યર્મિયા 28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)હનાન્યા સાથે યર્મિયાનો વાદવિવાદ 1 વળી તે જ વર્ષમાં યહૂદિયાના રાજા સિદકિયાની કારકિર્દીના આરંભમાં, એટલે ચોથા વર્ષના પાંચમા મહિનામાં, ગિબ્યોનમાંના આઝઝુરના પુત્ર હનાન્યા પ્રબોધકે યહોવાના મંદિરમાં યાજકોની તથા સર્વ લોકોની સમક્ષ મને કહ્યું, 2 “સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે, ‘મેં બાબિલના રાજાની ઝૂંસરી ભાંગી નાખી છે. 3 યહોવાના મંદિરનાં જે પાત્ર બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર આ સ્થળેથી લૂંટીને બાબિલમાં લઈ ગયો તે સર્વ પાત્રો બે વરસ પૂરાં થયા પહેલાં આ સ્થળે હું પાછાં લાવીશ; 4 વળી યહૂદિયાના રાજા યહોયાકીમનો પુત્ર યકોન્યા તથા યહૂદિયાના જે લોકો બાબિલના બંદીવાસમાં ગયા છે તેઓ સર્વને હું આ સ્થળે પાછા લાવીશ; કેમ કે હું બાબિલના રાજાની ઝૂંસરી ભાંગી નાખીશ, ’ એવું યહોવા કહે છે.” 5 ત્યારે જે યાજકો તથા જે લોકો યહોવાના મંદિરમાં ઊભા રહેલા હતા તે સર્વની આગળ યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું, 6 “હા, ” યર્મિયા પ્રબોધકે કહ્યું, “તેમ થાઓ:યહોવા એમ કરો; યહોવાના મંદિરનાં પાત્રો તથા જેઓ બંદીવાસમાં ગયા છે તેઓ સર્વને બાબિલમાંથી આ સ્થળે પાછા લાવીને ભવિષ્યનાં તારાં જે વચનો તેં કહ્યાં છે તે યહોવા પૂરાં પાડો. 7 તોપણ આ જે વચન હું તારા કાનોમાં તથા સર્વ લોકોના કાનોમાં કહું છું તે સાંભળ: 8 મારી અગાઉ તથા તારી અગાઉ પુરાતન કાળના જે પ્રબોધકો હતા તેઓએ ઘણા દેશોની વિરુદ્ધ તથા મોટાં રાજ્યોની વિરુદ્ધ લડાઈ, વિપત્તિ તથા મરકી વિષે ભવિષ્ય કહ્યું હતું. 9 જે પ્રબોધક શાંતિ વિષે ભવિષ્ય કહે છે, તે પ્રબોધકનું વચન ફળીભૂત થાય ત્યારે જ તે યહોવાએ મોકલેલો પ્રબોધક છે એમ જણાશે.” 10 ત્યારે હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરથી ઝૂંસરી લઈને ભાંગી નાખી. 11 વળી સર્વ લોકોની આગળ તેણે કહ્યું, “યહોવા કહે છે કે, આ પ્રમાણે બે વરસ પૂરાં થયા પહેલાં હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી સર્વ પ્રજાઓની ગરદન પરથી ભાંગી નાખીશ.” પછી યર્મિયા પ્રબોધક પોતાના માર્ગે ચાલ્યો ગયો. 12 વળી હનાન્ય પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરની ઝૂંસરી ભાંગી નાખ્યા પછી, યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું: 13 ‘હનાન્યાની પાસે જઈને કહે, યહોવા કહે છે કે, તેં લાકડાંની ઝૂંસરીઓ ભાંગી નાખી છે; પણ તેને બદલે તું લોઢાની ઝૂંસરી બનાવીશ. 14 કેમ કે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરવા માટે મેં આ સર્વ પ્રજાઓની ગરદન પર લોઢાની ઝૂંસરી મૂકી છે; તેઓ તેના દાસ થશે. વળી વગડામાંનાં પશુઓ પણ મેં તેને આપ્યાં છે.” 15 પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું, “રે હનાન્યા, સાંભળ; યહોવાએ તને મોકલ્યો નથી; પણ તું જૂઠી વાત પર આ લોકોને વિશ્વાસ કરાવે છે. 16 તથી યહોવા કહે છે કે, હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ; આ વર્ષે તું મરશે, કેમ કે તું યહોવાની વિરુદ્ધ બંડ [નાં વચનો] બોલ્યો છે.” 17 તે જ વર્ષના સાતમા મહિનામાં હનાન્યા પ્રબોધક મરણ પામ્યો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India