Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


અયૂબ (ચાલુ)

1 મારો જીવ આ જિંદગીથી કંટાળી ગયો છે; હું તો છૂટે મોઢે વિલાપ કરીશ. મારા જીવની વેદનાએ હું બોલીશ.

2 હું ઈશ્વરને કહીશ કે, મને દોષિત ન ઠરાવો. તમે મારી સાથે કેમ ઝઘડો કરો છો તે મને બતાવો.

3 જુલમ કરવો તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટોની યોજના પર પ્રસન્નતા દેખાડવી, એ શું તમને શોભે?

4 શું તમને ચર્મચક્ષુ છે, અથવા શું તમે માણસની જેમ જુઓ છો?

5 શું તમારા દિવસો માણસના દિવસો જેવા છે, અથવા તમારી જિંદગી માણસની જિંદગી જેવી છે કે,

6 તમે મારા અન્યાય વિષે તપાસ કરો છો, ને પાપની શોધ કરો છો?

7 તમે જાણો છો કે હું દુષ્ટ નથી; અને તમારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.

8 તમારા હાથોએ મને ઘડયો છે, તથા ચોતરફથી મારો આકાર બનાવ્યો છે; તેમ છતાં તમે મારો વિનાશ કરો છો.

9 કૃપા કરી યાદ રાખો કે, તમે માટીના ઘાટ [જેવો] મને ઘડયો છે; અને શું તમે મને પાછો ધૂળ ભેગો કરશો?

10 શું તમે મને દૂધની જેમ રેડયો નથી, અને પનીરની જેમ જમાવ્યો નથી?

11 તમે ચામડીથી તથા માંસથી મને વષ્ટિત કર્યો છે, અને હાડકાંથી તથા નસોથી તમે મને સજડ ગૂંથ્યો છે.

12 તમે મને જીવન તથા કૃપા આપ્યાં છે, અને તમારી નિગાહબાનીએ મારું રક્ષણ કર્યું છે.

13 તોપણ આ બાબતો તમે તમારા મનમાં ગુપ્ત રાખી છે; હું જાણું છું કે એ તમારો આશય છે.

14 જો હું પાપ કરું, તો તમે મને ધ્યાનમાં લો છો, ને તમે મારા અન્યાય વિષે નિર્દોષ ઠરાવશો નહિ.

15 જો હું દુષ્ટ હોઉં તો મને અફસોસ! અને હું નેક હોઉં તોપણ હું મારું માથું ઊંચું નહિ કરીશ; કેમ કે મને અતિશય શરમ લાગે છે, અને મારી વિપત્તિ મારી નજર આગળ છે.

16 જો હું ગર્વ કરું, તો તમે સિંહની જેમ મારી પૂઠે લાગો છો; અને ફરીને મારા ઉપર તમે તમારી અદ્દભુત શક્તિ બતાવો છો.

17 તમે મારી વિરુદ્ધ નવા નવા સાક્ષીઓ લાવો છો, અને મારા ઉપર તમારો રોષ વધારો છો; મારી સામે [દુ:ખોની] ફોજ પર ફોજ આવે છે.

18 તો તમે શા માટે મને ગર્ભમાંથી બહાર લાવ્યા છો? ત્યાં જ મેં પ્રાણ છોડયો હોત, અને કોઈએ મને જોયો ન હોત.

19 હું હતો ન હતો થઈ ગયો હોત; ગર્ભમાંથી સીધો તેઓ મને કબરે ઊંચકી જાત.

20 શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કરો, અને મને રહેચા દો કે, હું થોડો આરામ ભોગવી લઉં.

21 કેમ કે પછી તો જ્યાંથી પાછું નહિ આવી‍ શકાય ત્યાં, એટલે અંધકારના તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે;

22 એટલે ઘોર અંધકારના દેશમાં, જે સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે, તથા જેનો પ્રકાશ અંધકારરૂપ છે તેવા મૃત્યુછાયાના [દેશમાં મારે જવાનું છે].”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan