Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મારા લોકોની દીકરીના કતલ થયેલાઓને માટે રાતદહાડો રુદન કરવા માટે મારું માથું પાણી હોત, ને મારી આંખો આંસુનો ઝરો હોત, તો કેવું સારું!

2 મારા લોકને છોડીને તેઓની પાસેથી દૂર જવાને મારે માટે વનમાં વટેમાર્ગુઓનો ઉતારો હોત તો કેવું સારું! કેમ કે તેઓ સર્વ વ્યભિચારીઓ તથા વિશ્વાસઘાતીઓનું મંડળ છે.

3 ધનુષ્ય ખેંચવામાં આવે છે તેમ તેઓ જૂઠું બોલવા માટે પોતાની જીભ ખેંચે છે. દેશમાં તેઓ પરાક્રમી થયા છે ખરા, પણ સત્યને માટે તેઓ પરાક્રમી નથી. તેઓ દુષ્કર્મ કર્યા પછી એથી અધિક દુષ્કર્મ કરવા જાય છે, અને તેઓ મને ઓળખતા નથી, ” એવું યહોવા કહે છે.

4 “તમે દરેક તમારા પડોશીથી સાવધાન રહો, કોઈ પોતાના ભાઈ પર ભરોસો ન રાખો કેમ કે દરેક ભાઈ કાવતરું કર્યા કરશે, ને દરેક પડોશી નિંદા કર્યા કરશે.

5 તેઓ દરેક અસત્ય બોલીને પોતાના પડોશીને ઠગે છે, તેઓએ પોતાની જીભને અસત્ય બોલવાની ટેવ પાડી છે, તેઓ અધર્મ કરી કરીને થાકે છે.

6 તું કપટમાં વસે છે! કપટને લીધે તેઓ મને જાણવાની ના પાડે છે, ” એવું યહોવા કહે છે.

7 તે માટે સૈન્યોના [ઈશ્વર] યહોવા એમ કહે છે, “જુઓ, હું તેઓને ગાળીને પારખીશ, કેમ કે મારા લોકની દીકરીને માટે હું બીજું શું કરું?

8 તેઓની જીભ પ્રાણઘાતક તીર જેવી છે! તે કપટથી બોલે છે. મુખથી કોઈ પોતાના પડોશીની સાથે શાંતિથી વાત કરે છે, પણ મનમાં તેનો ઘાત કરવાની યોજના કરે છે.”

9 યહોવા કહે છે, “એ બધી બાબતોને માટે શું હું તેઓને જોઈ લઈશ નહિ? મારો જીવ એવી પ્રજા પર વૈર લેશે નહિ?”

10 [મેં કહ્યું,] “હું પર્વતોને માટે રુદન તથા શોક કરીશ, ને રાનમાંના બીડોને માટે વિલાપ કરીશ, કેમ કે તેઓ એટલાં બધાં બળી ગયાં છે કે, કોઈ તેમાં થઈને જતું નથી. અને ઢોરનો અવાજ સાંભળવામાં આવતો નથી; આકાશનાં પક્ષીઓ તેમ જ પશુઓ પણ નાઠાં છે, તેઓ જતાં રહ્યાં છે.”

11 [પ્રભુ કહે છે] “હું યરુશાલેમને ઢગલા, શિયાળોનું કોતર કરીશ. અને હું યહૂદિયાના નગરોને ઉજ્જડ કરીશ, તેઓ વસતિહીન થશે.”

12 [મેં પૂછયું] “ભૂમિ શા માટે નષ્ટ થઈ છે, તે શા માટે રાનની પેઠે એવી બળી ગઈ છે કે તેમાં થઈને કોઈ જતું નથી, એ [શા માટે બન્યું છે એ] સમજનાર બુદ્ધિમાન પુરુષ કોણ? વળી જેને યહોવાએ પોતાને મુખે એ પ્રગુ કરવાને કહ્યું છે તે કોણ?”

13 વળી યહોવા કહે છે, “મારું નિયમશાસ્ત્ર મેં તેઓની આગળ મૂક્યું, તેને તેઓએ તરછોડયું છે, ને મારું વચન સાંભળ્યું નથી, અને તે પ્રમાણે તેઓ ચાલ્યા નથી.

14 પણ પોતના હ્રદયના દુરાગ્રહ પ્રમાણે, અને પોતના પૂર્વજોના શીખવ્યા પ્રમાણે તેઓ બાલીમની પાછળ ચાલ્યા છે.”

15 તે માટે સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે, “હું તેમને નાગદમણ ખવડાવીશ, ને તેમને ઝેર પાઈશ.

16 વળી તેઓથી તથા તેઓના પૂર્વજોથી અજાણી પ્રજામાં હું તેઓને વેરણખેરણ કરી નાખીશ; અને હું તેઓનો સંહાર થતાં સુધી તેઓની પાછળ તરવાર મોકલીશ.”


મદદ માટે પ્રજાનો પોકાર

17 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “વિચાર કરો! ને કૂટનારી સ્ત્રીઓ આવે, માટે તેઓને બોલાવો. અને કુશળ સ્ત્રીઓ આવે, માટે તેમને તેડો.

18 તેઓ વહેલી આવે, ને આપણે માટે વિલાપ કરે કે, જેથી આપણી આંખોમાંથી ચોધાર આંસુઓ વહે, ને આપણાં પોપચાંમાંથી પુષ્કળ પાણી વહી જાય.

19 કેમ કે સિયોનમાંથી વિલાપનો અવાજ સંભળાયો છે, ‘અમે કેવા લૂંટાયા છીએ! અમે અત્યંત વ્યાકુળ થયા છીએ, કારણ કે, અમે દેશ છોડી દીધો છે, કારણ કે તેઓએ અમારાં રહેઠાણોને પાડી નાખ્યાં છે!’”

20 પરંતુ, હે સ્ત્રીઓ યહોવાનું વચન સાંભળો, ને તમારા કાન, તેમના મુખનાં વચન ગ્રહણ કરે, ને તમારી દીકરીઓને રુદન કરતાં શીખવો, ને તમે પોતપોતાના પડોશણને વિલાપ કરતાં શીખવો.

21 કેમ કે ચકાલાઓમાંથી બાળકોને, તથા ચૌટામાંથી તરુણોને, કાપી નાખવા માટે મરણ બારીઓમાં ચઢી આવ્યું છે, તે આપણી હવેલીઓમાં પેઠું છે.

22 “તું એમ બોલ કે, જેમ ખેતરમાં ખાતર તથા કાપનારની પાછળ કલ્લા પડે છે, તેમ મનુષ્યોનાં મુડદાં પડશે, ને તેઓને એકઠાં કરનાર કોઈ મળશે નહિ, ” એમ યહોવા કહે છે.

23 યહોવા કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે અભિમાન ન કરે, તેમ જ બળવાન પોતાના બળ વિષે અભિમાન ન કરે. વળી ધનવાન પોતાના ધન વિષે અભિમાન ન કરે.

24 પણ જે કોઈ અભિમાન કરે તે આ વિષે અભિમાન કરે કે, તે સમજીને મને ઓળખે છે કે, હું પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ. કરનાર યહોવા છું; કેમ કે તેઓમાં મારો આનંદ છે, ” એમ યહોવા કહે છે.

25 યહોવા કહે છે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ સુન્નતીઓને તેઓના બેસુન્નતપણાને લીધે શિક્ષા કરીશ.

26 મિસરને, યહૂદિયાને, અદોમને, આમ્મોનીઓને, મોઆબીઓને તથા જેઓની દાઢી બાજુએથી મુંડેલી છે, જેઓ રાનમાં વસે છે, તે સર્વને જોઈ લઈશ! કેમ કે સર્વ વિદેશીઓ બેસુન્નત છે, ને ઇઝરાયલના વંશના સર્વ લોકો હ્રદયમાં બેસુન્નત છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan