Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ભારે સૂકવણું

1 સુકવણા વિષે યહોવાનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે:

2 “યહૂદિયા શોક કરે છે, તેના દરવાજાઓને ગ્લાનિ થયેલી છે, શોકનો પોશાક પહેરીને તેઓ જમીન પર બેઠેલા છે, અને યરુશાલેમનો પોકાર ઊંચે ચઢયો છે.

3 તેઓના અમીરઉમરાઓ પોતાના ચાકરોને પાણી ભરવા મોકલે છે; તેઓ ટાંકા પાસે આવે છે, પણ ત્યાં તેઓને પાણી મળતું નથી; તેઓ પોતાનાં ખાલી વાસણ પાછાં લાવે છે; તેઓ લજવાઈને તથા શરમિંદા થઈને પોતાનાં માથાં ઢાંકે છે.

4 ભૂમિમાં ફાટો પડી ગઈ છે, કેમ કે દેશમાં વરસાદ પડયો નથી, તેથી ખેડૂતો લજવાયા છે, તેઓ પોતાનાં માથાં ઢાંકે છે.

5 ઘાસ નથી તેથી હરણી પણ ખેતરમાં વિયાઈને [પોતાનાં બચ્ચાં] તજી દે છે.

6 અને લીલોતરી નથી તેથી રાની ગધેડાં ઉજ્જડ ટેકરીઓ પર ઊભાં રહે છે, તેઓ શિયાળવાંની જેમ હવાને માટે હાંફે છે; તેઓની આંખે અંધારા આવે છે.”

7 [મારા લોકો પોકારે છે,] “હે યહોવા, જો કે અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તોપણ તમારા નામની ખાતર કંઈક કરો; કેમ કે અમે વારંવાર પાછા હઠયા છીએ, તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.

8 હે ઇઝરાયલની આશા, સંકટની વેળાએ તેના ત્રાતા, દેશમાં પ્રવાસી જેવા અથવા તો રાત્રે ઉતારો કરવા આવનાર વટેમાર્ગુ જેવા તમારે શા માટે થવું જોઈએ?

9 વિસ્મિત થયેલા માણસના જેવા, જે પરાક્રમી છતાં બચાવ કરી ન શકે, એવા તમારે કેમ થવું જોઈએ? પણ હે યહોવા, તમે અમારી વચમાં છો, ને તમારા નામથી અમે ઓળખાયા છીએ: અમારો ત્યાગ ન કરો.”

10 યહોવા આ લોકોને કહે છે કે, એમ જ તેઓએ ભટકવા ચાહ્યું છે; તેઓએ પોતાના પગોને રોક્યા નથી, તેથી યહોવા તેઓનો અંગીકાર કરતા નથી; હવે તે તેઓના અપરાધનું સ્મરણ કરશે, ને તેઓનાં પાપોને લીધે તેઓને જોઈ લેશે.

11 વળી યહોવાએ મને કહ્યું, “આ લોકોના હિતને અર્થે પ્રાર્થના ન કર.

12 જ્યારે તેઓ ઉપવાસ કરશે, ત્યારે તેઓની વિનંતી હું સાંભળીશ નહિ. જ્યારે તેઓ દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવશે, ત્યારે તેઓનો અંગીકાર હું કરીશ નહિ; પણ તરવારથી, દુકાળથી તથા મરકીથી હું તેઓનો નાશ કરીશ.”

13 ત્યારે મેં કહ્યું, “અરે, પ્રભુ યહોવા! પ્રબોધકો તેઓને કહે છે, ‘તમે તરવાર જોશો નહિ, ને દુકાળ તમારા પર આવશે નહિ, કેમ કે આ સ્થળે હું તમને ખરેખરી શાંતિ આપીશ.’”

14 પછી યહોવાએ મને કહ્યું, “પ્રબોધકો મારે નામે અસત્ય પ્રબોધ કરે છે. મેં તેઓને મોકલ્યા નથી, ને તેઓને આજ્ઞા આપી નથી, ને હું તેઓની સાથે બોલ્યો નથી; તેઓ ખોટું સંદર્શન, શકુન, નિરર્થક વાત, તથા પોતાના હ્રદયનું કપટ તમને પ્રબોધ તરીકે કહે છે.

15 તેથી જે પ્રબોધકો મારે નામે પ્રબોધ કરે છે, પણ મેં તેઓને મોકલ્યા નથી તે છતાં તેઓ કહે છે કે, તરવાર તથા દુકાળ આ દેશમાં આવશે નહિ, તેઓ વિષે યહોવા કહે છે કે, ‘તરવારથી તથા દુકાળથી તે પ્રબોધકો નાશ પામશે.

16 વળી જે લોકોને તેઓ પ્રબોધ કરે છે, તેઓને દુકાળ તથા તરવારથી યરુશાલેમના મહોલ્લાઓમાં નાખી દેવામાં આવશે; અને તેઓને, તેઓની પત્નીઓને, તેઓના દીકરાઓને તથા તેઓની દીકરીઓને દાટવા માટે કોઈ રહેશે નહિ; કેમ કે હું તેઓ પર તેમની દુષ્ટતા રેડી દઈશ.’

17 વળી તું તેઓને આ વચન કહેજે, મારી આંખમાંથી રાતદિવસ ચોધાર આંસુઓ વહી જાઓ, ને બંધ ન થાઓ, કેમ કે મારા લોકોની કુંવારી દીકરી મોટા ઘાથી, અતિ ભારે જખમથી, ઘાયલ થઈ છે.

18 જો હું ખેતરમાં બહાર જાઉં, તો ત્યાં તરવારથી માર્યા ગયેલા! અને જો હું નગરમાં પેસું તો ત્યાં દુકાળથી પીડાતા! પ્રબોધક તથા યાજક બન્ને અજાણ્યા દેશમાં ભટકે છે, અને શું કરવું તે તેમને સૂઝતું નથી.”


પ્રભુને પ્રજાની પ્રાર્થના

19 શું [પ્રભુ] તમે યહૂદિયાનો છેક જ ત્યાગ કર્યો છે? શું તમારો જીવ સિયોનથી કંટાળી ગયો છે? અમને રૂઝ વળે નહિ એવી રીતે તમે અમને શા માટે માર્યા છે? અમે શાંતિની આશા રાખતા હતા, પણ કાંઈ કલ્યાણ થયું નહિ; અને સાજા થવાના સમયની રાહ જોતા હતા, પણ તેના બદલામાં ત્રાસ જ થયો!

20 હે યહોવા, અમે અમારી દુષ્ટતા, અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; કેમ કે તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.

21 તમારા નામની ખાતર અમને ન ધિક્કારો. તમારા પ્રતાપી સિંહાસનનું અપમાન ન કરો; અમારી સાથેના તમારા કરારનું સ્મરણ કરો, તેને તોડશો નહિ.

22 વિદેશીઓની વ્યર્થ વસ્તુઓમાંથી કોઈ પણ વરસાદ વરસાવી શકે છે શું? અથવા આકાશ વૃષ્ટિ આપી શકે છે? હે યહોવા, શું તમે અમારા ઈશ્વર નથી? તેને લીધે અમે તમારી આશા રાખીશું; કેમ કે તમે જ આ સર્વ ઉત્પન્ન કર્યું છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan