Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોહાન 17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પોતાના શિષ્યો માટે ઈસુની પ્રાર્થના

1 એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું, “હે પિતા, સમય આવ્યો છે. તમે તમારા દીકરાને મહિમાવાન કરો કે, દીકરો તમને મહિમાવાન કરે.

2 કારણ કે તમે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે કે, જેઓએ તમે તેને આપ્યાં છે તે સર્વને તે અનંતજીવન આપે.

3 અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્ચરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.

4 જે કામ કરવાનું તમે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે.

5 અને હવે, હે પિતા, જગત ઉત્પન્‍ન થયા અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.

6 જગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે. તેઓ તમારાં હતાં, ને તમે તેઓને મને આપ્યાં છે. અને તેઓએ તમારી વાત પાળી છે.

7 હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી છે.

8 કેમ કે જે વચનો તમે મને આપ્યાં હતાં તે મેં તેઓને આપ્યાં છે. અને તેઓએ તે સ્વીકાર્યાં છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું, અને તમે મને મોકલ્યો છે, એવો તેઓએ વિશ્વાસ રાખ્યો.

9 તેઓને માટે હું વિનંતી કરું છું; જગતને માટે હું વિનંતી કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે.

10 અને જે મારાં તે બધાં તમારાં છે, અને જે તમારાં છે તે મારાં છે; અને હું તેઓમાં મહિમાવાન થયો છું.

11 હવેથી હું જગતમાં [રહેવાનો] નથી, પણ તેઓ જગતમાં છે, અને હું તમારી પાસે આવું છું. હે પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તે [નામ] દ્વારા આપણા જેવા એક થવા માટે તેઓને સંભાળી રાખો.

12 હું તેઓની સાથે હતો‍ ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું, અને શાસ્‍ત્રવચન પૂર્ણ થવા માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો નાશ થયો નથી.

13 પણ હવે હું તમારી પાસે આવું છું. અને મારો આનંદ તેઓમાં સંપૂર્ણ થાય, માટે હું જગતમાં એ વાતો કહું છું.

14 તમારું વચન મેં તેઓને આપ્યું છે. અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમ કે જેમ હું જગતનો નથી, તેમ તેઓ પણ જગતના નથી.

15 તમે તેઓને જગતમાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી, પણ તમે તેઓને પાપથી બચાવો એવી [વિનંતી કરું છું.]

16 જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.

17 સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.

18 જેમ તમે મને જગતમાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યા છે.

19 તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને માટે હું પોતાને પવિત્ર કરું છું.

20 વળી હું એકલા તેઓને માટે નહિ, પણ તેઓનાં વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને માટે પણ વિનંતી કરું છું કે,

21 તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય કે, તમે મને મોકલ્યો છે, એવો જગત વિશ્વાસ કરે.

22 જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય, એ માટે જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે.

23 [એટલે] હું તેઓમાં અને તમે મારામાં થઈએ, જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય. અને જગત જાણે કે તમે મને મોકલ્યો છે, અને જેમ તમે મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે.

24 હે પિતા, હું એમ ચાહું છું કે, જયાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે કે, મારો જે મહિમા તમે મને આપ્યો છે તે તેઓ જુએ; કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તમે મારા પર પ્રેમ રાખ્યો હતો.

25 હે ન્યાયી પિતા, જગતે તો તમને ઓળખ્યા નથી. પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે.

26 અને મેં તેઓને તમારું નામ જણાવ્યું છે, અને જણાવીશ, જેથી જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે, તે તેઓમાં રહે, અને હું તેઓમાં રહું.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan