Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ભાંગેલી માટલીનાં ઠીકરાં

1 યહોવા કહે છે, “તું જઈને કુંભારની એક માટલી વેચાતી લે, ને લોકોમાંના તથા યાજકોમાંના કેટલાક વડીલોને લઈને,

2 હાર્સીથ દરવાજાના નાકાની પાસે હિન્નોમના પુત્રની ખીણ છે ત્યાં જા, ને જે વચનો હું તને કહીશ તે ત્યાં પ્રગટ કરીને કહે કે,

3 ‘યહૂદિયાના રાજાઓ તથા યરુશાલેમના રહેવાસીઓ, તમે યહોવાનું વચન સાંભળો; સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, આ સ્થળ પર હું એવી વિપત્તિ લાવીશ કે તે વિષે જે કોઈ સાંભળશે તેના કાનમાં ઝણઝણાટ થશે.

4 તેઓએ મારો ત્યાગ કર્યો છે, આ સ્થળને ભ્રષ્ટ કર્યું છે, તેઓએ તથા તેઓના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાઓએ જેઓને જાણ્યા નહોતા તે અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, ને આ સ્થળને નિરપરાધીઓના રક્તથી ભર્યું છે.

5 પોતાના પુત્રોને અગ્નિમાં બાળીને તેઓ બાલની આગળ દહનીયાર્પણો ચઢાવે તે માટે તેઓએ બાલનાં ઉચ્ચસ્થાનો બાંધ્યા છે; એવું કરવાનું મેં ફરમાવ્યું નહોતું, ને કહ્યું નહોતું, ને એવું મારા હ્રદયમાં આવ્યું પણ નહોતું.

6 તે માટે યહોવા કહે છે, જુઓ, એવા દિવસ આવે છે કે જ્યારે આ સ્થળ તોફેથ અથવા હિન્નોમના પુત્રની ખીણ ફરી કહેવાશે નહિ, પણ તેઓ તેને કતલની ખીણ કહેશે.

7 વળી આ સ્થળમાં હું યહૂદિયા તથા યરુશાલેમની મસલત નિષ્ફળ કરીશ; અને તેઓને તેઓના શત્રુઓની આગળ તરવારથી, તથા જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હાથથી તેમને પાડીશ; અને આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં શ્વાપદો તેઓનાં મુડદાં ખાઈ જશે.

8 વળી હું આ નગરને વિસ્મય તથા ફિટકાર ઉપજાવે એવું કરીશ; જે કોઈ તેની પાસે થઈને જશે તે દરેક તેની સર્વ વિપત્તિને લીધે વિસ્મિત થશે ને તેનો ફિટકાર કરશે.

9 તેઓના શત્રુઓ, ને જેઓ તેઓનો જીવ શોધે છે તેઓ ઘેરો નાખીને તેઓને સંકડામણમાં લાવશે, તે વખતે તેઓ પોતાના દીકરાઓનું તથા પોતાની દીકરીઓનું માંસ ખાય એવું હું કરીશ, તેઓ સર્વ એકબીજાનું માંસ ખાશે.’

10 જે માણસો તારી સાથે જાય છે, તેઓની નજર આગળ તે માટલી ભાંગી નાખ,

11 ને તેઓને કહે, ‘સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, ફરી સાંધી શકાય નહિ તેવી રીતે કુંભારનું વાસણ ફોડી નાખવામાં આવે છે, તેમ આ લોકોને તથા આ નગરને હું ભાંગી નાખીશ. અને દાટવાનું ઠેકાણું નહિ રહે એટલે સુધી તેઓ તોફેથમાં મુડદાં દાટશે.

12 યહોવા કહે છે કે, આ સ્થળની તથા તેમાંના રહેવાસીઓની હાલત હું એવી કરીશ કે આ નગરને તોફેથના જેવું કરવામાં આવશે.

13 જે ઘરોનાં ધાબાંઓ પર તેઓએ આકાશનાં સર્વ સૈન્યને માટે ધૂપ બાળ્યો છે, તથા અન્ય દેવોની આગળ પેયાર્પણો રેડયાં છે તે બધાં ઘરો, એટલે યરુશાલેમનાં તથા યહૂદિયાનાં રાજાઓનાં ભ્રષ્ટ કરેલાં ઘરો, તોફેથ જેવાં થઈ જશે.’”

14 પછી યર્મિયા તોફેથ કે જ્યાં યહોવાએ પ્રબોધ કરવા માટે તેને મોકલ્યો હતો ત્યાંથી પાછો આવ્યો. અને યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહીને તેણે બધા લોકોને કહ્યું,

15 “સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, આ નગર પર તથા તેનાં સર્વ ગામો પર, જે આવનારી સર્વ વિપત્તિ વિષે હું બોલ્યો છું તે હું લાવીશ, કેમ કે તેઓએ પોતાની ગરદન અક્કડ કરીને મારાં વચનો સાંભળ્યાં નથી.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan