યર્મિયા 25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઉત્તરમાંથી આવનાર આક્રમણ 1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના ચોથા વર્ષમાં, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના પહેલા વર્ષમાં, યહૂદિયાના સર્વ લોકો વિષે જે વચન યર્મિયાની પાસે આવ્યું; 2 અને જે વચન યર્મિયા પ્રબોધક યહૂદિયાના સર્વ લોકોની આગળ તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓની આગળ બોળ્યો તે આ: 3 “યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના તેરમા વર્ષથી તે આજ સુધી, એટલે ત્રેવીસ વરસની મુદત પર્યંત, યહોવાનું વચન મારી પાસે આવ્યું છે, હું પ્રાત:કાળે ઊઠીને તમને આગ્રહથી કહેતો આવ્યો છું; પણ તમે [મારું] સાંભળ્યું નથી. 4 વળી યહોવાએ પ્રાત:કાળે ઊઠીને પોતાના સર્વ સેવકોને, એટલે પ્રબોધકોને, તમારી પાસે મોકલ્યા, પણ તમે [તેઓનું] સાંભળ્યું નહિ, ને સાંભળવાને કાન ધર્યો નહિ. 5 તેઓએ કહ્યું, ‘તમે પોતપોતાના કુમાર્ગથી તથા પોતપોતાનાં દુષ્કર્મોથી ફરો, ને જે ભૂમિ યહોવાએ તમને તથા તમારા પૂર્વજોને પુરાતન કાળથી આપી છે ત્યાં સદાકાળ વસો; 6 અન્ય દેવોની સેવા તથા આરાધના કરવા માટે તેઓની પાછળ જશો નહિ, ને તમારા હાથની કૃતિઓથી મને રોષ ચઢાવતા ના; એટલે હું તમને કંઈ ઈજા કરીશ નહિ.’ 7 તોપણ તમે મારું સાંભળ્યું નહિ, પણ તમારા હાથની કૃતિઓથી મને રોષ ચઢાવીને તમે તમારું પોતાનું ભૂંડું કર્યું, ” એવું યહોવા કહે છે. 8 તે માટે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે: “તમે મારાં વચનો સાંભળ્યાં નહિ, 9 તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ. 10 વળી તેઓમાં આનંદનો તથા હર્ષનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર, ઘંટીનો અવાજ તથા દીવાનો પ્રકાશ હું બંધ પાડીશ. 11 આ આખો દેશ ઉજ્જડ તથા ત્રાસજનક થઈ પડશે. અને આ પ્રજાઓ સિત્તર વર્ષ સુધી બાબિલના રાજાની સેવા કરશે. 12 અને સિત્તેર વર્ષ પૂરાં થયા પછી હુમ બાબિલના રાજાને, તેની પ્રજાને, તથા ખાલદીઓના દેશને, તેઓના અન્યાયને લીધે જોઈ લઈશ, એવું યહોવા કહે છે; તે [દેશ] સદાકાળ ઉજ્જડ રહેશે. 13 તે દેશ વિષે જે સર્વ વચનો હું બોલ્યો હતો તે પ્રમાણે હું તેના પર [વિપત્તિ] લાવીશ, એટલે જે બધું આ પુસ્તકમાં લખેલું છે, જે ભવિષ્ય યર્મિયાએ સર્વ દેશો વિષે કહ્યું છે, તે પ્રમાણે હું [વિપત્તિ] લાવીશ. 14 ઘણી પ્રજાઓ તથા મોટા મોટા રાજાઓ તેઓની પાસે સેવા કરાવશે. અને હું તેઓનાં આચરણ પ્રમાણે તથા તેઓના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપીશ.” પ્રજાઓ સામે પ્રભુનો પુણ્યપ્રકોપ 15 કેમ કે યહોવા, ઇઝરાયલના ઈશ્વર મને કહે છે, “આ ક્રોધરૂપી દ્રાક્ષારસનો પ્યાલો મારા હાથમાંથી લે, ને જે પ્રજાઓની પાસે હુમ તને મોકલું છું તે સર્વને પા. 16 જે તરવાર હું તેઓના પર મોકલીશ તેને લીધે તેઓ તે પીશે, ને ગાંડા બનીને લથડિયાં ખાશે.” 17 પછી મેં યહોવાના હાથમાંથી તે પ્યાલો લીધો, ને જે પ્રજાઓની પાસે યહોવાએ મને મોકલ્યો હતો તે સર્વને તે પાયો; 18 એટલે યરુશાલેમને, યહૂદિયાનાં નગરોને, તેના રાજાઓને તથા તેના સરદારોને [મેં તે પાયો] ; જેથી તેઓ આજની જેમ ઉજ્જડ થઈને વિસ્મય, ફિટકાર તથા શાપરૂપ થાય. 19 વળી મિસરનો રાજા ફારુન, તેના સેવકો, તેના સરદારો તથા તેના સર્વ લોકો; 20 વળી સર્વ મિશ્રજાતિઓ, ઉસ દેશના, પલિસ્તીઓના દેશના સર્વ રાજાઓ, એટલે આશ્કલોન, ગાઝા, એક્રોન તથા આશ્દોદના બાકી રહેલા; 21 અદોમ, મોઆબ તથા આમ્મોનીઓ; 22 સૂરના, સિદોનના તથા સમુદ્રને પેલે પારના બેટોના સર્વ રાજાઓ; 23 દદાન, તેમા, બૂઝ તથા જેઓની દાઢી બાજૂએથી મૂંડેલી છે તે સર્વ લોકો [ના રાજાઓ] ; 24 અરબસ્તાનના તથા વગડામાં વસનારી મિશ્રજાતિઓના સર્વ રાજાઓ; 25 ઝિમ્રીના, એલામના તથા માદીઓના સર્વ રાજાઓ; 26 ઉત્તર દિશાના, દૂરના કે પાસેના સર્વ રાજાઓ; તથા પૃથ્વીના પૃષ્ટ પરનાં સર્વ રાજ્યો [એ તમામને મેં યહોવાનો પ્યાલો પાયો] ; અને તેઓની પાછળ શેશાખનો રાજા પીશે. 27 “તું તેઓને કહેજે કે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જે તરવાર હું તમારા પર મોકલીશ તેને લીધે તે પીઓ, મસ્ત થઈને ઓકો, ને પડી જઈજે ફરીથી ન ઊઠો. 28 જો તેઓ તે પ્યાલો તારા હાથમાંથી લઈને તે પીવાને ના પાડે તો તેઓને કહેજે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે, તમે ખચીત પીશો. 29 કેમ કે જુઓ, જે નગર મારા નામથી ઓળખાય છે તેને પણ હું પીડા આપવા માંડું છું, તો શું તમે છેક શિક્ષાથી બચી જશો? તમે શિક્ષાથી બચશો નહિ, કેમ કે હું પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર તરવાર બોલાવી મંગાવીશ, એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.” 30 “તે માટે તું તેઓની વિરુદ્ધનાં આ સર્વ વચનો કહે, વળી તેઓને કહે, યહોવા પોતાના ઉચ્ચસ્થાનમાંથી ગર્જના કરશે, તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી પોતાનો ઘાંટો કાઢશે; તે પોતાના વાડાની વિરુદ્ધ મોટી ગર્જના કરશે; દ્રાક્ષા ખૂંદનારાની જેમ તે પૃથ્વીના સર્વ રહેવાસીઓની વિરુદ્ધ હોકારો કરશે. 31 પૃથ્વીના સર્વ છેડા સુધી ઘોંઘાટ પહોંચશે; કેમ કે વિદેશીઓની સાથે યહોવા વિવાદ કરે છે, તે સર્વ મનુષ્યજાતિનો ન્યાય કરશે; જે દુષ્ટ છે તેઓને તે તરવારને સ્વાધીન કરશે, ” એવુ યહોવા કહે છે. 32 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, ‘‘જુઓ, વિપત્તિ દેશેદેશ ફેલાશે, ને પૃથ્વીને છેક છેડેથી મોટી આંધી ઊઠશે. 33 તે દિવસે યહોવાથી હણાયેલા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે. તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને ભેગા કરીને દાટવામાં આવશે નહિ; તેઓ ભૂમિની સપાટી પર પડી રહીને ખાતરરૂપ થઈ જશે. 34 અરે પાળકો, વિલાપ કરો, તથા બૂમ પાડો; રે ટોળાંના સરદારો, તમે રાખમાં આળોટો; કેમ કે તમને કતલ કરવાના દિવસો ભરાઈ ગયા છે, હું તમારા કકડેકકડા કરી નાખીશ, ને સુંદર પાત્ર પડીને [ભાંગી જાય] તેમ તમે પડશો.” 35 પાળકોને તથા ટોળાંના સરદારોને નાસવાનો અને બચાવાનો કોઈ રસ્તો સૂઝશે નહિ. 36 પાળકોની બૂમનો પોકાર તથા ટોળાંના સરદારોનું રડવું [સંભળાય છે] ; કેમ કે યહોવા તેઓનું બીડ ઉજજડ કરી નાંખે છે. 37 યહોવાના ભારે કોપને લીધે શાંતિના વાડા ખાલી થયા છે. 38 તે સિંહની જેમ પોતાના જંગલમાંથી બહાર આવે છે; કેમ કે ઉપદ્રવ કરનારાના ક્રોધને લીધે તથા તેના ભારે કોપને લીધે તેઓનો દેશ વિસ્મય પમાડે એવો ઉજજડ થયો છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India