યર્મિયા 33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)આશાનાં ફરીથી વચનો 1 વળી યર્મિયાને હજી ચોકીમાં કેદ કરી રાખ્યો હતો, એટલામાં યહોવાનું વચન તેની પાસે બીજી વાર આ પ્રમાણે આવ્યું: 2 યહોવા જે જગતના ઉત્પન્ન કરનાર, તેના રચનાર ને તેને સ્થિર કરનાર છે, તેમનું નામ યહોવા છે, તે કહે છે, 3 “મને હાંક માર, એટલે હું તને ઉત્તર આપીશ, ને જે મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ. 4 કેમ કે આ નગરમાંના ઘરો તથા યહૂદિયાના રાજાઓના મહેલો, જે મોરચાઓની સામે તથ તરવારની સામે [રક્ષણનાં બાંધકામ કરવા માટે] પાડી નાખેલાં છે, તેઓ વિષે ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે કે, 5 લોકો ખાલદીઓની સાથે લડવા આવ્યા, પણ જે માણસોને મેં મારા કોપથી તથા ક્રોધથી હણ્યા, ને જેઓની બધી દુષ્ટતાને લીધે મેં મારું મુખ આ નગરથી ફેરવ્યું છે, તેઓનાં મુડદાંઓથી તે ઘરો ભરાઈ જશે. 6 તોપણ, હું તેને આરોગ્ય તથા કુશળતા આપીશ, તેઓને નીરોગી કરીશ, અને હું તેઓને પુષ્કળ શાંતિ તથા સલામતી બક્ષીશ. 7 હું યહૂદિયાનો તથા ઇઝરાયલનો બંદીવાસ ફેરવી નાખીશ, ને આગળ હતા તેમ તેઓને બાંધીશ. 8 તેઓએ જે અપરાધો કરીને મારી વિરુદ્ધ પાપ કર્યું તે સર્વ અપરાધથી, હું તેઓને શુદ્ધ કરીશ; અને જે પાપો તથા અપરાધો તેઓએ મારી વિરુદ્ધ કર્યાં છે, ને જેથી તેઓએ મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે તે સર્વની હું ક્ષમા કરીશ. 9 હું તેઓનું સર્વ પ્રકારે હિત કરું છું તે વિષે જ્યારે પૃથ્વીની પ્રજાઓ સાંભળશે, ત્યારે તે સર્વ [પ્રજાઓ] ની આગળ આ નગર મને આનંદ, સ્તુતિ તથા સન્માનરૂપ થઈ પડશે, અને તેનું જે હિત તથા કલ્યાણ હું કરું છું તેને લીધે તેઓ ભય પામી કાંપશે.” 10 યહોવા કહે છે: “જેને તમે નિર્જન, પશુહીન અને ઉજ્જડ સ્થાન કહો છો, એવા આ સ્થાનમાં એટલે યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના નિર્જન, વસતિહીન, તથા પશુહીન અને ઉજ્જડ મહોલ્લાઓમાં, 11 હર્ષ તથા આનંદનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર; અને ‘સૈન્યોના [ઈશ્વર] યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા સારા છે, ને તેમની કૃપા સદાકાળ [ટકે] છે, ’ એવું કહેનારાઓનાઓ સ્વર, અને યહોવાના મંદિરમાં આભારાર્થાર્પણો લાવનારાઓનો સ્વર હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે. 12 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “વસતિહીન તથા પશુહીન થઈને ઉજજડ થયેલા એવા આ સ્થાનમાં તથા તેનાં સર્વ નગરોમાં, [ઘેટાંનાં] ટોળાં બેસાડનારા ભરવાડોનું રહેણાણ ફરી થશે. 13 પહાડી પ્રદેશનાં નગરોમાં, શફેલાનાં નગરોમાં, દક્ષિણના પ્રદેશનાં નગરોમાં, બિન્યામીનના દેશમાં તથા યરુશાલેમની ચારે તરફના પ્રદેશમાં તથા યહૂદિયાનાં નગરોમાં ઘેટાં ગણનારના હાથ નીચે ટોળાં ફરી હારબંધ ચાલશે, ” એવું યહોવા કહે છે. 14 યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે જે સમયે ઇઝરાયલના તથા યહૂદિયાના લોકો વિષે જે સારું [વચન] હું બોલ્યો છું તે હું પૂરું કરીશ. 15 તે સમયે તથા તે વેળાએ હું દાઉદને માટે ન્યાયીપણાનો અંકુર ઉગાડીશ; અને દેશમાં તે ન્યાય તથ નીતિ પ્રવર્તાવશે. 16 તે સમયે યહૂદિયાનો ઉદ્ધાર થશે, ને યરુશાલેમ નિર્ભય રહેશે. અને તે ‘યહોવા અમારું ન્યાયીપણું’ એ નામથી ઓળખાશે. 17 કેમ કે યહોવા કહે છે કે, ઇઝરાયલના લોકોના રાજ્યાસન બેસનાર પુરુષની દાઉદના વંશમાં કદી ખોટ પડશે નહિ. 18 તેમ જ મારી આગળ દહનીયાર્પણ ચઢાવનાર, ખાદ્યાર્પણ બાળનાર તથા નિત્ય યજ્ઞ કરનાર પુરુષની ખોટ લેવી યાજકોમાં પડશે નહિ.” 19 વળી યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું: 20 યહોવા કહે છે, “જો તમે દિવસ તથા રાત સાથેનો મારો કરાર તોડી શકો, એટલે રાત તથા દિવસ પોતપોતાના સમયે [નિયમિત] ન થાય; 21 તો જ તેના રાજ્યાસન પર રાજ કરનાર કોઈ પુત્ર નહિ હોવાથી, મારા સેવક દાઉદની સાથેનો તથા મારા સેવકો એટલે લેવી યાજકો સાથેનો, મારો કરાર ભંગ થાય. 22 જેમ આકાશનું સૈન્ય ગણી શકાય નહિ, ને સમુદ્રની રેતી માપી શકાય નહિ. તેમ હું મારા સેવક દાઉદના વંશજોની તથા મારી સેવા કરનાર લેવીઓની સંખ્યા વધારીશ.” 23 વળી યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું: 24 “આ લોકો કહે તે તું ધ્યાનમાં લેતો નથી? [તેઓ કહે છે કે,] ‘જે બે ગોત્રને યહોવાએ પસંદ કર્યાં હતાં તેઓનો યહોવાએ અનાદર કર્યો છે, ’ એમ કહેતાં તેઓ મારા લોકોનો તિરસ્કાર કરે છે કે તેઓની નજરમાં મારા લોકોની પ્રજાની ગણતરીમાં ન ગણાય. 25 [પણ] યહોવા કહે ચે કે, જો દિવસ તથા રાત સાથેનો મારો કરાર ટકે નહિ, અને જો મેં આકાશ તથા પૃથ્વીના નિયમો ઠરાવ્યા નહિ હોય, 26 તો જ હું યાકૂબના તથા મારા સેવક દાઉદના સંતાનનો એટલે સુધી ત્યાગ કરીશ કે હું તેના સંતાનમાંથી ઇબ્રાહીમ, ઇસહાક તથા યાકૂબના સંતાન પર સરદારો થવા માટે કોઈને પસંદ કરીશ નહી, કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ને તેમના પર દયા કરીશ.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India