Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


વ્યર્થ ભક્તિ

1 યહોવા તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ કે,

2 “યહોવાના મંદિરના દરવાજા તરફ ઊભો રહે, ને ત્યાં આ વચન પોકારીને કહે, હે યહૂદિયાના સર્વ લોકો, જે યહોવાને ભજવાને અર્થે આ દરવાજામાં પેસો છો, તે તમે યહોવાનું વચન સાંભળો.

3 સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલનો ઈશ્વર, કહે છે કે, તમારા માર્ગોમાં તથા તમારી કરણીઓમાં સુધારો કરો, તો હું આ સ્થળે તમને વસાવીશ.

4 ‘યહોવાનું મંદિર, યહોવાનું મંદિર, યહોવાનું મંદિર આ છે, ’ એવું કહીને જૂઠાં વચનો પર ભરોસો ન રાખો.

5 કેમ કે જો તમે ખરેખર તમારા માર્ગોમાં તથા તમારી કરણીઓમાં સુધારો કરો; જો આડોશી પડોશીની વચ્ચે તમે ન્યાય કરો;

6 જો પરદેશી, અનાથ તથા વિધવા પર તમે જુલમ ન કરો, ને આ ઠેકાણે નિર્દોષ રક્ત ન પાડો, ને અન્ય દેવોની પાછળ ચાલીને પોતાનું નુકસાન ન કરો;

7 તો આ સ્થળે, એટલે જે ભૂમિ તમારા પૂર્વજોને મેં પુરાતન કાળથી આપી તેમાં હું તમને સદાકાળ વસાવીશ.

8 જુઓ, તમે નકામાં જૂઠાં વચન પર ભરોસો રાખો છો.

9 શું ચોરી તથા હત્યા તથા વ્યભિચાર કરીને, તથા ખોટા સમ ખાઈને, અને બાલની આગળ ધૂપ બાળીને, તથા જે અન્ય દેવોને તમે જાણ્યા નહિ તેઓની પાછળ ચાલીને,

10 આ મંદિર, જે મારા નામથી ઓળખાય છે, તેમાં તમે પેસશો, ને મારી આગળ ઊભા રહીને કહેશો, ‘આ સર્વ ધિક્કારપાત્ર કામો કરવાની અમને છૂટ છે?’

11 આ મંદિર, જે મારા નામથી ઓળખાય છે, તે શું તમારી દષ્ટિમાં, લૂંટારાની ગુફા થઈ ગઈ છે? જુઓ, મેં હા મેં જાતે એ જોયું છે, ” એવું યહોવા કહે છે.

12 “મારું સ્થાન જે શિલામાં હતું, જ્યાં પ્રથમ મેં મારું નામ રાખ્યું હતું, ત્યાં જાઓ; મારા લોક ઇઝરાયલની દુષ્ટતાને લીધે તેની જે હાલત મેં કરી તે જુઓ.

13 યહોવા કહે છે, હમણાં તમે એ સર્વ કામો કર્યાં છે, ને હું પ્રાત:કાળે ઊઠીને તમને કહેતો હતો, પણ તમે સાંભળ્યું નહિ:મેં તમને બોલાવ્યા, પણ તમે ઉત્તર આપ્યો નહિ.

14 તેથી આ મંદિર જે મારા નામથી ઓળખાય છે, જેના પર તમે ભરોસો રાખો છો, ને જે સ્થાન મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યું, તેની હાલત શીલોની જેવી હાલત મેં કરી તેવી કરીશ.

15 વળી જેમ તમારા સર્વ ભાઈઓને, એટલે એફ્રાઈમના સર્વ વંશજોને, મેં ફેંકી દીધા, તેમ હું તમને મારી નજર આગળથી ફેંકી દઈશ.


લોકોનું અનાજ્ઞાકિતપણું

16 તે માટે તું આ લોકોને માટે વિનંતી ન કર, ને તેને માટે વિલાપ તથા પ્રાર્થના ન કર, ને મારી પાસે તેમના હકમાં મધ્યસ્થી ન કર; કેમ કે હું તારું સાંભળનાર નથી.

17 યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં તેઓ શું શું કરે છે, તે તું જોતો નથી?

18 મને રોષ ચઢાવવા માટે છોકરાં લાકડાં એકઠાં કરે છે, તેમના પિતાઓ અગ્નિ સળગાવે છે, ને આકાશની રાણીને માટે રોટલી બનાવવાને સ્ત્રીઓ કણક ગૂંદે છે, તથા અન્ય દેવોની આગળ પેયાર્પણો રેડે છે.”

19 યહોવા કહે છે, “શું તેઓ મને રોષ ચઢાવે છે? શું પોતાના મુખની લાજને અર્થે તેઓ પોતાને જ ચીડવતા [અને બદનામ કરતા] નથી?”

20 તે માટે પ્રભુ યહોવા કહે છે: “જુઓ, આ સ્થાન પર, મનુષ્ય પર, પશુ પર, ખેતરનાં વૃક્ષો પર તથા ભૂમિના પાક પર મારો કોપ તથા મારો ક્રોધ રેડવામાં આવશે; અને તે બળ્યા કરશે ને હોલવાઈ જશે નહિ.”

21 સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “તમારા યજ્ઞોમાં તમારાં દહનીયાર્પણો ઉમેરીને માંસ ખાઓ.

22 કેમ કે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, તે દિવસે મેં તેઓને દહનીયાર્પણ તથા યજ્ઞ વિષે કંઈ કહ્યું નહોતું, તથા આજ્ઞા આપી નહોતી.

23 પણ મેં તેઓને આટલું ફરમાવીને કહ્યું હતું કે, મારું સાંભળો, અને હું તમારો ઈશ્વર થઈશ, ને તમે મારા લોક થશો; તમારું હિત થાય, માટે જે માર્ગો મેં તમને ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો.

24 પરંતુ તેઓએ સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તેઓ ચાલ્યા. તેઓ પાછળ હઠયા, પણ આગળ ગયા નહિ.

25 જે દિવસે તમારા પૂર્વજો મિસર દેશમાંથી નીકળ્યા, ત્યારથી તે અદ્યાપિ પર્યંત હું નિત્ય પ્રાત:કાળે ઊઠીને, મારા સર્વ સેવકોને, એટલે પ્રબોધકોને, તમારી પાસે મોકલતો આવ્યો છું.

26 તોપણ તેઓએ મારું સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ; ઊલટું તેઓએ હઠીલા થઈને પોતાના પૂર્વજોના કરતાં વધારે દુષ્ટતા કરી.

27 તું આ બધાં વચન તેમને કહી સંભળાવીશ, પણ તેઓ તારું સાંભળશે નહિ. તું તેઓને બોલાવીશ પણ તેઓ તને ઉત્તર આપશે નહિ.

28 તેઓને તું કહેજે કે, જે પ્રજાએ તેમના ઈશ્વર યહોવાની વાણી સાંભળી નહિ, ને શિક્ષા માની નહિ, તે આ છે; સત્ય નષ્ટ થયું છે, તેઓના મુખથી તે કપાઈ ગયું છે.”


હિન્નોમની ખીણમાં ધિક્કારપાત્ર કૃત્યો

29 [હે યરુશાલેમ,] તારો અંબોડો કાપીને ફેંકી દે, ને બોડી ટેકરીઓ પર વિલાપ કર; કેમ કે યહોવાએ પોતાના ક્રોધપાત્ર વંશનો તિરસ્કાર કરીને તેને તજી દીધો છે.

30 કેમ કે યહોવા કહે છે, “મારી દષ્ટિમાં જે ભૂંડું હતું તે યહૂદાના પુત્રોએ કર્યું છે. જે મંદિર મારા નામથી ઓળખાય છે તેને અપવિત્ર કરવા માટે, તેઓએ તેમાં પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓ રાખી છે.

31 તેઓએ પોતાના દીકરાઓ તથા દીકરીઓને અગ્નિમાં બલિદાન આપવા માટે, હિન્નોમના પુત્રની ખીણમાં, તોફેથ આગળ ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે; એવું મેં ફરમાવ્યું નહોતું, ને એવું મારા મનમાં પણ આવ્યું નહોતું”

32 તેથી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે, જ્યારે તે તોફેથ તથા હિન્નોમના પુત્રની ખીણ ફરી કહેવાશે નહિ, પણ તેને કતલની ખીણ કહેશે! અને બીજી કંઈ ખાલી જગા નહિ હોવાને લીધે તેઓ તેમાં મુડદાં દાટશે.

33 આ લોકોનાં મુડદાં આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં પશુઓ ખાઈ જશે, અને તેમને હાંકી મૂકનાર કોઈ હશે નહિ.

34 ત્યારે યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં આનંદનો સ્વર તથા હર્ષનો સ્વર, વરનો સ્વર તથા કન્યાનો સ્વર હું બંધ પાડીશ; કેમ કે દેશ ઉજ્જડ થઈ જશે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan