Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


દેશ પર તોળાઈ રહેલું આક્રમણ

1 હે બિન્યામીનના પુત્રો, યરુશાલેમમાંથી જીવ લઈને નાસી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો, ને બેથ-હાક્કેરેમ પર અગ્નિ સળગાવીને ચેતવણી આપો; કેમ કે ઉત્તરથી વિપત્તિ તથા મોટો નાશ આવે છે.

2 સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેને હું કાપી નાખીશ.

3 ઘેટાંપાળકો તથા તેઓનાં ટોળાં તેમાં ફરશે; તેઓ તેની સામે ચોતરફ તંબુઓ મારશે; તેઓ દરેક પોતાની જગાએ ચરશે.

4 [તેઓ કહે છે,] “તેની સાથે લડાઈ કરવા તૈયારી કરો; ઊઠો, આપણે મધ્યાહને ચઢાઈ કરીએ. આપણને અફસોસ! કેમ કે સૂર્ય નમવા લાગ્યો છે, સાંજની છાયા લાંબી થઈ છે.

5 ઊઠો, ને રાત્રે ચઢાઈ કરીને તેના રાજમહેલોનો નાશ કરીએ.”

6 કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ ફરમાવ્યું છે, “તમે વૃક્ષો કાપીને યરુશાલેમની વિરુદ્ધ મોરચા બાંધો. જેની ખબર લેવાની છે તે આ નગર છે; તેનામાં નર્યો બલાત્કાર જ છે.

7 જેમ ઝરો પોતાનું પાણી વહેવડાવે છે, તેમ તે પોતાની દુષ્ટતા વહેવડાવે છે! તેનામાં જુલમ તથા લૂંટફાટનો અવાજ સંભળાય છે; વેદના તથા જખમ મારી નજર આગળ નિત્ય થાય છે.

8 હે યરુશાલેમ, શિક્ષાથી સમજી જા; રખેને મારું મન તારા પરથી ઊતરી જાય, ને હું તને ઉજ્જડ તથા નિર્જન પ્રદેશ કરી મૂકું.”


બંડખોર ઇઝરાયલ

9 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “ઇઝરાયલમાંનું જે બાકી રહ્યું હોય તે તો દ્રાક્ષાની જેમ તમામ વીણી લેવામાં આવશે. દ્રાક્ષા તોડનારની જેમ તું તારો હાથ ડાંખળીમાં ફરી ફેરવ.

10 કોને કહું ને કોને ચેતવણી આપું કે, તેઓ સાંભળે? જુઓ, તેઓના કાન બેસુન્નત છે, તેથી તેઓ સાંભળી શકતા નથી! જુઓ, તેઓ યહોવાનું વચન નિંદાસ્પદ છે એમ ગણે છે; તેમાં તેઓ આનંદ માણતા નથી.

11 તે માટે હું યહોવાના કોપથી ભરપૂર છું; તેને દબાવી દબાવીને હું કાયર થયો છું. રસ્તામાં ફરતાં છોકરાં અને સભામાં ભેગા થયેલા જુવાનો ઉપર તેનો ઊભરો કાઢ; કેમ કે પુરુષ તથા તેની સ્ત્રી, ઘરડો તથા વયોવૃદ્ધ પકડાઈ જશે.

12 વળી તેઓનાં ખેતરો તથા તેમની સ્ત્રીઓસહિત તેઓનાં ઘરો બીજાઓને સોંપવામાં આવશે, કેમ કે દેશના રહેવાસીઓ પર હું મારો હાથ લાંબો કરીશ, ” એમ યહોવા કહે છે.

13 “કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી બધા લોભી થયા છે; અને પ્રબોધકથી તે યાજક સુધી બધા જૂઠાણું ચલાવે છે.

14 કંઈ પણ શાંતિ ન છતાં, તેઓએ, ‘શાંતિ, શાંતિ, ’ બોલીને મારા લોકની દીકરીનો ઘા ઉપરઉપરથી રુઝાવ્યો છે.

15 તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું, માટે શું તેઓ શરમિંદા થયા નહિ, વળી શું છે તે તેઓ સમજ્યા નહિ; તેથી તેઓ પડનારાઓ ભેગા પડશે; જ્યારે હું તમને જોઈ લઈશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે, ” એમ યહોવા કહે છે.


ઇઝરાયલે ત્યાગેલો પ્રભુનો માર્ગ

16 યહોવા આમ બોલે છે, “માર્ગોમાં ઊભા રહીને જુઓ, ને પુરાતન માર્ગોમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો, એટલે તમારા જીવને વિશ્રાંતી મળશે. પણ તેઓએ કહ્યું, ‘અમે [તે માર્ગમાં] ચાલીશું નહિ.’

17 મેં તમારા પર ચોકીદારો ઠરાવીને કહ્યું કે, રણશિંગડાના સાદને કાન દો; પણ તેઓએ કહ્યું, ‘અમે તો કાન નહિ દઈએ.’

18 તે માટે, હે પ્રજાઓ, સાંભળો, તથા હે પ્રજા, તેઓ [ની વિરુદ્ધ] જે છે તે જાણ.

19 હે પૃથ્વી, સાંભળ! જુઓ, આ લોકો પર વિપત્તિ, એટલે તેઓની કલ્પનાનું ફળ, હું લાવીશ, કેમ કે તેઓએ મારાં વચનો ગણકાર્યાં નથી; અને તેઓએ મારા નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો છે.

20 શેબાથી લોબાન તથા દૂર દેશથી ઉત્તમ અગરુ મારી પાસે શા માટે લાવો છો? તમારાં દહનીયાર્પણો માન્ય નથી, ને તમારાં બલિદાનો મને ગમતાં નથી.”

21 માટે યહોવા કહે છે, “જુઓ, આ લોકોની આગળ હું ઠેસો મૂકીશ; અને પિતાઓ તથા પુત્રો બન્ને તેનાથી ઠોકર ખાઈને પડી જશે; પડોશી તથા તેના મિત્રો બન્ને નાશ પામશે.”


ઉત્તરમાંથી આક્રમણ

22 યહોવા આ પ્રમાણે કહે છે, “જુઓ, ઉત્તર દિશાથી લોકો આવે છે; અને પૃથ્વીના છેક છેડેથી એક મોટી પ્રજા ચઢી આવશે.

23 તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરે છે: તેઓ ક્રૂર છે, ને દયા રાખતા નથી; સમુદ્રની ગર્જના જેવો તેઓનો ઘાંટો છે, તેઓ ઘોડાઓ પર સવારી કરે છે; હે સિયોનની દીકરી, જેમ શૂરવીર લડાઈને માટે સજ્જ થાય છે તેમ તેઓ તારી સામે સજ્જ થયેલા છે.

24 અમે તે વિષેના સમાચાર સાંભળ્યા છે; અમારા હાંજા ગગડી ગયા છે; અમને પીડા થાય છે, પ્રસૂતાના જેવી વેદના વળગી છે.

25 બહાર ખેતરોમાં ન જાઓ, માર્ગમાં ન ચાલો; કેમ કે ચારે તરફ વૈરીની તરવાર અને ભય જણાય છે.

26 રે મારા લોકની દીકરી, ટાટ પહેરીને રાખમાં આળોટ; જેમ કોઈ પોતાના એકના એક પુત્રને માટે શોક તથા ભારે આક્રંદ કરે તેમ તું કર; કેમ કે આપણા પર લૂંટારા એકાએક આવશે.

27 મેં તને મારા લોકોમાં પારખનાર તથા કોટ ઠરાવ્યો છે કે, જેથી તું તેઓનો માર્ગ જાણે ને પારખે.

28 તેઓ સર્વ પક્કા બળવાખોર છે, તેઓ ચાડી કરતા ફરે છે; તેઓ પિત્તળ તથા લોઢારૂપ છે; તેઓ સઘળા દુરાચારી છે.

29 ધમણ ફૂંક ફૂંક કરે છે; સીસું અગ્નિથી બળી ગયું છે; ગાળનાર ગાળવાને વ્યર્થ મહેનત કરે છે; કેમ કે દુષ્ટોને તારવી કાઢવામાં આવ્યા નથી.

30 લોકો તેમને નકારેલું રૂપું કહેશે, કેમ કે યહોવાએ તેમને નકાર્યા છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan