Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


બિલ્દાદ

1 ત્યારે બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો,

2 “ક્યાં સુધી તમે શબ્દોને માટે ફાંદા ગોઠવશો? વિચાર કરો, અને પછી અમે બોલીશું.

3 અમે પશુઓની માફક કેમ ગણાઈએ છીએ, [અને] તારી નજરમાં અપવિત્ર કેમ થયા છીએ?

4 હે પોતાના ક્રોધમાં પોતાને ફાંસી નાખનાર, શું તારી ખાતર પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે? અથવા શું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે?

5 હા, દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે, અને તેના અગ્નિની ચિનગારી ચમકશે નહિ.

6 તેના તંબુમાંનું અજવાળું અંધકારરૂપ થઈ જશે, અને તેની પાસેનો તેનો દીપક હોલવી નાખવામાં આવશે.

7 તેનાં પગલાં મંદ પડી જશે, અને તે પોતે પોતાના તરકટનો ભોગ થઈ પડશે.

8 તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે, તે ફાંદા પર ચાલે છે.

9 પાશ તેની એડી પકડી લેશે, અને ફાંદો એને ફસાવશે.

10 જમીનમાં તેને માટે ફાંસલો, અને માર્ગમાં તેને ફસાવવાને માટે ખાડો ખોદાયેલો છે.

11 ચારેબાજુ તેને ત્રાસ ગભરાવશે, અને તેનો પીછો કરશે.

12 ભૂખથી તેનું બળ ક્ષીણ થઈ જશે, અને વિપત્તિ તેની પડખે તૈયાર રહેશે.

13 તે તેના શરીરના અવયવોનો ભક્ષ કરશે, ભયંકર રોગ તેના અવયવોનો નાશ કરશે.

14 પોતાનો તંબુ કે જેના પર તે ભરોસો રાખે છે તેમાંથી તેને ઉખેડી નાખવામાં આવશે. તેને ભયના રાજાની હજૂરમાં લાવવામાં આવશે.

15 જેઓ તેનાં નથી તેઓ તેના તંબુમાં વસશે; તેના રહેઠાણ પર ગંધક વરસશે.

16 નીચેથી તેનાં મૂળ સુકાઈ જશે, અને ઉપરથી તેની ડાળી કાપી નંખાશે.

17 તેનું સ્મરણ પૃથ્વીમાંથી નાશ પામશે, અને શેરીમાં તેનું નામનિશાન રહેશે નહિ.

18 અજવાળામાંથી અંધકારમાં તેને હાંકી કાઢવામાં આવશે, અને દુનિયામાંથી તેને નસાડી મૂકવામાં આવશે.

19 તેના લોકમાં તેનો પુત્ર કે પૌત્ર હશે નહિ; જે ઘરમાં તે રહેતો હતો તેમાં કોઈ બાકી રહેશે નહિ.

20 જેઓ પશ્ચિમમાં રહે છે તેઓ તે [ની દુર્દશા] ના દિવસને જોઈને આશ્ચર્ય પામશે, પૂર્વમાં રહેનારા પણ ભયભીત થશે.

21 નક્કી દુરાચારીઓનાં રહેઠાણો એવાં જ છે, અને જેને ઈશ્વરનું જ્ઞાન નથી તેની દશા એવી જ છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan