યર્મિયા 43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યર્મિયાને લોકો મિસર લઈ ગયા 1 તેઓના ઈશ્વર યહોવાએ તેઓની પાસે યર્મિયાને જે વચન કહેવાને મોકલ્યો હતો, તે સર્વ વચન જ્યારે યર્મિયા સર્વ લોકોની આગળ બોલી રહ્યો, 2 ત્યારે હોશાયાના પુત્ર અઝાર્યાએ, કારેઆના પુત્ર યોહાનાને તથા સર્વ ગર્વિષ્ઠ માણસોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે; મિસરમાં જઈ રહેવાની મના કરવા માટે આપણા ઈશ્વર યહોવાએ તને મોકલ્યો નથી. 3 પણ ખાલદીઓ અમને મારી નાખે તથા અમને બાબિલના બંદીવાસમાં લઈ જાય, માટે તેમના હાથમાં અમને સોંપી દેવા નેરિયાનો પુત્ર બારુખ તને અમારી વિરુદ્ધ ઉશ્કેરે છે.” 4 તેથી કારેઆના પુત્ર યોહાનાને, સૈન્યોના સર્વ સરદારોએ, તથા સર્વ લોકે યહૂદિયા દેશમાં રહેવા વિષેનું યહોવાનું વચન માન્યું નહિ. 5 પણ જ્યાં જ્યાં [યહૂદિઓને] નસાડી મૂકવામાં આવ્યા હતા તે સર્વ દેશોમાંતી યહૂદિયા દેશમાં રહેવા માટે પાછા આવેલા યહૂદિ લોકમાં જે બાકી રહ્યા હતા 6 તેઓ, એટલે પુરુષો, સ્ત્રીઓ તથા છોકરાં, રાજાની કુંવરીઓ તથા રક્ષકટુકડીના સરદાર નબૂઝારદાને જે માણસોને શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાના હાથમાં સોંપ્યાં હતાં તેઓ સર્વને, તથા યર્મિયા પ્રબોધક તથા નેરિયાનો પુત્ર બારુખ, એ બધાંને લઈને કારેઆનો પુત્ર યોહાનાન તથા સૈન્યોના સર્વ સરદારો 7 મિસર દેશમાં રહેવા ગયા. તેઓએ યહોવાનું વચન માન્યું નહિ; અને તેઓ તાહપાન્હેસમાં આવ્યા. 8 ત્યારે તાહપાન્હેસમાં યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું: 9 “તું તારા હાથમાં મોટા પથ્થરો લે, ને તાહપાન્હેસમાં ફારુનના મહેલના દ્વારની પાસેની ફરસબંધીમાં યહૂદીઓના જોતાં તે પથ્થરોને ચૂનાથી ઢાંકી દે. 10 અને તેઓને કહે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, હું મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને તેડી મંગાવીશ, ને જે પથ્થરો મેં સંતાડયા છે, તેઓ પર તેનું રાજ્યાસન ઊભું કરીશ; અને તે પોતાનો ભવ્ય મંડપ તેઓ ઉતર ઊભો કરશે. 11 તે આવીને મિસર દેશને પાયમાલ કરશે. મરણને માટે નિર્માણ થયેલાઓ માર્યા જશે, ને બંદીવાસમાં જશે, ને તરવારને માટે નિર્માણ થયેલાઓ તરવારથી માર્યા જશે. 12 હું મિસરના દેવોનાં દેવસ્થાનોને આગ લગાડીશ. તે તેમને બાળી નાખશે, ને લોકોને બંદીવાસમાં લઈ જશે. અને જેમ ભરવાડ પોતાનું વસ્ત્ર ઓઢે છે તેમ તે મિસર દેશ [ની લૂંટ] થી પોતાને શણગારશે; અને ત્યાંથી તે શાંતિમાં પાછો ચાલ્યો જશે. 13 મિસર દેશમાંના બેથ-શેમેથના સ્તંભોને તે ભાંગી નાખશે; અને મિસરનાં દેવસ્થાનોને તે આગ લગાડી બાળી નાખશે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India