાં જંગલી ગધેડાંની જેમ પોતાને કામે જાય છે, અને ખંતથી ખોરાક શોધે છે. અરણ્ય તેમને તેમનાં છોકરાંને માટે ખોરાક [આપે છે]. 6 તેઓ ખેતરમાં પોતાનો ખોરાક શોધે છે; અને દુષ્ટની દ્રાક્ષોનો સળો વીણે છે. 7 તેઓ આખી રાત વસ્ત્ર વિના નગ્ન સૂઈ રહે છે, અને ટાઢમાં ઓઢવાને તેમની પાસે કંઈ નથી. 8 પર્વતો પર પડતાં ઝાપટાંથી તેઓ પલળે છે, અને ઓથ ન હોવાથી તેઓ ખડકને બાથ ભરે છે. 9 અનાથ બાળકોને ધાવતાં ખેંચી લેનારા, તથા ગરીબોનાં અંગ પરનાં [વસ્ત્રો] ગીરોમાં લેનારા પણ છે; 10 જેથી ગરીબો નગ્ન ફરતા ફરે છે, અને ભૂખે પેટે [ખેતરમાં] પૂળા વહે છે; 11 તેઓ આ માણસોનાં ઘરોમાં તેલ પીલે છે; તેઓ દ્રાક્ષાકુંડોમાં [દ્રાક્ષો] ખૂંદે છે, અને તરસ્યા રહે છે. 12 ઘણી વસતિવાળા નગરમાંથી માણસો હાયપીટ કરે છે અને ઘાયલોના આત્મા બૂમ પાડે છે; તોપણ ઈશ્વર તે અન્યાયને લેખવતા નથી. 13 તેઓ અજવાળા વિરુદ્ધ ફિતૂર કરનારા છે; તેઓ તેમના માર્ગો જાણતા નથી, અને તેમના પંથમાં ટકી રહેતા નથી. 14 ખૂની અજવાળું થતાં જાગીને ગરીબ તથા દરિદ્રીને મારી નાખે છે; અને રાત્રે તે ચોર જેવો છે. 15 વ્યભિચારીની આંખ પણ ઝળઝળિયાંની વાટ જુએ છે, અને એવું કહે છે કે કોઈ મને દેખશે નહિ; અને તે પોતાના મોં પર બુકાની બાંધે છે. 16 અંધારામાં તેઓ ઘરોમાં ખાતર પાડે છે; અને દિવસે બારણાં બંધ કરીને ઘરમાં ભરાઈ રહે છે. અને અજવાળું જોવા માગતા નથી. 17 કેમ કે સવાર તો તેઓને મૃત્યુછાયા જેવી લાગે છે; કેમ કે તેઓ મૃત્યુછાયાનો ત્રાસ જાણે છે.” સોફાર 18 “ [તમે કહો છો કે,] તે રેલના પ્રવાહથી તણાઈ જાય છે; પૃથ્વી ઉપર તેઓનું વતન શાપિત થયેલું છે; તે દ્રાક્ષાવાડીઓમાં ફરી જવા પામતો નથી. 19 સુકવણું તથા ઉષ્ણતા બરફના પાણીને શોષી લે છે. [એવી રીતે] શેઓલ પાપી [ઓને શોષી લે છે]. 20 જનેતા તેને ભૂલી જશે; કીડો મઝાથી તેનું ભક્ષણ કરી જશે; પાછળથી તેને કોઈ સંભારશે નહિ; અને અનીતિને [સળેલા] ઝાડની જેમ ભાંગી નાખવામાં આવશે. 21 સંતાન વગરની વાંઝણીને તે સતાવે છે; અને વિધવાનું ભલું કરતો નથી. 22 તે પોતાના પરાક્રમ વડે સમર્થોને પણ નમાવે છે; તેઓને જિંદગીનો ભરોસો હોતો નથી, ત્યારે પણ તેઓ પાછા ઊઠે છે. 23 [ઈશ્વર] તેમને નિર્ભય સ્થિતિ આપે છે, અને તે પર તેઓ આધાર રાખે છે; અને તેમની દષ્ટિ તેઓના માર્ગો પર છે. 24 તેઓ ઉચ્ચ પદવીએ ચઢે છે; પણ થોડી મુદતમાં તેઓ નષ્ટ થઈ જાય છે. હા, તેઓને અધમ સ્થિતિમાં લાવવામાં આવે છે, બીજા બધાની માફક તેઓ મરે છે, અને ધાન્યનાં કણસલાંની જેમ તેઓ કપાઈ જાય છે. 25 જો એમ ન હોય તો મને જૂઠો પાડનાર, તથા મારી વાતને નકામી ઠરાવનાર કોણ છે?” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India