Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યરુશાલેમના પરાજયની ભવિષ્યવાણી

1 જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના પુત્ર પાશહૂરને તથા માસેયા યાજકના પુત્ર સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહાવ્યું,

2 “કૃપા કરીને તું અમારી તરફથી યહોવાને પૂછ; કેમ કે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સાથે યુદ્ધ કરે છે. કદાચ યહોવા પોતાનાં સર્વ અદભુત કૃત્યો પ્રમાણે અમારી સાથે એવી રીતે વર્તશે કે તે રાજા પાછો જાય.” તે પ્રસંગે યહોવા તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ.

3 ત્યારે યર્મિયાએ તેઓને કહ્યું, “સિદકિયાને કહો કે,

4 યહોવા ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, લડાઈનાં જે શસ્ત્રો તમારા હાથમાં છે, જે શસ્ત્રો વડે તમે બાબિલના રાજાની સાથે તથા કોટ બહાર તમને ઘેરો ઘાલનારા ખાલદીઓની સાથે લડો છો, તે હું પાછાં ફરેવીશ, ને તેઓને આ નગર મધ્યે એકઠાં કરીશ.

5 અને લાંબા કરેલા હાથથી તથા બળવાન ભુજથી ને ક્રોધથી, જુસ્સાથી તથા મહા કોપથી હું જાતે તમારી સાથે લડાઈ કરીશ.

6 આ નગરમાં રહેનારા માણસોને, તેમ જ પશુઓને હું મારી નાખીશ. તેઓ મોટી મરકીથી મરશે.

7 વળી યહોવા કહે છે, ત્યાર પછી હું યહૂદિયાના રાજા સિદકિયાને, તેના સેવકોને તથા જે લોકો આ નગરમાં મરકીથી, તરવારથી તથા દુકાળથી બચ્યા છે, તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં, તથા તેઓના શત્રુઓના હાથમાં, તથા જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હથામાં સોંપીશ. તે તેઓને તરવારથી મારી નાખશે; તે તેઓ પર ક્ષમા, કરુણા કે દયા કરશે નહિ.

8 આ લોકોને તું કહે કે, યહોવા કહે છે કે, જુઓ, હું તમારી આગળ જીવનનો માર્ગ તથા મરણનો માર્ગ બન્ને મૂકું છું.

9 જે આ નગરમાં રહે છે, તે તરવારથી, દુકાળથી તથા મરકીથી મરશે; પણ જે તમને ઘેરો નાખનારા ખાલદીઓને શરણે જશે, તે જીવતો રહેશે, ને તેનો જીવ તે લૂંટ તરીકે ગણશે.

10 યહોવા કહે છે, હિતને માટે નહિ, પણ વિપત્તિને માટે મેં આ નગરની સામે મારું મુખ ફેરવ્યું છે; તે બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે, ને તેને આગ લગાડી બાળી નાખશે.


યહૂદિયાના રાજ-વંશજો સામે ઇન્સાફ

11 વળી યહૂદિયાના રાજાના વંશજો વિષે યહોવાનું વચન સાંભળો:

12 હે દાઉદના વંશજો, યહોવા કહે છે કે, સવારે ન્યાય કરો, ને જે લૂંટાયો છે તેને જુલમગારના હથમાંથી છોડાવો, રખેને તમારાં કર્મોની દુષ્ટતાને લીધે મારો કોપ અગ્નિની જેમ સળગી ઊઠે, ને તેને હોલવનાર કોઈ મળે નહિ.

13 યહોવા કહે છે, હે ખીણમાં રહેનારી, હે મેદાનમાંના ખડકમાં રહેનારી, તમે જે કહો છો, ‘અમારા પર કોણ ચઢી આવશે? અથવા અમારા ઘરોમાં આવવા [ની હિમ્મત] કોણ કરશે?’ જુઓ, હું તો તમારી વિરુદ્ધ છું.

14 વળી યહોવા કહે છે, હું તમારાં કર્મોનાં ફળ પ્રમાણે તેમને શિક્ષા કરીશ, અને તેના વનમાં હું અગ્નિ સળગાવીશ, ને તે પોતાની આસપાસના સર્વ પદાર્થ ખાઈ જશે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan