યર્મિયા 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હિલ્કિયાનો પુત્ર યર્મિયા જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો તેનાં વચન: 2 યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના સમયમાં, એટલે તેની કારકિર્દીને તેરમે વર્ષે, યહોવાનું વચન એની પાસે આવ્યું. 3 વળી યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના સમયમાં, અને યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર સિદકિયાના અગિયારમા વર્ષની આખર સુધી, એટલે તે વરસના પાંચમા મહિનામાં યરુશાલેમનો બંદીવાસ થતાં સુધી તે વચન આવ્યું. યર્મિયાને તેડું 4 યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું: 5 “ગ્રભસ્થાનમાં ઘડયા પહેલાં મેં તને ઓળખ્યો હતો, અને ગર્ભસ્થાનાંથી બહાર આવ્યા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને માટે મેં તને પ્રબોધક નીમ્યો છે.” 6 ત્યારે મેં કહ્યું, “ઓ પ્રભુ યહોવા! મેન તો બોલતા આવડતું નથી; કારણ કે હું [હજી] બાળક છું.” 7 ત્યારે યહોવાએ મને કહ્યું, “હું બાળક છું, એમ જ બોલ! જેઓની પાસે હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું, અને જે કંઈ હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું, અને જે કંઈ હું તને ફરમામું તે તારે બોલવું. 8 તેઓથી બીતો ના; કેમ કે તારો છૂટકો કરવા માટે હું તારી સાથે છું, ” એમ યહોવા કહે છે. 9 પછી યહોવાએ પોતાનો હાથ લાંબો કરીને મારા મુખને અડકાડયો; અને તેમણે મને કહ્યું, “જો, મેં મારાં વચન તારા મુખમાં મૂકયાં છે. 10 ઉખેડવા તથા પાડી નાખવા, અને વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમ જ બાંધવા તથા રોપવા માટે, મેં આજે તને પ્રજાઓ તથા રાજ્યો પર નીમ્યો છે.” બે સંદર્શનો 11 વળી યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું:“હે યર્મિયા, તું શું જુએ છે?” મેં કહ્યું, “હું બદામડીનો ફણગો જોઉં છું.” 12 ત્યારે યહોવાએ મને કહ્યું, “તેં બરાબર જોયું છે; કેમકે મારું વચન સંપૂર્ણ સરવા સંબંધી હું જાગૃત છું.” 13 વળી બીજીવાર યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું એક ઊકળતું હાલ્લું જોઉં છું; અને તેનું મુખ ઉત્તર તરફ વળેલું છે.” 14 યહોવાએ મને કહ્યું, “ઉત્તર તરફથી દેશના સર્વ રહેવાસીઓ પર વિપત્તિ આવી પડશે. 15 કેમ કે યહોવા કહે છે, જો, હું ઉત્તરનાં રાજ્યોમાંના સર્વ કુળોને બોલાવીશ; અને તેઓ આવશે, ને યરુશાલેમના દરવાજાઓની પાસે, તથા આસપાસ તેના સર્વ કોટોની સામે, તથા યહૂદિયાનાં સર્વ નગરોની સામે, તેઓ પોતપોતાનું આસન ઊભું કરશે. 16 જેઓએ મને છોડીને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, તથા પોતાને હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે, તેઓની બધી દુષ્ટતાને લીધે હું તેઓની સામે મારાં ન્યાયશાસન પ્રગટ કરીશ. 17 એ માટે તું તારી કમર બાંધીને ઊઠ, તથા જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહે. તેમને લીધે તું ગભરાઈશ નહિ, રખેને તેઓની આગળ હું તને ગભરાવું. 18 જો, આખા દેશની સામે, યહૂદિયાના રાજાઓની સામે, મેં આજ તને કિલ્લાબંધ નગર, લોઢાના સ્તંભ તથા પિત્તળના કોટ જેવો કર્યો છે. 19 તેઓ તારી સાથે યુદ્ધ કરશે, પણ તને હરાવશે નહિ; કેમ કે તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવા કહે છે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India