Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પાશહૂર યાજક સાથે યર્મિયાની અથડામણ

1 હવે ઈમ્મેરનો પુત્ર પાશહૂર યાજક, જે યહોવાના મંદિરમાં મુખ્ય અધિકારી હતો, તેણે યર્મિયાને આ ભવિષ્યવચન કહેતો સાંભળ્યો.

2 ત્યારે પાશહૂરે યર્મિયા પ્રબોધકને માર્યો, ને યહોવાના મંદિરની પાસે બિન્યામીનના ઉપલા દરવાજામાં હેડ હતી તેમાં તેના પગ નાખ્યા.

3 બીજે દીવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી કાઢયો, ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવાએ તારું નામ પાશહૂર નહિ, પણ માગોર-મિસ્સાબીબ (દરેક બાજુએ-ભય) એવું પાડયું છે.

4 કેમ કે યહોવા કહે છે કે, તું પોતાને તથા પોતાના સર્વ મિત્રોને ભયરૂપ થઈ પડે એવું હું કરીશ; તેઓ પોતાના શત્રુઓની તરવારથી માર્યા જશે, ને તે તું તારી નજરે જોશે; અને હું આખો યહૂદિયા બાબિલના રાજાના હાથમાં સોંપીશ; ને તે તેઓને બંદીવાન કરીને બાબિલમાં લઈ જશે, ને તરવારથી તેઓને મારી નાખશે.

5 વળી હું આ નગરનું સર્વ દ્રવ્ય, તેની સર્વ પેદાશ, ને તેના સર્વ મૂલ્યવાન પદાર્થ, અને યહૂદિયાના રાજાઓનો સર્વ ધનસંગ્રહ તેઓના શત્રુઓના હાથમાં સોંપીશ; ને તેઓ તેને લૂંટશે, ને તેઓને પકડીને બાબિલમાં લઈ જશે.

6 વળી હે પાશહૂર, તું ને તારા ઘરમાં રહેનારાં સર્વ બંદીવાન થશો, ને બાબિલ જશો. ત્યાં તું તેમ જ તારા સર્વ મિત્રો જેઓને તેં ખોટું ભવિષ્ય કહ્યું છે, તેઓ પણ ત્યાં મરશે, ને ત્યાં જ તેઓને દાટવામાં આવશે.”


પ્રભુની આગળ યર્મિયાની હૈયાવરાળ

7 હે યહોવા, તમે મને ફોસલાવ્યો, ને હું ફસાઈ ગયો! મારા કરતાં તમે બળવાન છો, ને તમે મને જીત્યો છે; હું આખો દિવસ તિરસ્કારનું કારણ થઈ પડયો છું, સર્વ મારી મશ્કરી કરે છે.

8 કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે બૂમ પાડું છું; બલાત્કાર તથા લૂંટ, એવી બૂમ પાડું છું; કેમ કે યહોવાનું વચન [બોલ્યાને લીધે] આખો દિવસ મારી નિંદા તથા તિરસ્કાર થય છે.

9 વળી જો હું એવું કહું કે, તેને વિષે હું વાત કરીશ નહિ, ને તેને નામે ફરી બોલીશ નહિ, તો જાણે મારાં હાડકાંમાં બળતો અગ્નિ સમાયેલો હોય, એવી મારા હ્રદયમાં પીડા થાય છે, અને મૂંગા રહેતાં મને કંટાળો આવે છે; હું [બોલ્યા વગર] રહી શકતો નથી.

10 કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”

11 પણ યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે. તેથી જેઓ મારી પાછળ પડે છે તેઓ ઠોકરલ ખાઈને પડશે, તેઓ ફતેહ પામશે નહિ. તેઓ અતિશય લજ્જિત થશે, કેમ કે તેઓ ડહાપણથી ચાલ્યા નથી. તેઓનું અપમાન કાયમ રહેશે, તે કદી ભુલાશે નહિ.

12 પણ હે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ન્યાયની કસોટી કરનાર ને અંત:કરણ તથા હ્રદયને પારખનાર, તેમના ઉપર કરેલો તમારો પ્રતિકાર મને જોવા દો, કેમ કે મેં તમારી આગળ મારી દાદ જાહેર કરી છે.

13 યહોવાનું સ્તોત્ર ગાઓ, યહોવાની સ્તુતિ કરો, કેમ કે તેમણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓના જીવ બચાવ્યા છે.

14 જે દિવસે હું જન્મ્યો, તે શાપિત થાઓ! જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ન થાઓ!

15 “તને પુત્ર થયો છે, ” એવી વધામણી જે માણસે મારા પિતાને આપીને તેમને અતિશય આનંદ પમાડયો તે માનસ શાપિત થાઓ.

16 જે નગરો યહોવાએ નષ્ટ કર્યાં, અને પસ્તાવો કર્યો નહિ, તેઓની જેમ તે માણસ [નષ્ટ] થાઓ; તે માણસ સવારે વિલાપ તથા મધ્યાહને રણનાદ સાંભળો!

17 કેમ કે ગર્ભસ્થાનમાંથી મારા નીકળતાંની વારમાં તેણે મને મારી નાખ્યો નહિ! એ પ્રમાણે થાત તો મારી મા મારી કબર થાત, ને તેનું ગર્ભસ્થાન સદા ગરોદર રહ્યું હોત.

18 કષ્ટ તથા દુ:ખ ભોગવવા તથા લજ્જિત રહીને મારા દિવસો પૂરા કરવા માટે હું ગર્ભસ્થાનમાંથી કેમ બહાર આવ્યો?

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan