અયૂબ 21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અયૂબ 1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો, 2 “ધ્યાન દઈને મારી વાત સાંભળો; અને તે જ તમારો દિલાસો થાય. 3 મને [બોલવા] દો, તો હું બોલીશ; હું બોલી રહું તે પછી મશ્કરી કર્યા કરજો. 4 મારી ફરિયાદ શું મનુષ્ય સંબંધી છે? હું કેમ અધીરો નહિ થાઉં? 5 મને જોઈને આશ્ચર્ય પામો, અને તમારો હાથ તમારા મોં પર મૂકો. 6 મને યાદ આવે છે, ત્યારે હું ગભરાઉં છું, અને મારા શરીરમાં કંપારી છૂટે છે. 7 દુષ્ટો શા માટે જીવે છે, અને વૃદ્ધ થાય છે, વળી મહા પરાક્રમી થાય છે? 8 તેમનાં વંશજો તેમની સાથે તેમની નજર આગળ અને તેમનાં સંતાનો તેમની આંખો આગળ આબાદ થાય છે. 9 તેમનાં ઘર ભય વગર સહીસલામત છે, અને ઈશ્વરની સોટી તેઓ ઉપર પડતી નથી. 10 તેમનો સાંઢ ઠેકે છે, અને નિષ્ફળ થતો નથી; તેમની ગાય ફળે છે, અને તરવાઈ જતી નથી. 11 તેઓ પોતાનાં બાળકોને જથાબંધ બહાર મોકલે છે, અને તેમનાં છોકરાં નાચી રહે છે. 12 તેઓ ડફ તથા વીણા સાથે ગાય છે, અને વાંસળીના નાદથી હરખ પામે છે. 13 તેઓ પોતાના દિવસો આબાદીમાં ગુજારે છે, અને એક પળમાં તેઓ શેઓલમાં ઊતરી જાય છે. 14 તોપણ ઈશ્વરને કહેતા હતા, ‘અમારી પાસેથી દૂર જા; કેમ કે અમે તારા માર્ગોનું જ્ઞાન મેળવવા ઈચ્છતા નથી. 15 સર્વશક્તિમાન કોણ છે કે, અમે તેની સેવા કરીએ? અમે તેની પ્રાર્થના કરીએ તો તેથી અમને શો લાભ થાય?’ 16 શું તેઓની આબાદી તેઓના પોતાના હાથમાં નથી? દુષ્ટોના વિચાર મારાથી દૂર છે. 17 કેટલી વાર દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવે છે? અને વિપત્તિ તેઓના ઉપર કેટલી વાર આવી પડે છે? [ઈશ્વર] પોતાના કોપથી તેમના ઉપર [કેટલી વાર] દુ:ખ મોકલે છે? 18 તેઓ [કેટલી વાર] પવનથી ઘસડાતા ખૂંપરા જેવા, અને તોફાનથી ઊડતાં ફોતરાં જેવા હોય છે? 19 [તમે કહો છો કે] ઈશ્વર તેનાં છોકરાંને માટે તેનો અન્યાય સંઘરી રાખે છે. તેમણે તેનો બદલો તેને જ આપવો જોઈએ કે, તેને જ ખબર પડે. 20 તેની પોતાની જ આંખો તેનો નાશ જુએ, અને સર્વશક્તિમાનના કોપનો [પ્યાલો] તે જ પીએ, એમ થવું જોઈએ. 21 કેમ કે તેના [મરી ગયા] પછી, એટલે તેના આયુષ્યની દોરી અધવચથી કપાઈ ગયા પછી, તેને પોતાના ઘરમાં શો આનંદ રહે છે? 22 શું કોઈ ઈશ્વરને જ્ઞાન શીખવશે? તે તો મહાન પુરુષોનો ન્યાય કરે છે. 23 કોઈ તો પૂર જોરમાં તથા પૂરા સુખચેનમાં હોય છે ત્યારે મરે છે. 24 તેની દોહણીઓ દૂધથી ભરપૂર હોય છે, અને તેના શરીરમાં પુષ્કળ ચરબી હોય છે [ત્યારે મરે છે]. 25 પણ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મરણ પામે છે, અને કદી સુખનો અનુભવ કરતો નથી. 26 તેઓ સરખી રીતે ધૂળમાં સૂએ છે, અને કીડાઓ તેમને ઢાંકી દે છે. 27 તમારા વિચારો તથા યુક્તિઓ જે તમે ખોટી રીતે મારી વિરુદ્ધ કલ્પો છો તે હું જાણું છું. 28 કેમ કે તમે કહો છો, ‘સરદારનું ઘર ક્યાં છે? જે તંબુઓમાં દુષ્ટો રહેતા હતા તે ક્યાં છે?’ 29 શું તમે વટેમર્ગુઓને નથી પૂછયું? અને તમે તેઓના [અનુભવની] વાતો જાણતા નથી? કે 30 ભૂંડો માણસ વિપત્તિના દિવસોથી બચી જાય છે? અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે? 31 તેનો માર્ગ તેને મોઢેમોઢ કોણ કહી બતાવશે? અને તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે? 32 તોપણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે, અને તેની કબર પર ચોકી મૂકવામાં આવશે. 33 ખીણનાં ઢેફાં તેને મીઠાં લાગશે, અને જેમ તેની અગાઉ અગણિત [માણસો] લઈ જવામાં આવ્યા હતા, તેમ બધા માણસો તેની પાછળ તણાતા જતા. 34 તો શા માટે તમે મને ફોકટ દિલાસો આપો છો? કેમ કે તમારા ઉત્તરો જોતાં તો તેમાં જૂઠાણું જ રહેલું છે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India