યર્મિયા 47 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પલિસ્તીઓની પાયમાલીની પ્રબોધવાણી 1 ફારુને ગાઝાને માર્યા પહેલાં પલિસ્તીઓ વિષે યહોવાનું જે વચન યર્મિયા પ્રબોધકની પાસે આવ્યું તે. 2 યહોવા કહે છે, “જુઓ, ઉત્તરમાંથી પૂર ચઢે છે, ને જંગી રેલ દેશ પર, તથા તેમાંના સર્વસ્વ પર, નગર તથા તેમાં રહેનારાંઓ પર, ફરી વળશે. અને માણસો રડાપીટ કરશે, ને દેશના સર્વ રહેવાસીઓ વિલાપ કરશે. 3 તેના બળવાન ઘોડાઓના પગના ધબકારા, તેના રથોનો ઘસારો તથા તેમનાં પૈડાંઓનો ગડગડાટ સાંભળીને પિતાઓના હાંજા ગગડી જવાથી તેઓ પોતાનાં છોકરાંઓ તરફ પાછા ફરીને જોતા નથી; 4 કેમ કે એવો સમય આવશે કે, જે સમયે સર્વ પલિસ્તીઓને લૂંટવામાં આવશે, ને સૂર તથા સિદોનના બચી ગયેલા હરેક મદદગારને કાપી નાખવામાં આવશે; કેમ કે યહોવા પલિસ્તીઓને, એટલે સમુદ્રકાંઠે આવેલા કાફતોરના બચી ગયેલાઓને, નષ્ટ કરશે. 5 ગાઝાનું માથું મૂંડેલું છે; આશ્કલોન, એટલે તેઓની ખીણમાંનું જે બચી ગયેલું, તે નષ્ટ થયું છે; તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે? 6 હે યહોવાની તરવાર, તું ક્યાં સુધી શાંત નહિ થાય? તું તારા મિયાનમાં પેસ; આરામ લઈને છાની રહે. 7 પણ યહોવાએ તને આજ્ઞા આપી છે, તો તું કેમ શાંત રહી શકે? આશ્કલોન તથા સમુદ્રના કાંઠાની વિરુદ્ધ યહોવાએ તરવાર નિર્માણ કરી છે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India