Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મિખા અને દાનનું કુળ

1 તે સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. એ જ વખતે દાનીઓનું કુળ પોતાને રહેવાને માટે વતન શોધતું હતું; કેમ કે તે વખત સુધી ઇઝરાયલનાં કુળોમાં તેઓને વતનનો હિસ્સો મળ્યો નહોતો.

2 એથી દાનપુત્રોએ પોતાના કુટુંબના સર્વ માણસોમાંથી પાંચ શૂરવીર પુરુષોને સોરા તથા એશ્તાઓલથી દેશની બાતમી કાઢવા તથા તપાસ કરવા માટે મોકલ્યા. તેઓએ તેઓને કહ્યું, “જઈને દેશની તપાસ કરો.” અને તેઓએ એફ્રાઈમના પહાડી‍ પ્રદેશમાં મિખાને ઘેર આવીને ત્યાં ઉતારો કર્યો.

3 તેઓ મિખાના ઘરની નજીક આવ્યા, ત્યારે તેઓએ પેલા જુવાન લેવીનો સાદ ઓળખ્યો; અને તેઓ પાછા ફરીને ત્યાં ગયા, અને તેને પૂછ્યું, “તને અહીં તને શું મળે છે?”

4 તેણે તેઓને કહ્યું, “મિખાએ મારે માટે ફલાણું ફલાણું કર્યું છે, ને તેણે મને પગારથી રાખ્યો છે, ને હું તેનો પુરોહિત થયો છું.”

5 તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને ઈશ્વરની સલાહ પૂછ, જેથી અમે જાણીએ કે જે રસ્તે અમે જઈએ છીએ તે ફતેહમંદ નીવડશે કે નહિ.”

6 પુરોહિતે તેઓને કહ્યું, “શાંતિથી ચાલ્યા જાઓ. જે રસ્તે તમે જાઓ છો તે યહોવાની સમક્ષ છે.”

7 ત્યારે તે પાંચ માણસ વિદાય થયા, ને લાઇશ આવ્યા, ને ત્યાંના લોકોને જોયા કે, તેઓ નિશ્વિત રહે છે, તથા સિદોનીઓની જેમ શાંત તથા નિર્ભય છે. કેમ કે તેમને કશામાં પણ શરમાવે એવો તે દેશમાં કોઈ હાકેમ નહોતો, તેઓ સિદોનીઓથી વેગળા હતા, ને કોઈની સાથે તેઓને કશો વ્યવહાર નહોતો.

8 એ બાતમીદારો સોરા તથા એશ્તાઓલમાં પોતાના ભાઈઓની પાસે પાછા આવ્યા; અને તેઓના ભાઈઓની પાસે પાછા આવ્યા; અને તેઓના ભાઈઓએ તેમને પૂછ્યું, “તમે શી [ખબર લાવ્યા] ?”

9 તેઓએ કહ્યું, ઊઠો, ને આપણે તેમના ઉપર ચઢાઈ કરીએ; કેમ કે અમે તે દેશ જોયો છે, તે ઘણો સારો છે. તમે કેમ સુસ્ત [બેસી રહ્યા] છો? ત્યાં જઈને દેશનો કબજો કરી લેવામાં આળસ ન કરો.

10 તમે જશો, ત્યારે લોકો નિશ્ચિતપણે રહેતા જોવમાં આવશે. તે દેશ વિશાળ છે; કેમ કે ઈશ્વરે તે તમારા હાથમાં સોંપી દીધો છે. પૃથ્વી પરની કોઈ પણ વસ્તુની ખોટ ન પડે એવું તે સ્થળ છે.”

11 પછી સોરા તથા એશ્તાઓલમાંથી દાનના કુટુંબના છસો માણસ શસ્‍ત્ર સજીને ત્યાંથી ચાલી નીકળ્યા.

12 તેઓએ જઈને યહૂદિયામાંના કિર્યાથ-યારીમમાં છાવણી કરી. એ માટે તેઓએ તે જગાનું નામ માહનેહ-દાન પાડ્યું, આજ સુધી તે તેનું નામ છે. જુઓ, તે કિર્યાથ-યારીમની પાછળ છે.

13 તેઓ ત્યાંથી એફ્રાઈમના પહાડી પ્રદેશમાં ગયા, અને મિખાને ઘેર આવ્યા.

14 જે પાંચ માણસ લાઈશના દેશની બાતમી કાઢવા ગયા હતા, તેઓએ પોતાના ભાઈઓને કહ્યું, “તમે જાણો છો કે, આ ઘરોમાં એફોદ તથા તરાફીમ તથા કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે? હવે તમારે શું કરવું તેનો વિચાર કરો.”

15 ત્યારે તેઓ તે તરફ ફરીને તે જુવાન લેવીના ઘરમાં એટલે મિખાના ઘરમાં ગયા, ને તેઓએ તેની ખબરઅંતર પૂછી.

16 દાનપુત્રોમાંના છસો હથિયારબંધ માણસો દરવાજાના નાકામાં ઊભા રહ્યા.

17 જે પાંચ માણસ દેશની બાતમી કાઢવા ગયા હતા તેઓએ ઘરમાં પેસીને કોરેલી મૂર્તિ, એફોદ તથા તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ લીધાં; અને પેલા છસો હથિયારબંધ માણસોની સાથે દરવાજાના નાકા આગળ પુરોહિત ઊભો રહેલો હતો.

18 જ્યારે તેઓ મિખાના ઘરમાં ગયા, ને કોરેલી મૂર્તિ, એફોદ તથા તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ આવ્યા, ત્યારે પુરોહિતે તેઓને પૂછ્યું, “તમે આ શું કરો છો?”

19 તેઓએ તેને કહ્યું, ‘ચૂપ રહે, તારા મુખ પર તારો હાથ મૂક, ને અમારી સાથે આવીને અમારો પિતા તથા પુરોહિત થા. એક માણસના ઘરના પુરોહિત થા. એક માણસના ઘરના પુરોહિત થવું તે સારું છે કે, ઇઝરાયલના એક કુળના તથા કુટુંબના પુરોહિત થવું તે સારું છે?”

20 પુરોહિત મનમાં ખુશ થયો, ને તે એફોદ તથા તરાફીમ તથા કોરેલી મૂર્તિ લઈને તે લોકો મધ્યે ગયો.

21 તેઓ પાછા વળીને ચાલી નીકળ્યા, ને છોકરાં તથા ઢોર તથા માલમિલકતને પોતાની આગળ રાખ્યાં.

22 તેઓ મિખાના ઘરથી ઘણે દૂર ગયા, ત્યારે મિખાના ઘરની પાસેના ઘરના માણસોને એકત્ર થઈને દાનપુત્રોને પકડી પાડ્યા.

23 તેઓએ દાનપુત્રોને હાંક મારી. એટલે તેઓએ પાછા ફરીને મિખાને કહ્યું, “તને શું નુકશાન થયું છે કે, તું આવું ટોળું લઈને આવે છે?”

24 તેણે કહ્યું, “તમે મારા પોતાના બનાવેલા દેવોને તથા પુરોહિતને લઈને ચાલ્યા ગયા છો, હવે મારી પાસે બીજું શું રહ્યું છે? એમ છતાં તમે મને કેમ પૂછો કે, તને શું નુકશાન થયું છે?”

25 ત્યારે દાનપુત્રોએ તેને કહ્યું, “મોટેથી ન બોલ, રખેને તારો સાદ સાંભળીને ક્રોધથી તપી રહેલા માણસો તારા પર તૂટી પડે, ને તું તારો તથા તારા ઘરનાંના પ્રાણ ગુમાવે.”

26 ત્યાર પછી દાનપુત્રો પોતાને રસ્તે પડ્યા. અને મિખાએ જોયું કે તેઓ મારા કરતાં બળવાન છે, ત્યારે તે પાછો વળીને પોતાને ઘેર ગયો.

27 તેઓ મિખાની બનાવેલી વસ્તુઓ તથા તેના પુરોહિતને લઈને લાઇશમાં આવ્યા, ત્યાં લોકો શાંતિથી નિશ્ચિતપણે રહેતા હતા. તેઓએ તેઓને તરવારથી મારી નાખ્યા; અને તેઓએ નગરને આગથી બાળી નાખ્યું.

28 તેની વહારે ચઢનાર કોઈ નહોતું. કેમ કે સિદોનથી તે આઘું હતું, ને તેઓને કોઈની સાથે કંઈ પણ વ્યવહાર ન હતો. બેથ-રહોબની પાસેની ખીણમાં એ આવેલું હતું. અને તેઓ નગર બાંધીને ત્યાં વસ્યા.

29 અને ઇઝરાયલને પેટે જન્મેલા પોતાના પૂર્વ જ દાનના નામ ઉપરથી તેઓએ તેનું નામ દાન પાડ્યું; પરંતુ પહેલાં તે નગરનું નામ લાઇશ હતું.

30 અને દાનપુત્રોએ પોતાને માટે તે કોરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી; અને દેશની ગુલામગીરીના દિવસ સુધી મૂસાના દીકરા ગેર્શોમનો દીકરો યોનાથાન તથા તેના પુત્રો દાનકુળના પુરોહિત હતા.

31 ઈશ્વરનું ઘર શીલોમાં રહ્યું તે બધો વખત તેઓએ પોતાને માટે મિખાની બનાવેલી કોરેલી મૂર્તિની સ્થાપના કાયમ રાખી.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan