Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


અયૂબ (ચાલુ)

1 મારી આંખોએ [એ] બધું જોયું છે, મારા કાનોથી એ સાંભળીને હું સમજ્યો છું.

2 તમે જે જાણી છો, તે હું પણ જાણું છું; હું તમારાથી કંઈ કાચો નથી.

3 નિશ્ચે સર્વશક્તિમાનની સાથે બોલવા હું ઇચ્છું છું, અને ઈશ્વરની સાથે વાદ કરવા હું માગું છું.

4 પણ તમે જૂઠી વાતો જોડી કાઢનારા છો, તમે બધા ઊંટવૈદ છો.

5 તમે છેક છાના રહ્યા હોત તો કેવું સારું! કેમ કે એમાં તમારું ડહાપણ જણાત.

6 હવે મારી દલીલો સાંભળો, અને મારા મુખની અરજ પર લક્ષ આપો.

7 શું તમે ઈશ્વરનો પક્ષ રાખીને અન્યાયથી બોલશો, અને તેમના પક્ષના થઈને ઠગાઈ ભરેલી વાત કરશો?

8 શું તમે તેમનો વગવસીલો રાખશો? શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો?

9 શું તે તમારી ઝડતી લે તો સારું? અથવા જેમ માણસ માણસને ઠગે, તેમ શું તમે તેમને ઠગશો?

10 જો તમે ગુપ્ત રીતે આંખની શરમ રાખતા હશો, તો તે નિશ્ચે તમને ઠપકો આપશે.

11 શું તેમનો પ્રતાપ તમને નહિ ડરાવે, અને તેમનો ભય તમારા પર નહિ આવે?

12 તમારી [મશહૂર] કહાણીઓ રાખ જેવી છે; તમારી દલીલો માટીના કિલ્લાઓ જેવી છે.

13 છાના રહો, મને નિરાંતે બોલવા દો, અને મારા પર જે વીતવાનું હોય તે છો વીતે.

14 ગમે તે થાય, હા, મારો જીવ જાય, તોપણ હું ડરતો નથી.

15 તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ; પરંતુ મારી વર્તણૂક [નિર્દોષ છે એમ] હું તેમની આગળ સાબિત કરીશ.

16 એ જ મારું તારણ પણ થઈ પડશે; કેમ કે અધર્મી માણસથી તેમની આગળ આવી શકાય નહિ.

17 મારું બોલવું ધ્યાનથી સાંભળો, અને મારું કહેવું બરાબર સાંભળી રાખો.

18 હવે જુઓ, મારો મુકદ્દમો મેં નિયમસર ગોઠવ્યો છે; હું જાણું છું કે હું નેક છું.

19 મારી સામે પ્રતિવાદ કરે એવો કોણ છે? [જો કોઈ હોય] તો હું છાનો રહીશ અને પ્રાણ છોડીશ.

20 ફક્ત બે બાબતોથી તમે મને મુક્ત કરો, તો હું તમારી આગળ મારું મુખ સંતાડું નહિ:

21 તમારો હાથ મારા પરથી દૂર ખેંચી લો; અને તમારા ભયથી મને ન ગભરાવો.

22 ત્યારે તો તમે મને બોલાવો કે, હું ઉત્તર આપું; અથવા હું બોલું, ને તમે મને પ્રત્યુત્તર આપો.

23 મારા અન્યાયો તથા પાપો કેટલાં છે? મારા અપરાધો તથા મારું પાપ મને જણાવો.

24 શા માટે તમે તમારું મુખ છુપાવો છો, અને મને તમારો શત્રુ ગણો છો?

25 શું તમે પવનથી ઘસડાતા પાંદડાને હેરાન કરશો? અને સૂકા ખૂંપરાનો પીછો પકડશો?

26 કેમ કે તમે મારી વિરુદ્ધ સખત [ઠરાવ] લખો છો, અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપો છો;

27 તમે મારા પગ હેડમાં પૂરો છો, અને મારા સર્વ રસ્તાઓ ધ્‍યાનમાં રાખો છો; તમે મારાં પગલાં આંકો છો;

28 જો કે હું નાશ પામતી સડેલી વસ્તુના જેવો તથા ઊધઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું, તો પણ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan