અયૂબ 22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ત્રીજો સંવાદ ( ૨૨:૧—૨૭:૨૩ ) અલિફાઝ 1 ત્યારે અલિફાઝ તેમાનીએ ઉત્તર આપ્યો, 2 “શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? નિશ્ચે ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ ખરું છે. 3 તું ન્યાયી હોય તો તેમાં સર્વશક્તિમાનને શો આનંદ થાય? અને તું તારા માર્ગો સીધા કરે તેમાં [તેને] શો લાભ થાય? 4 શું તે તારાથી બીએ છે કે, તે તને ઠપકો આપે છે, અને તે તને ન્યાયાસન આગળ ઊભો કરે છે? 5 શું તારી દુષ્ટતા ઘણી નથી? અને તારા અન્યાયોનો તો કંઈ પાર નથી. 6 કેમ કે તેં પોતાના ભાઈની [ઘરેણે મૂકેલી] થાપણ મફત લઈ લીધી છે. અને [તારા દેણદારોનાં] વસ્ત્રો કાઢી લઈને તેઓને નગ્ન કરી દીધા છે. 7 તેં થાકેલાંને પીવાને પાણી આપ્યું નથી, અને ભૂખ્યાંઓને તેં રોટલી મળવા દીધી નથી. 8 પણ જબરદસ્ત માણસ તો ભૂમિનો માલિક હતો; અને ખાનદાન માણસ તેમાં વસતો હતો. 9 તેં વિધવાઓને ખાલી હાથે કાઢી મૂકી છે, અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે. 10 તે માટે તારી આસપાસ જાળ પથરાયેલી છે, અને અચાનક ભય, 11 અથવા જેને તું જોઈ શકતો નથી એવો અંધકાર તને ગભરાવે છે, વળી તારા પર પુષ્કળ પાણી ફરી વળ્યું છે. 12 શું ઈશ્વર આકાશના ઉચ્ચસ્થાનમાં નથી? તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલ ઊંચા છે! 13 તું કહે છે, ‘ઈશ્વર શું જાણે છે? શું તે અગાધ અંધકારની [આરપાર જોઈને] ન્યાય કરી શકે? 14 ઘાડાં વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી; અને આકાશના ઘુંમટ પર તે ચાલે છે.’ 15 જે પુરાતન માર્ગે દુષ્ટ માણસો ચાલ્યા છે, તેને શું તું વળગી રહેશે? 16 તેઓનો સમય પૂરો થયા પહેલાં તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા, તેઓનો પાયો રેલમાં તણાઈ ગયો હતો; 17 તેઓ ઈશ્વરને કહેતા હતા, ‘અમારાથી દૂર થા.’ અને કે, ‘સર્વશક્તિમાન અમને શું કરી શકે?’ 18 તેમ છતાં તેમણે તેઓનાં ઘરો સારાં વાનાંથી ભર્યાં. પણ દુષ્ટોના વિચાર મારાથી દૂર છે. 19 ન્યાયીઓ તે જોઈને હરખાય છે. અને નિર્દોષો તુચ્છકારસહિત તેમની હાંસી કરે છે; 20 [તેઓ કહે છે] ‘અમારી સામે ઊઠનાર નિશ્ચે કપાઈ ગયા છે, અને તેઓમાંથી બચેલાને અગ્નિએ ભસ્મ કર્યા છે.’ 21 હવે તેમની ઓળખાણ કર, અને શાંતિમાં રહે; તેથી તારું ભલું થશે. 22 કૃપા કરીને તેમના મુખનો બોધ સ્વીકાર, અને તેમનાં વચનો તારા હ્રદયમાં ભરી રાખ. 23 જો તું સર્વશક્તિમાન પાસે પાછો આવશે, તો તું સ્થિર થશે; અને જો તું તારા તંબુઓમાંથી અન્યાય દૂર કરશે [તો તું સ્થિર થશે]. 24 તું [તારો] ખજાનો ધૂળમાં ફેંકી દે, અને ઓફીર [નું સોનું] નાળાંના પાણીમાં ફેંકી દે, 25 ત્યારે સર્વશક્તિમાન તારો ખજાનો થશે, અને તને મૂલ્યવાન રૂપું મળશે. 26 તું સર્વશક્તિમાનમાં આનંદ માનશે, અને ઈશ્વર તરફ તું તારું મુખ ઊંચું કરશે. 27 તું તેમની પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે; અને તું તારી માનતાઓ પૂરી કરશે. 28 વળી તું કોઈ બાબત વિષે ઠરાવ કરશે, તો તે ફળીભૂત થશે; અને તારા માર્ગો ઉપર પ્રકાશ પડશે. 29 જ્યારે તેઓ [તને] પાડી નાખે, ત્યારે તું કહેશે કે ઉઠાડવામાં આવશે; અને નમ્ર માણસને તે બચાવશે. 30 જે નિર્દોષ નથી તેને [પણ] તે ઉગારશે; તારા હાથોની શુદ્ધતાને લીધે તે ઊગરશે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India