યર્મિયા 37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યર્મિયાને રાજા સિદકિયાની અરજ 1 હવે યહોયાકીમના પુત્ર કોનિયાને સ્થાને યોશિયાના પુત્ર સિદકિયા રાજાએ રાજ કર્યું, એને તો બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા દેશનો રાજા નીમ્યો હતો. 2 પણ યહોવાએ જે વચનો યર્મિયા પ્રબોધકની મારફતે કહેવડાવ્યાં હતાં, તે તેણે તથા તેના સેવકોએ તથા દેશના લોકોએ સાંભળ્યાં નહિ. 3 સિદકિયા રાજાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માસેયાના પુત્ર સફાન્યા યાજકને યર્મિયા પ્રબોધકની પાસે મોકલીને તેઓની મારફત કહેવડાવ્યું, “તું અમારે માટે આપણા ઈશ્વર યહોવાને વિનંતી કર.” 4 તે વખતે યર્મિયા લોકોમાં આવજા કરતો હતો; કેમ કે તેઓએ તેને બંદીખાનામાં રાખ્યો નહોતો. 5 ફારુનનું સૈન્ય મિસરમાંથી નીકળી ચૂક્યું હતું; અને જે ખાલદીઓએ યરુશાલેમને ઘેરો નાખ્યો હતો તેઓએ તે ખબર સાંભળી, ત્યારે તેઓ યરુશાલેમથી જતા રહ્યા. 6 પછી યહોવાનું વચન યર્મિયા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું: 7 યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા, તેને કહો કે, જુઓ, તમને સહાય કરવાને ફારુનનું જે સૈન્ય નીકળ્યું છે, તે પોતાના મિસર દેશમાં પાછું જશે. 8 અને ખાલદીઓ પાછા આવશે, ને આ નગર સામે લડશે, અને તેઓ તેને જીતી લઈને આગ લગાડીને બાળી નાખશે. 9 યહોવા કહે છે ‘ખાલદીઓ અમારી પાસેથી ખચીત પાછા જશે;’ એવું સમજીને તમે ભુલાવો ખાશો નહિ; કેમ કે તેઓ જવાના જ નથી. 10 જે ખાલદીઓ તમારી સાથે લડે છે તેઓના આખા સૈન્યને જો તમે મારત, ને તેથી તેઓમાંના ઘાયલ થયેલા માણસો જ બાકી રહેત, તોપણ તેઓ દરેક પોતાના તંબુમાં ઊભા થઈને આ નગરને બાળી નાખત.” યર્મિયાની ધરપકડ અને કેદખાનામાં 11 ફારુનના સૈન્યની બીકને લીધે ખાલદીઓનું સૈન્ય યરુશાલેમથી જતું રહ્યું ત્યાર પછી 12 યર્મિયા બિન્યામીનના દેશમાંનો પોતાનો હિસ્સો લેવા માટે યરુશાલેમમાંથી પોતાના લોકોની પાસે જવા નીકળ્યો. 13 તે બિન્યામીનને દરવાજે પહોંચ્યો ત્યારે ત્યાં હનાન્યાના પુત્ર શેલેમ્યાનો પુત્ર નામે ઇરિયા નાયક હતો. તેણે યર્મિયા પ્રબોધકને પકડીને કહ્યું, “તું ખાલદીઓના પક્ષમાં જતો રહે છે.” 14 ત્યારે યર્મિયાએ કહ્યું, “એ તદ્દન જૂઠું છે; હું ખાલદીઓના પક્ષમાં જતો નથી.” પણ ઇરિયાએ તેનું સાંભળ્યું નહિ. અને તે યર્મિયાને પકડીને સરદારોની પાસે લઈ ગયો. 15 સરદારોએ યર્મિયા પર કોપાયમાન થઈને તેને માર્યો, ને યહોનાથાન ચિટનીસના ઘરમાં તેને કેદ કર્યો, કેમ કે તે [મકાન] ને તેઓએ કેદખાનું બનાવ્યું હતું. 16 યર્મિયા કારાગૃહના ભોંયરામાં ગયો, ને ત્યાં તે ઘણા દિવસ રહ્યો. 17 ત્યાર પછી સિદકિયા રાજાએ [માણસ] મોકલીને તેને તેડી મંગાવ્યો; અને તેણે પોતાના મહેલમાં તેને ગુપ્ત રીતે પૂછયું, “યહોવા તરફથી કંઈ વચન છે?” ત્યારે યર્મિયાએ કહ્યું કે, છે. વળી, યર્મિયાએ રાજાને કહ્યું, “તમને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે.” 18 પછી યર્મિયાએ સિદકિયા રાજાને કહ્યું, “મેં તમારો અથવા તમારા સેવકોનો અથવા લોકોનો શો અપરાધ કર્યો છે કે તમે મને બંદીખાનામાં નાખ્યો છે? 19 તમારા જે પ્રબોધકોએ તમને ભવિષ્ય કહ્યું હતું, ‘બાબિલનો રાજા તમારા ઉપર તથા આ દેશ ઉપર ચઢી આવશે નહિ, ’ તેઓ ક્યાં છે? 20 હે રાજા, મારા મુરબ્બી, સાંભળો, મારી વિનંતી સાંભળો; તમે મને ફરીથી યહોનાથાન ચિટનીસના ઘરમાં મોકલી ન દો, રખેને હું ત્યાં મરણ પામું.” 21 ત્યારે સિદકિયા રાજાએ આજ્ઞા આપી “યર્મિયાને ચોકીમાં રાખવો.” નગરમાંથી સર્વ રોટલી થઈ રહી, ત્યાં સુધી ભઠિયારાઓના મહોલ્લામાંથી તેને રોજ રોજ એક કટકો રોટલી આપવામાં આવી. આ પ્રમાણે યર્મિયા ચોકીમાં રહ્યો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India