Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


બિન્યામીનપુત્રો માટે પત્નીઓ

1 હવે ઇઝરાયલીઓએ મિસ્પામાં એવી પ્રતિજ્ઞા લીધી હતી કે, તેઓમાંનો કોઈપણ પોતાની દીકરીને બિન્યામીન સાથે પરણાવે નહિ.

2 અને તે લોકો બેથેલમાં આવીને યહોવાની હજૂરમાં સાંજ સુધી બેઠા, ને પોક મૂકીને રડ્યા.

3 તેઓએ કહ્યું, “હે યહોવા, ઇઝરાયલના ઈશ્વર, આજે ઇઝરાયલમાંથી એક કુળ ઓછું થાય છે. એમ કેમ બન્યું?”

4 બીજે દિવસે એમ બન્યું કે, લોકોએ પરોઢિયે ઊઠીને ત્યાં એક વેદી બાંધી, ને

5 અને ઇઝરાયલી લોકોએ કહ્યું, “ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી મળેલી સભામાં યહોવાની હજૂરમાં આવ્યો ન હોય એવો કોણ છે?” કેમ કે મિસ્પામાં યહોવાની હજૂરમાં જે માણસ ન આવે તેને જરૂર મારી નાખવો એવી ભારે પ્રતિજ્ઞા તેઓએ લીધી હતી.

6 ઇઝરાયલી લોકોએ તેઓના ભાઈ બિન્યામીનને લીધે શોક કરીને કહ્યું, “આજે ઇઝરાયલમાંથી એક કુળ નષ્ટ થાય છે.

7 જેઓ બચ્યા છે તેમને પરણાવવા માટે આપણે શું કરીશું? કેમ કે આપણે તો આપણી દીકરીઓ તેમને નહિ પરણાવવાની યહોવાની સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે.”

8 તેઓએ કહ્યું, “ઇઝરાયલનાં કુળોમાંનું એવું ક્યું કુળ છે કે મિસ્પામાં યહોવાની હજૂરમાં આવ્યું ન હોય?” અને જુઓ, [તેઓને માલૂમ પડ્યું કે] યોબેશ-ગિલ્યાદથી સભામાં ભાગ લેવા માટે છાવણીમાં કોઈ પણ આવ્યો નહોતો.

9 કેમ કે જ્યારે લોકોની ગણતરી કરવામાં આવી ત્યારે, જુઓ, યાબેશ-ગિલ્યાદના રહેવાસીઓમાંનો કોઈ પણ ત્યાં નહોતો.

10 પછી તેઓએ શૂરામાં શૂરા બાર હજાર પુરુષોને એવી આજ્ઞા આપીને ત્યાં મોકલ્યા કે, “જઈને યાબેશ-ગિલ્યાદના રહેવાસીઓ, ‍ સ્‍ત્રીઓ તથા બાળકો સહિત, તરવારથી સંહાર કરો.

11 વળી તમારે આ પ્રમાણે કરવું કે, પ્રત્યેક પુરુષનો તથા જે સ્‍ત્રીએ પુરુષનો અનુભવ કર્યો હોય તે દરેકનો તમારે વિનાશ કરવો.”

12 અને યાબેશ-ગિલ્યાદનાં રહેવાસીઓમાંથી જેઓએ પુરુષનો સંસર્ગ બિલકુલ કર્યો નહોતો એવી ચારસો જુવાન કુમારિકાઓ તેમને મળી; તેઓ તેમને કનાન દેષના શીલો પાસે છાવણીમાં લઈ આવ્યા.

13 સમગ્ર પ્રજાએ રિમ્મોન ગઢમાંના બિન્યામીનપુત્રોને સંદેશો મોકલીને સલાહનો ઢંઢેરો પિટાવ્યો.

14 ત્યારે બિન્યામીનીઓ તેમની પાસે આવ્યા; અને [ઇઝરાયલીઓએ] યાબેશ-ગિલ્યાદની જે સ્‍ત્રીઓને જીવતી રાખી હતી તે તેઓએ તેમને આપી; તોપણ તે બધી તેમને માટે બસ થઈ નહિ.

15 અને લોકોએ બિન્યામીનને માટે શોક કર્યો, કેમ કે યહોવાએ ઇઝરાયલનાં કુળોમાં ભંગાણ પાડ્યું હતું.

16 ત્યારે પ્રજાના વડીલોએ કહ્યું, “બિન્યામીનમાંથી તો સ્‍ત્રીઓનો નાશ કરવામાં આવ્યો છે, તો બાકી રહેલાઓને સ્‍ત્રીઓ પૂરી પાડવાને આપણે શું કરીશું?”

17 તેઓએ કહ્યું, “ઇઝરાયલમાંથી એક કુળ નષ્ટ ન થાય, માટે બચેલા બિન્યામીનીઓને માટે વારસો જોઈએ.

18 તથાપિ આપણે તો આપણી કન્યાઓન તેઓને આપી શક્તા નથી.” કેમ કે ઇઝરાયલી લોકોએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે, ‘જે કોઈ બિન્યામીનને કન્યા આપે તે શાપિત થાય.’

19 પછી તેઓએ કહ્યું, “જુઓ, બેથેલની ઉત્તરે [તથા] બેથેલની શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનની દક્ષિણે આવેલા શીલોમાં વરસોવરસ યહોવાનું એક પર્વ પાળવામાં આવે છે.”

20 હવે તેઓએ બિન્યામીનપુત્રોને આજ્ઞા કરી, “તમે ત્યાં જઈને દ્રાક્ષાવાડીઓમાં સંતાઈ રહેજો.

21 અને જોતા રહેજો કે, શીલોની કન્યાઓ નાચમાં નૃત્ય કરવાને બહાર આવે તો તમારે દ્રાક્ષાવાડીઓમાંથી બહાર આવવું, અને શીલોની કન્યાઓમાંથી પ્રત્યેકે પોતપોતાના માટે સ્‍ત્રી પકડી લઈને બિન્યામીનના પ્રાંતમાં જતા રહેવું.

22 અને એમ થશે કે જો તેમના પિતાઓ કે ભાઈઓ આવીને અમારી આગળ ફરિયાદ કરશે, તો અમે તેઓને કહીશું કે, ‘મહેરબાની કરીને [એવું ધારો કે] તે [કન્યાઓ તમે જ] અમને આપી છે, કેમ કે આપણે યુદ્ધમાં તેઓમાંના પ્રત્યેકને માટે સ્‍ત્રી રાખી નહિ. તેમ જ તમે પોતે તેમને તમારી કન્યાઓ આપી નથી; નહિ તો તમે દોષિત ગણાઓ.”

23 બિન્યામીનપુત્રોએ આ પ્રમાણે કર્યું, એટલે પોતે જેટલા હતા તેટલી સ્‍ત્રીઓનું નૃત્ય કરનારી સ્‍ત્રીઓમાંથી હરણ કરીને તેમને પોતાની પાસે રાખી. પછી તેઓ પાછા પોતાના વતનમાં ચાલ્યા ગયા, ને નગરોને સમારીને તેમાં વસ્યા.

24 અને ઇઝરાયલી લોકો તે સમયે ત્યાંથી વિદાય થઈને પ્રત્યેક પોતપોતાના કુળમાં તથા પોતપોતાના કુટુંબમાં ગયો, ને ત્યાંથી નીકળીને તેઓ પોતપોતાના વતનમાં ગયા.

25 તે સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. દરેક માણસ પોતાની નજરમાં જે ઠીક લાગતું તે કરતો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan