Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સોફાર

1 ત્યારે સોફાર નામાથીએ ઉત્તર આપ્યો,

2 “મારા વિચારો મને ઉત્તર આપવા સૂચવે છે, એને લીધે હું ઉતાવળ કરું છું.

3 મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો, અને મારી પ્રેરકબુદ્ધિ મને ઉત્તર આપે છે.

4 શું તું જાણતો નથી કે, પ્રાચીન કાળથી, એટલે મનુષ્ય પૃથ્વી ઉપર ઉત્પન્ન થયું તે સમયથી,

5 દુષ્ટોનો જયજયકાર ક્ષણભંગુર છે, અને અધર્મીઓનો હર્ષ માત્ર ક્ષણિક છે?

6 જો તેનો યશ આકાશ સુધી ચઢે અને તેનું માથું આભ સુધી પહોંચે;

7 તોપણ તે તેની પોતાની વિષ્ટાની જેમ સદાને માટે નાશ પામશે. જેઓએ તેને જોયો છે તેઓ કહેશે, ‘તે ક્યાં છે?’

8 તે સ્વપ્નની જેમ ઊડી જશે, અને તેનો પત્તો પણ લાગશે નહિ; રાતના સંદર્શનની માફક તે લોપ થઈ જશે.

9 જે આંખે તેને જોયો હશે તે તેને ફરી જોવા પામશે નહિ; અને તેનું સ્થળ તેને ફરી જોવા પામશે નહિ.

10 તેનાં સંતાન દરિદ્રીઓની મહેરબાની શોધશે, અને તેના હાથ તેનું ધન પાછું પામશે.

11 તેનામાં જુવાનીનું જોર છે, પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે.

12 જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે, જો કે તે તેને પોતાની જીભ નીચે છુપાવી રાખે છે;

13 જો કે તે તેને પાછી રાખીને જવા ન દે, પણ પોતાના મોંમાં ને મોંમાં જ રાખી મૂકે છે;

14 તોપણ તેનાં આંતરડાંમાં તેના ખોરાકને અજીર્ણ થઈ ગયું છે, તે તેના પેટમાં સર્પનું ઝેર થઈ ગયો છે.

15 તે દ્રવ્ય ગળી ગયો છે, પણ તેને તે ફરી ઓકી કાઢવું પડશે; ઈશ્વર તેના પેટમાંથી તે ઓકી કઢાવશે.

16 તે સર્પોનું ઝેર ચૂસશે; નાગનો દંશ તેનો સંહાર કરશે.

17 નદીઓ અને માખણ તથા મધની વહેતી ધારાઓ તે જોવા પામશે નહિ.

18 જેને માટે તેણે શ્રમ કર્યો હશે, તે તેને પાછું આપવું પડશે, અને તે તેને ગળી જવા પામશે નહિ. તેણે જે સંપત્તિ મેળવી હશે, તેથી તેને આનંદ થશે નહિ.

19 કેમ કે તેણે ગરીબો પર જુલમ કર્યો છે, તથા તેઓનો ત્યાગ કર્યો છે. જે ઘર તેણે બાંધ્યું નહોતું તે તેણે જોરજુલમથી લઈ લીધું છે.

20 તેના મનમાં કંઈ શાંતિ નહોતી, માટે જેમાં તે આનંદ માનતો હતો તેમાંનું તે કંઈ પણ બચાવી શકશે નહિ.

21 તેણે ખાઈ જવામાં કંઈ બાકી રાખ્યું નહિ. માટે તેની આબાદાની ટકશે નહિ.

22 તેની સંપત્તિ પુષ્કળ હોવા છતાં તે તંગીમાં આવી પડશે; પ્રત્યેક દુ:ખી જનનો હાથ તેની વિરુદ્ધ થશે.

23 તે પોતાનું પેટ ભરવાની તૈયારીમાં હશે એટલામાં તો [ઈશ્વર] નો કોપ તેના પર ઊતરશે, તે ખાતો હશે, એટલામાં તેના પર તે વરસાવવામાં આવશે.

24 લોઢાના શસ્ત્રથી તે નાસશે, અને પિત્તળનું ધનુષ્ય તેને વીંધી નાખશે.

25 તે તેને ખેંચી કાઢે છે, ત્યારે તે તેના પેટમાંથી નીકળે છે. તેની ચળકતી આણી તેના પિત્તાશયમાંથી નીકળે છે. તેના ઉપર ત્રાસ આવી પડયો છે.

26 તેના ધનભંડારને સ્થાને માત્ર અંધકાર તેને માટે રાખી મૂકેલો છે; [કોઈ માણસે] નહિ સળગાવી હોય એવી આગ તેને ભસ્મ કરશે; તેના તંબુમાં જે કંઈ હજી બચ્યું હશે તેને તે બાળી નાખશે.

27 આકાશ તેનો અન્યાય પ્રગટ કરશે, અને પૃથ્વી તેની સામે ઊઠશે.

28 તેના ઘરની સમૃદ્ધિ લોપ થશે, [ઈશ્વર] ના કોપને દિવસે તે વહી જશે.

29 દુષ્ટ માણસને ઈશ્વર તરફથી મળેલો હિસ્સો, તથા ઈશ્ચરે તેને ઠરાવી આપેલું વતન આ જ છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan