અયૂબ 16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અયૂબ 1 ત્યારે અયૂબે પ્રત્યુત્તર આપ્યો, 2 “મેં એવી ઘણી વાતો સાંભળી છે. તમે સર્વ કંટાળો ઊપજે એવો દિલાસો આપનારા છો. 3 શું નકામા શબ્દોનો અંત આવે? કે ઉત્તર આપવાને તને શું ઉશ્કેરે છે? 4 તમારી જેમ હું પણ બોલી શકું છું; જો તમારો આત્મા મારા આત્માની જગાએ હોત, તો હું તમારી સાથે દલીલ કરત, અને તમારી સામે મારું માથું ધુણાવત. 5 [પણ] મારા મુખથી હું તમને હિમ્મત આપત, અને મારા હોઠોનો દિલાસો ઠંડક વાળત. 6 જો કે હું બોલું છું, તોપણ મારો ખેદ ઠંડો થતો નથી; અને જો કે હું સહન કરું, તોપણ મને કેવી રીતે આરામ થાય? 7 હવે તેમણે મને વ્યાકુળ કર્યો છે; મારો બધો સંગાથ તેં ઉજ્જડ કર્યો છે. 8 તેં મને કરમાવી નાખ્યો છે, એ જ [મારી વિરુદ્ધ] સાક્ષી છે. અને મારી દુર્બળતા મારી વિરુદ્ધ ઊઠીને મારે મોઢે ચઢીને સાક્ષી પૂરે છે. 9 તેમણે પોતાના ક્રોધમાં મને ચીરી નાખ્યો છે, અને મને સતાવ્યો છે; તેમણે મારી સામે પોતાના દાંત પીસ્યા છે; મારો વેરી પોતાની આંખો મારી સામે કરડી કરે છે. 10 તેઓએ મારી વિરુદ્ધ પોતાનું મોં પહોળું કર્યું છે; મહેણાં મારીને તેઓએ મારા ગાલ પર તમાચા માર્યા છે; તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે. 11 ઈશ્વર મને અધર્મીઓને હવાલે સોંપી દે છે, અને મને દુષ્ટોના હાથમાં ફેંકી દે છે. 12 હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો. હા, તેમણે મને ગરદનેથી પકડીને અફાળી ચૂરો કર્યો છે. તેમણે મારા પર પોતાનું નિશાન તાકી રાખ્યું છે. 13 તેમના ધનુર્ધારીઓએ મને ચારે તરફ ઘેરી લીધો છે, તે મારું હ્રદય ફાડી નાખે છે, ને દયા રાખતા નથી; તે મારું પિત્ત જમીન પર ઢોળે છે. 14 તે તોડફોડ કરીને મને ભાંગી નાખે છે. તે યોદ્ધાની જેમ મારા પર ધસે છે. 15 મેં મારા શરીર પર ટાટ સીવ્યું છે, અને મારું શિંગ ધૂળમાં રગદોળ્યું છે. 16 જો કે મારા હાથથી કંઈ બલાત્કાર થયો નથી, અને મારી પ્રાર્થના શુદ્ધ છે તોપણ, 17 રુદન કરી કરીને મારું મોં લાલચોળ થઈ ગયું છે, અને મારાં પોપચાં પર મોતની છાયા [છવાયેલી] છે. 18 હે પૃથ્વી, મારું રક્ત ન સંતાડ, અને મારી બૂમ અટકી ન પડો. 19 જુઓ, હમણાં જે મારો સાક્ષી આકાશમાં છે, અને મારો સાક્ષી ઉચ્ચસ્થાને છે. 20 મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે; પણ મારી આંખ ઈશ્વર આગળ આંસુઓ રેડે છે; 21 એ માટે કે ઈશ્વર માણસના વાજબી હકને તથા પોતાના પડોશી સાથે મનુષ્યના હકને જાળવી રાખે! 22 કેમ કે થોડાં વર્ષ વીતશે ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહિ તે માર્ગે હું જઈશ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India