Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ગિદિયોન

1 ઇઝરાયલી લોકોએ [ફરીથી] યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. અને સાત વર્ષ સુધી યહોવાએ તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યા.

2 અને મિદ્યાનનો હાથ ઇઝરાયલ ઉપર પ્રબળ થયો; અને મિદ્યાનીઓને લીધે ઇઝરાયલી લોકોએ પોતાને માટે પર્વતોમાં કોતરો, ગુફાઓ, તથા ગઢો બનાવ્યાં.

3 અને એમ બનતું કે ઇઝરાયલીઓ વાવણી કરતા ત્યારે મિદ્યાનીઓ, અમાલેકીઓ, તથા પૂર્વ દિશાના લોકો ચઢી આવતા, એટલે તેઓ તેઓની સામે ચઢી આવતા.

4 તેઓ તેઓની સામે છાવણી કરીને છેક ગાઝા સુધી જમીનના પાકનો નાશ કરતા, ને ઇઝરાયલ પાસે અન્‍ન, ઘેટું, બળદ, કે ગધેડું એવું કંઈ પણ રહેવા દેતા નહિ.

5 કેમ કે તેઓ પોતાનાં ઢોર તથા તંબુઓ લઈને ચઢી આવતા, તેઓ તીડની માફક સંખ્યાબંધ આવતા. તેઓ તથા તેઓનાં ઊંટો અગણિત હતાં; અને દેશને ઉજ્જડ કરવાને તેઓ તેમાં પેસતાં.

6 અને મિદ્યાનીઓના કારણથી ઇઝરાયલ બહુ કંગાલ અવસ્થામાં આવી પડ્યા. અને ઇઝરાલી લોકોએ યહોવાને પોકાર કર્યો.

7 ઇઝરાયલી લોકોએ મિદ્યાનીઓને લીધે યહોવાને પોકાર કર્યો, ત્યારે એમ થયું કે

8 યહોવાએ ઇઝરાયલી લોકોની પાસે એક પ્રબોધક મોકલ્યો. તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા એમ કહે છે કે, ‘હું તમને મિસરમાંથી કાઢી લાવ્યો, ને ગુલામીના ઘરમાંથી તમને બહાર લાવ્યો.

9 વળી મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વના હાથમાંથી મેં તમને છોડાવ્યા, તમારી આગળથી તેઓને હાંકી કાઢીને તેઓનો દેશ તમને આપ્યો.

10 અને મેં તમને કહ્યું કે, હું તમારો ઈશ્વર યહોવા છું. જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોથી તમે ન બીહો. પણ તમે મારી વાણી સાંભળી નથી.”

11 ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝેરી યોઆશનું એલોન વૃક્ષ જે ઓફ્રામાં હતું તેની નીચે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘુઉં ઝૂડતો હતો.

12 અને યહોવાના દૂતે તેને દર્શન આપીને કહ્યું, “પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે.”

13 ત્યારે ગિદિયોને તેને કહ્યું, “મારા ધણી, જો યહોવા અમારી સાથે હોય, તો અમારે માથે આ સર્વ [વિપત્તિઓ] કેમ આવી પડી છે? યહોવા અમને મિસરમાંથી કાઢી નથી લાવ્યા શું, એમ કહીને અમારા પિતૃઓ તેના જે સર્વ ચમત્કારો વિષે અમને કહેતા હતા તે ક્યાં છે? પણ હમણાં તો યહોવાએ અમેન તજી દીધા છે, ને મિદ્યાનીઓના હાથમાં અમને સોંપી દીધા છે.”

14 યહોવાએ તેના પર કૃપાદષ્ટિ કરીને કહ્યું, “તું તારા આ બળમાં ચાલ્યો જા, ને મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયલને બચાવ. શું મેં તને મોકલ્યો નથી?”

15 ગિદિયોને તેમને કહ્યું, “હે ઈશ્વર, ઇઝરાયલને હું શા વડે બચાવું? જુઓ. મનાશ્શામાં મારું કુટુંબ સૌથી ગરીબ છે, ને મારા પિતાના ઘરમાં હું સૌથી નાનો છું.”

16 યહોવાએ તેને કહ્યું, “સાચે જ હું તારી સાથે હોઈશ, ને તું જાણે એક માણસને મારતો હોય તેમ તું મિદ્યાનીઓને મારશે.”

17 તેણે યહોવાને કહ્યું, “જો હું હવે તમારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો મારી સાથે વાત કરનાર તે તમે જ છો તેનું મને ચિહ્ન દેખાડો.

18 હું તમારી પાસે આવું ને મારું અર્પણ લાવીને તમારી આગળ મૂકું, ત્યાં સુધી કૃપા કરીને તમે અહીંથી જશો નહિ.” યહોવા કહ્યું, “તું પાછો આવશે ત્યાં સુધી હું અહીં થોભીશ.”

19 ગિદિયોને ઘરમાં જઈને એક હલવાન તથા એક એફાહ લોટની બેખમીર રોટલી તૈયાર કર્યાં. અને ટોપલીમાં માંસ લઈને, તથા એક પ્યાલામાં સેરવો લઈને, સીમમાં એલોન વૃક્ષની નીચે તેમની પાસે લાવીને તેણે તે અર્પણ કર્યું.

20 ઈશ્વરના દૂતે તેને કહ્યું, “એ માંસ તથા બેખમીર રોટલી લઈને આ ખડક ઉપર મૂક, ને સેરવો રેડી દે.” તેણે તેમ કર્યું.

21 ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની છડી લંબાવીને તે માંસ તથા બેખમીર રોટલીને અડકાડી. અને ખડકમાંથી અગ્નિએ નીકળીને તે માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કર્યા. અને યહોવાનો દૂત અંતર્ધાન થઈ ગયો.

22 ગિદિયોને જોયું કે તે તો યહોવાનો દૂત હતો. ત્યારે ગિદિયોને કહ્યું, “હે ઈશ્વર યહોવા, મને અફસોસ! કેમ કે મેં યહોવાના દૂતને મોઢામોઢ જોયો છે.”

23 યહોવાએ તેને કહ્યું, “તને શાંતિ થાઓ; બી નહિ; તું મરશે નહિ.”

24 ત્યારે ત્યાં ગિદિયોને યહોવાને માટે વેદી બાંધી, ને તેનું નામ યહોવા-શાલોમ પાડ્યું. તે આજ સુધી અબીએઝેરીઓના ઓફ્રામાં છે.

25 તે જ રાત્રે એમ થયું કે, યહોવાએ ગિદિયોનને કહ્યું, “તારા પિતાનો બળદ, ને સાત વર્ષનો બીજો એક બળદ લે, અને તારા પિતાની બાલની જે ય વેદી તે તોડી પાડ, ને તેની પાસેની અશેરા [મૂર્તિ] કાપી નાખ.

26 અને આ ગઢના શિખર પર, રીત પ્રમાણે, યહોવા તારા ઈશ્વરને માટે ય વેદી બાંધ. અને જે અશેરા [મૂર્તિ] ને તું કાપી નાખશે તેના લાકડાથી, પેલો બીજો બળદ લઈને તેનું દહનીયાર્પણ કર.”

27 ત્યારે ગિદિયોને પોતાના દશ માણસોને લઈને જેમ યહોવાએ તેને કહ્યું હતું તેમ કર્યું. અને એમ થયું કે તે પોતાના પિતાના ઘરનાંથી તથા નગરના લોકોથી બીતો હતો, એથી દિવસે તો એ કામ તે કરી શક્યો નહિ, પણ રાત્રે તેણે તે કર્યું.

28 નગરનાં માણસ મળસકે ઊઠ્યાં તો જુઓ, બાલની ય વેદી તોડી પાડેલી હતી, ને તેની પાસેની અશેરા [મૂર્તિ] ને કાપી નાખેલી હતી, ને [નવી] બાંધેલી ય વેદી પર પેલા બીજા બળદનું બલિદાન અપેલું હતું.

29 તેઓએ એકબીજાને પૂછયું, “એ કામ કોણે કર્યું છે?” પછી તપાસ કરીને તેઓએ કહ્યું, “યોઆશના દીકરા ગિદિયોને એ કર્યું છે.”

30 ત્યારે નગરના લોકોએ યોઆશને કહ્યું, “તારા દીકરાને બહાર કાઢ, કે તે માર્યો જાય; કેમ કે તેણે બાલની ય વેદી તોડી પાડી છે, ને તેની પાસેની અશેરા [મૂર્તિ] ને કાપી નાખી છે.”

31 અને યોઆશે તેની સામા ઊભા રહેલા સર્વ લોકોને કહ્યું, “શું તમે બાલના પક્ષમાં બોલશો? અથવા શું તમે તેને બચાવશો? જે કોઈ તેના પક્ષમાં બોલે તે સવાર થતાં પહેલાં માર્યો જાય. જો તે ઈશ્વર હોય તો તે પોતે પોતાનો બચાવ કરે, કેમ કે કોઈકે તેની વેદી તોડી પાડી છે.”

32 તે માટે તે દિવસે તેણે તે [દીકરા] નું નામ યરુબાલ પાડીને કહ્યું, “બાલ તેની સાથે વિવાદ કરો, કેમ કે તેણે તેની વેદી તોડી પાડી છે.”

33 ત્યારે સર્વ મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ તરફના લોકો એકત્ર થયા. અને પેલે પાર જઈને તેઓએ યિઝેલની ખીણમાં છાવણી કરી.

34 પણ યહોવાનો આત્મા ગિદિયોન પર આવ્યો. અને તેણે રણશિંગડું વગાડ્યું, ત્યારે અબીએઝેર [ના માણસો] તેની પાછળ આવવાને એક્‍ત્ર થયા.

35 વળી તેણે મનાશ્શામાં સર્વત્ર ખેપિયા મોકલ્યા; અને તેઓ પણ તેની પાછળ આવવાને એકત્ર થયા. અને તેણે આશેરમાં, ઝબુલોનમાં તથા નફતાલીમાં ખેપિયા મોકલ્યા. અને તેઓ તેઓને મળવા સામા ગયા.

36 ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમારા કહેવા પ્રમાણે, હજો તમે મારે હાથે ઇઝરાયલને ઉગારવાના હો,

37 તો જુઓ, હું ખળીમાં ઘેટાનું ઊન મૂકું. અને જો એકલા ઊન પર ઝાકળ પડે ને બીજી બધી ભૂમિ સૂકી રહે, તો તેથી હું જાણીશ કે, તમે, તમારા કહેવા પ્રમાણે, મારે હાથે ઇઝરાયલને ઉગારવાના છો.”

38 તેમ જ થયું; કેમ કે બીજે દિવસે મળસકે ઊઠીને તેણે ઊન દબાવ્યું, ત્યારે ઊન નિચોવતાં પ્યાલો ભરાય એટલું ઝાકળનું પાણી નીકળ્યું.

39 અને ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમારો કોપ મારા પર સળગી ન ઊઠે, તો હું માત્ર આ એક વખતે બોલું:કૃપા કરીને આ એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દો. હવે એકલું ઊન કોરું રહે, ને બાકીની બધી ભૂમિ પર ઝાકળ પડે.”

40 તો તે રાત્રે ઈશ્વરે તેમ કર્યું; કેમ કે એકલું ઊન કોરું રહ્યું હતું, ને બાકીની બધી ભૂમિ પર ઝાકળ હતું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan