Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


એક લેવી અને એની રખાત

1 ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, તે દિવસોમાં એમ બન્યું કે, એફ્રાઈમના પહાડી પ્રદેશની સામેની બાજુએ કોઈ લેવી આવીને વસેલો હતો. તેણે બેથલેહેમ-યહૂદિયાની એક સ્‍ત્રીને પોતની ઉપપત્ની તરીકે રાખી હતી.

2 તેની ઉપપત્નીએ પતિવ્રત ભંગ કરીને વ્યભિચાર કર્યો, અને તેની પાસેથી બેથલેહેમ-યહૂદિયામાં પોતાના પિતાના ઘેર જતી રહી, ને ત્યાં ચાર મહિના રહી.

3 તેને પ્રેમથી સમજાવીને પાછી લાવવા માટે તેનો પતિ ઊઠીને પોતાનો ચાકર તથા બે ગધેડાં સાથે લઈને તેની પાછળ ગયો; અને તે તેને પોતાના પિતાના ઘરમાં લઈ ગઈ. અને તે યુવતીના પિતાએ તેને જોયો ત્યારે તે તેની મુલાકાતથી ખુશ થયો.

4 તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને રાખ્યો. અને તે તેની સાથે ત્રણ દિવસ રહ્યો; અને તેઓએ ખાધુંપીધું, ને ત્યાં રહ્યાં.

5 ચોથે દિવસે એમ બન્યું કે તેઓ પરોઢિયે ઊઠ્યાં, ને તે ત્યાંથી વિદાય થવા તૈયાર થયો. યુવતીના પિતાએ પોતાના જમાઈને કહ્યું, “કોળીયો અન્‍ન ખાઈને તારા દિલને તાજું કર, ને ત્યાર પછી તમે તમારે રસ્તે પડજો.”

6 એવી રીતે તે બન્‍નેએ એકઠાં બેસીને ખાધુંપીધું. પછી તે યુવતીના પિતાએ તે માણસને કહ્યું, “કૃપા કરીને રાજી થઈને આજની રાત રહે, ને તારા દિલને ખુશ કર.”

7 તે માણસ તો વિદાયગીરી લેવા માટે ઊભો થયો હતો. પણ તેના સસરાએ તેને આગ્રહ કર્યાથી તે ત્યાં પાછો રહ્યો.

8 પાંચમે દિવસે વિદાયગીરી લેવા માટે તે પરોઢિયે ઊઠ્યો, ત્યારે તે યુવતીના પિતાએ કહ્યું, “કૃપા કરીને તારા મનને શાંત પાડીને દિવસ નમતાં સુધી રહો.” પછી તે બન્‍ને જમ્યાં.

9 પછી તે પોતાની ઉપપત્ની તથા પોતાના ચાકર સાથે વિદાયગીરી લેવા માટે ઊભો થયો, ત્યારે તેના સસરાએ, એટલે તે યુવતીના પિતાએ, તેને કહ્યું, “જો, હવે દિવસ અસ્ત થવા આવ્યો છે, કૃપા કરીને રાત રહી જાઓ. જુઓ, દિવસ આથમવા આવ્યો છે. અહીં રહીને તારા હ્રદયને ખુશ કર; અને કાલે સવારે વહેલાં [ઊઠીને] તમારે ઘેર જજો.”

10 પણ તે માણસ તે રાતે ત્યાં રહેવા રાજી નહોતો, તેથી તે ઊઠીને વિદાય થયો, ને યબૂસ (એટલે યરુશાલેમ) પાસે આવી પહોંચયો. તેની પાસે જીન બાંધેલાં બે ગધેડાં હતાં. તેની ઉપપત્ની પણ તેની સાથે હતી.

11 જ્યારે તેઓ યબૂસ પહોંચ્યા ત્યારે દિવસ ઘણો નમી ગયો હતો; તેથી ચાકરે પોતાના શેઠને કહ્યું, “કૃપા કરી ચાલો, આપણે વળીને આ યબૂસીઓના નગરમાં જઈને તેમાં ઉતારો કરીએ.”

12 તેના શેઠે તેને કહ્યું, “એ પરદેશીનું નગર છે જેમાં કોઈ પણ ઇઝરાયલી લોકો નથી, તેમાં આપણે નહિ જઈએ.”

13 અને તેણે પોતાના ચાકરને કહ્યું, “ચાલો, આપણે આ જગાઓમાંની એકાદની પાસે જઈ પહોંચીએ; અને આપણે ગિબયામાં કે રામામાં ઉતારો કરીશું.”

14 તેથી તેઓએ આગળ ચાલવું જારી રાખ્યું. જ્યારે બિન્યામીન ગિબયા પાસે તેઓ પહોંચ્યાં ત્યારે સૂર્ય અસ્ત થયો.

15 ગિબયામાં જઈને ત્યાં ઉતારો કરવા માટે તેઓ તે તરફ વળ્યાં. તેની અંદર દાખલ થઈને નગરના રસ્તામાં તે બેઠો; કેમ કે કોઈ માણસ ઉતારો આપવા માટે તેઓને પોતાને ઘેર લઈ ગયો નહિ.

16 અને જુઓ, એક વૃદ્ધ માણસ ખેતરમાંથી કામ કરીને સાંજે આવતો હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશનો હતો, અને તે ગિબયામાં આવી વસેલો હતો. પણ એ જગાના લોક તો બિન્યામીની હતા.

17 તેણે નજર ઊંચી કરી તો તે વટેમાર્ગુને નગરના રસ્તામાં [બેઠેલો] જોયો. ત્યારે તે વૃદ્ધ માણસે તેને પૂછયું, “તું ક્યાં જાય છે, અને ક્યાંથી આવ્યો છે?”

18 તેણે તેને કહ્યું, “અમે બેથલેહેમ-યહૂદિયામાંથી એફ્રાઈમના પહાડી પ્રદેશને પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું, ને હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો; અને હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો; અને હું યહોવાના ઘેર જાઉં છું.

19 જો કે અમારાં ગધેડાંને માટે ચંદી તથા ચારો બન્‍ને છે; અને મારે માટે, તારી દાસીને માટે તથા તારા સેવકોની સાથેના જુવાનને માટે પણ રોટલી તથા દ્રાક્ષાશ્રવ છે. અમને કશાની ખોટ નથી, તોપણ કોઈ માણસ મને પોતાના ઘરમાં આવકાર આપતો નથી.”

20 તે વૃદ્ધ માણસે તેને કહ્યું, “તને શાંતિ થાઓ. તારે જે જોઈએ તેનો ભાર મારે માથે રહેવા દે. એટલું જ કે રસ્તામાં મુકામ ન કર.”

21 તેઓ આનંદમાં હતાં એટલામાં જુઓ, શહેરના કેટલાક બલિયાલપુત્રો ઘરની આસપાસ ફરી વળીને બારણું ઠોકવા લાગ્યા. તેઓએ ઘરધણીને એટલે તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તાર ઘરમાં આવ્યો છે તેને બહાર કાઢ કે, અમે તેની આબરૂ લઈએ.”

22 તેઓ આનંદમાં હતાં એટલામાં જુઓ, શહેરના કેટલાક બલિયાલપુત્રો ઘરની આસપાસ ફરી વળીને બારણું ઠોકવા લાગ્યા. તેઓએ ઘરધણીને એટલે તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તારા ઘરમાં આવ્યો છે તેને બહાર કાઢ કે, અમે તેની આબરૂ લઈએ.”

23 તે માણસે એટલે ઘરધણીએ તેઓની પાસે બહાર આવીને તેઓને કહ્યું, “મારા ભાઈઓ, એમ નહિ બને, કૃપા કરી એવું દુષ્ટ કૃત્ય ન કરો. એ માણસ મારા ઘરમાં આવ્યો છે તે ધ્યાનમાં લઈને એવી મૂર્ખાઈ ન કરો.

24 જુઓ, મારી કુંવારી પુત્રી તથા તે [માણસ] ની ઉપપત્ની અહીં છે. તેઓને હું હમણાં બહાર લાવું, તમે તેમની આબરૂ લો, ને તમને જેમ સારું લાગે તેમ તમને કરો; પણ એ પુરુષની સાથે એવી મૂર્ખાઈ ન કરો.”

25 પણ તે માણસો તેનું કહેવું સાંભળવા ચાહતા નહોતા; તેથી છેવટે તે માણસ તેની ઉપપત્નીને પકડીને તેને તેઓની પાસે બહાર લાવ્યો. તેઓએ તેની આબરૂ લીધી, ને સવાર થતાં સુધી આખી રાત તેના પર અત્યાચાર કર્યો. જ્યારે સૂર્ય ઊગવા આવ્યો ત્યારે તેઓએ તેને છોડી દીધી.

26 સૂર્ય ઊગતાં તે સ્‍ત્રી આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના [ઘરના] બારણા આગળ અજવાળું થતાં સુધી પડી રહી.

27 તેના પતિએ સવારે ઊઠીને ઘરનાં બારણાં ઉઘાડ્યાં, ને રસ્તે પડવા માટે તે બહાર નીકળ્યો; તો જુઓ, તે‍સ્‍ત્રી, એટલે તેની ઉપપત્ની, ઉંબરા પર હાથ રાખીને ઘરના બારણા પાસે પડેલી હતી.

28 તેણે તેને કહ્યું, “ઊઠ, આપણે જતા રહીએ.” પણ કંઈ ઉત્તર મળ્યો નહિ. પછી તે ઊઠીને પોતાના મુકામે જઈ પહોંચ્યો.

29 પોતાને ઘેર આવીને તેણે એક છરી લીધી, ને પોતઅની ઉપપત્નીને પકડીને સાંધેસાંધાથી તેને કાપી, ને તેના બાર ટુકડા કરીને ઇઝરાયલની સર્વ સીમાઓમાં મોકલ્યા.

30 અને એમ થયું કે, જેઓએ તે જોયું, તે બધાએ કહ્યું, “ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા ત્યારથી તે આજ સુધી આવું કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિષે વિચાર કરો, મસલત કરો; ને અભિપ્રાય આપો.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan