Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મૂર્તિપૂજા અને સાચી ભક્તિ

1 હે ઇઝરાયલના વંશજો, જે વચન યહોવા તમને કહે છે તે સાંભળો:

2 યહોવા કહે છે, “વિદેશીઓનો માર્ગ ન શીખો, ને આકાશના અદભુત દેખાવોથી ભયભીત ન થાઓ. કેમ કે વિદેશીઓ તેઓથી ભયભીત થાય છે.

3 કેમ કે તે લોકોની ધર્મક્રિયા નકામી છે. કુહાડાથી વનમાંના કાપેલા ઝાડના લાકડા પર કારીગર પોતાના હાથથી કામ કરે છે.

4 તેઓ સોનારૂપાથી તેને સુશોભિત કરે છે; અને તે હાલે નહિ, માટે હથોડાથી ખીલા મારીને તેને બેસાડે છે.

5 તે કાકડીની વાડીના ચાડિયા જેવી છે, તેઓ બોલતી નથી; તેમને ઉપાડવી પડે છે, કેમ કે તેઓ ચાલી શકતી નથી. તેઓથી ન બીઓ, કેમ કે તેઓ ભૂંડું કરી શકે નહિ, તેમ જ ભલું પણ કરી શકે નહિ.”

6 હે યહોવા, તમારા જેવો કોઈ નથી; તમે મોટા છો, ને સામર્થ્યમાં તમારું નામ મોટું છે.

7 હે સર્વ પ્રજાઓના રાજા, તમારાથી કોણ નહિ બીએ? કેમ કે તે [રાજ્ય] તમારું છે! અને વળી વિદેશીઓના સર્વ જ્ઞાનીઓમાં, ને તેઓનાં સર્વ રાજ્યોમાં તમારા જેવો કોઈ નથી.

8 તેઓ બધા નિર્બુદ્ધ તથા મૂર્ખ છે. મૂર્તિઓ પાસેથી જે શિખામણ મળે છે તે તો [ફકત] લાકડું જ છે.

9 તાર્શીશમાંથી રૂપાનાં પતરાં લાવે છે, તથા ઉફાઝમાંથી સોનું લાવે છે! કારીગર તથા સોની તે પર કામ કરે છે. તેઓનાં વસ્ત્ર નીલરંગી તથા જાંબુડિયાં છે. તે બધું નિપુણ માણસોનું કામ છે.

10 પણ યહોવા સત્ય ઈશ્વર છે; તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી કંપે છે, ને તેમનો ક્રોધ વિદેશીઓથી સહન થઈ શકતો નથી.

11 તેઓને કહો કે, જે દેવોએ આકાશ તથા પૃથ્વી બનાવ્યાં નહિ તેઓ પૃથ્વી પરથી તથા આકાશ નીચેથી નાશ પામશે.


ઈશ્વરસ્તુતિનું ગીત

12 તેમણે પોતાના સામર્થ્યથી પૃથ્વી બનાવી છે, પોતાના જ્ઞાનથી જગતને ધરી રાખ્યું છે, ને પોતાની બુદ્ધિથી આકાશને વિસ્તાર્યું છે.

13 તે ગર્જના કરે છે ત્યારે આકાશમાં પાણીનો ઘુઘવાટો થાય છે, ને પૃથ્વીને છેડેથી તે વાદળાં ચઢાવે છે. તે વરસાદને માટે વીજળી ઉત્પન્ન કરે છે, ને પોતાના ભંડારોમાંથી વાયુ કાઢે છે.

14 દરેક માણસ પશુવત તથા જ્ઞાનહીન થયો છે! દરેક સોની પોતાની કોતરેલી મૂર્તિથી લજ્જિત થયો છે! કેમ કે તેની ગાળેલી મૂર્તિ અસત્ય છે; તેઓમં શ્વાસ નથી.

15 તેઓ વ્યર્થતા છે, તેઓ ભ્રાન્તિરૂપ છે. તેઓના શાસનની વેળાએ તેઓ નાશ પામશે.

16 યાકૂબનો હિસ્સો તેમના જેવો નથી, કેમ કે તે સર્વના બનાવનાર છે; અને ઇઝરાયલ તેમના વારસાની કોમ છે: તેમનુમ નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે.


આવી પડનાર બંદીવાસ

17 હે કિલ્લામાં રહેનારી, દેશમાંથી તારો સરસામાન એકઠો કરી લે.

18 કેમ કે યહોવા કહે છે, “જુઓ, હું આ સમયે દેશના રહેવાસીઓને ગોફણના ગોળાની જેમ ફેંકી દઈશ, ને તેઓને ખબર પડે એવું હું તેઓને દુ:ખ દઈશ.”

19 મારા ઘાને લીધે મને હાય હાય! મને ભારે જખં લાગ્યો છે. પણ મેં કહ્યું, “આ તો ખરેખર મારું દુ:ખ છે, ને તે માટે સહેવું જોઈએ.

20 મારો તંબુ નષ્ટ થયો છે, ને મારાં સર્વ દોરડાં તૂટેલાં છે. મારા પુત્રો મારામાંથી નીકળી ગયા છે, ને તેઓ નથી. મારો તંબુ ફરી તાણવાને, ને મારા પડદા બાંધવાને કોઈ નથી.

21 કેમ કે પાળકો પશુવત થયા છે, તેઓએ યહોવાની સલાહ પૂછી નથી; તેથી તેઓ સફળ થયા નથી, તેઓનાં સર્વ ટોળાં વિખેરાઈ ગયાં છે.

22 જુઓ, બૂમબરાડાનો અવાજ પાસે આવે છે, ને ઉત્તર દેશમાંથી મોટો કોલાહલ સંભળાય છે, જેથી યહૂદિયાનાં નગરો ઉજ્જડ થઈ જાય ને તેમાં શિયાળવાં વસે.

23 હે યહોવા, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી. પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.

24 હે યહોવા, માત્ર ન્યાયની રૂએ મને શિક્ષા કરો; ક્રોધથી નહિ, રખેને તમે મને નાબૂદ કરો.

25 જે વિદેશીઓ તમને ઓળખતા નથી, તથા જે કુળો તમારું નામ લેતા નથી તેઓના પર તમારો કોપ રેડી દો; કેમ કે તેઓ યાકૂબને ખાઈ ગયા છે, બલકે ખાઈ જઈને તેને છેક પાયમાલ કર્યો છે, અને તેનું રહેવાનું સ્થળ વેરાન કર્યું છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan