અયૂબ 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)શેતાને બીમારી દ્વારા અયૂબની પૂરી કરેલો કસોટી 1 એક દિવસે ઈશ્વરદૂતો ફરીથી યહોવાની હજૂરમાં હાજર થયા, તેઓની સાથે શેતાન પણ આવીન યહોવાની આગળ હાજર થયો. 2 યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં જઈ આવ્યો?” ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો, “પૃથ્વી પર આમતેમ સર્વત્ર ફરીને હું આવ્યો છું.” 3 યહોવાએ શેતાનને પૂછયું, “શું તેં મારા સેવક અયૂબને લક્ષમાં લોધો છે? પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ, પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી; જોકે તેને વિનાકારણ પાયમાલ કરવાને તેં મને ઉશ્કેર્યો હતો, તોપણ હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દઢતાથી વળગી રહ્યો છે.” 4 શેતાને યહોવાને ઉત્તર આપ્યો, “ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે. 5 પણ તમારો હાથ લંબાવીને તેના હાડકાને તથા તેના માંસને સ્પર્શ કરો, એટલે તે તમારે મોઢે ચઢીને તમને શાપ આપશે.” 6 યહોવાએ શેતાનને કહ્યું, “જો, તે તારા હાથમાં છે; ફક્ત તેનો જીવ બચાવજે.” 7 પછી યહોવાની હજૂરમાંથી નીકળીને શેતાને અયૂબના [શરીરમાં તેના] પગના તળિયાથી તે તેના [માથાની] તાલકી સુધી ગૂંમડાનું દુ:ખદાયક દરદ ઉત્પન્ન કર્યું. 8 તેથી તે પોતાના શરીરને ઠીકરીથી ખજવાળવા માટે રાખમાં બેઠો. 9 ત્યારે તેની પત્નીએ તેને કહ્યું, “હજી સુધી તમે તમારા પ્રામાણિકપણાને દઢતાથી વળગી રહ્યા છો? ઈશ્વરને શાપ આપો, અને મરી જાઓ.” 10 પણ તેણે તેને ઉત્તર આપ્યો, “કોઈએક અધર્મી સ્ત્રીની જેમ તું બોલે છે. શું આપણે ઈશ્વરના હાથથી સુખ જ સ્વીકારીએ, અને દુ:ખ ન સ્વીકારીએ?” એ સર્વમાં અયૂબે પોતાના મોંથી પાપ ન કર્યું. અયૂબને મિત્રોનો દિલાસો 11 આ સર્વ વિપત્તિ અયૂબ ઉપર આવી પડી હતી, તે વિષે તેના ત્રણ મિત્રોએ સાંભળ્યું, ત્યારે અલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી તથા સોફાર નામાથી પોતપોતાને ઘેરથી આવ્યા; તેઓ તેના દુ:ખમાં ભાગ લેવાને તથા તેને દિલાસો આપવાને વિચારણા કરીને તેની પાસે આવ્યા હતા. 12 જ્યારે તેઓએ તેને દૂરથી જોયો, અને તેને ઓળખ્યો પણ નહિ, ત્યારે તેઓ પોક મૂકીને રડયા; અને દરેકે પોતાનો જામો ફાડયો, અને આકાશ તરફ [જોઈને] પોતાનાં માથાં પર ધૂળ નાખી. 13 તેઓ સાત દિવસ તથા સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા; તેઓએ જોયું કે તે ઘણો દુ:ખી છે, તેથી કોઈએ તેને એક શબ્દ પણ કહ્યો નહિ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India