યર્મિયા 39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યરુશાલેમનું પતન 1 યહૂદિયાના રાજા સિદકિયાના નવમા વર્ષના દશમા માસમાં, બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તથા તેના સર્વ સૈન્યે યરુશાલેમ ઉપર ચઢાઈ કરીને તેને ઘેરો નાખ્યો. 2 સિદકિયા અગિયારમા વર્ષના ચોથા માસને નવમે દિવસે નગરના કોટમાં બાકોરું પાડવામાં આવ્યું. 3 એ પ્રમાણે યરુશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યારે નેર્ગાલ-શારેસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રાબ-સારીસ, નેર્ગાલ-શારેસેર, રાબ-માગ, ઇત્યાદિ બાબિલના રાજાના સર્વ સરદારો આવીને [શહેરના] વચલા દરવાજામાં બેઠા. 4 જ્યારે યહૂદિયાના રાજા સિદકિયાએ તથા સર્વ લડવૈયાઓએ તેઓને જોયા, ત્યારે તેઓ નાસી છૂટયા, ને રાત્રે રાજાની વાડીને માર્ગે બે કોટની વચ્ચેના દ્વારમાં થઈને નગરની બહાર નીકળીને આરાબાને માર્ગે પડયા. 5 પણ ખાલદીઓનું સૈન્ય તેઓની પાછળ પડયું, ને તેઓએ સિદકિયાને યરીખોના મેદાનમાં પકડી પાડયો. અને તેઓ તેને હમાથ દેશના રિબ્લામાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે લાવ્યા, ને તેણે તેનો ઇન્સાફ કર્યો. 6 પછી બાબિલના રાજાએ રિબ્લામાં સિદકિયાના પુત્રોને તેની નજર આગળ મારી નાખ્યા. વળી તેણે યહૂદિયાના સર્વ કુલીન માણસોને પણ મારી નાખ્યા. 7 અને તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, ને તેને બાબિલમાં લઈ જવા માટે તેના પગમાં બેડીઓ નાખી. 8 ખાલદીઓએ રાજાના મહેલને તથા લોકોનાં ઘરોને આગ લગાડીને બાળી નાખ્યાં, ને યરુશાલેમનો કોટ તોડી પાડયો. 9 પછી નગરમાં જે લોકો રહ્યા હતા, ને જેઓ તેના પક્ષમાં ગયા હતા, તથા [એ સિવાય] જે લોકો બાકી રહ્યા હતા, તેઓને રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન બંદીવાન કરીને બાબિલ લઈ ગયો. 10 પણ જે દરિદ્રી લોકોની પાસે કંઈ ન હતું તેઓમાંના કેટલાકને રક્ષકટુકડીના સરદાર નબૂઝારદાને યહૂદિયા દેશમાં રહેવા દીધા, વળી તેણે તેઓને, દ્રાક્ષાવાડીઓ તથા ખેતરો આપ્યાં. યર્મિયાનો છુટકારો 11 હવે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે રક્ષકટુકડીના સરદાર નબૂઝારદાનને યર્મિયા વિષે આજ્ઞા આપી, 12 “તેને લઈ જા, તેની સારી રીતે સંભાલ રાખ, તેને કંઈ ઉપદ્રવ ન કર, અને તે તને જે કંઈ કહે તે પ્રમાણે તું તેને માટે કર.” 13 માટે રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન તથા નબૂશાઝબાન, રાબ-સારીસ, નેર્ગોલ-શારેસેર, રાબ-માગ તથા બાબિલના રાજાના સર્વ મુખ્ય સરદારોએ 14 માણસ મોકલીને યર્મિયાને ચોકીમાંથી કાઢયો, ને તેને ઘેર લઈ જવા માટે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને સ્વાધીન કર્યો. અને યર્મિયા લોકોમાં જઈને રહ્યો. એબેદ-મેલેખને બચાવનું વચન 15 જ્યારે યર્મિયાને ચોકીમાં રાખવામાં આવ્યો હતો, ત્યારે યહોવાનું વચન તેની પાસે આ પ્રમાણે આવ્યું, 16 “તું જઈને હબશી એબેદ-મેલેખને કહે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, મારાં વચનો પ્રમાણે આ નગરનું હિત નહિ થાય, પણ હું એના પર વિપત્તિ લાવીશ, તે દિવસે તારી આગળ [એ વચનો] ફળીભૂત થશે. 17 પણ યહોવા કહે છે, તે દિવસે હું તારો છુટકારો કરીશ. અને જે માણસોથી તું બીએ છે તેઓના હાથમાં તને સોંપવામાં આવશે નહિ. 18 કેમ કે હું તને ખચીત બચાવીશ, ને તું તરવારથી મરશે નહિ, ને તારો જીવ તને લૂંટ દાખળ થશે, કેમ કે તેં મારા પર ભરોસો રાખ્યો છે, એવું યહોવા કહે છે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India