Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યાકૂબનો પત્ર 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ધનવાનોને ચેતવણી

1 હવે ચાલો, શ્રીમંતો, તમારા પર પડનારાં સંકટોને લીધે તમે વિલાપ કરો અને રડો.

2 તમારી સંપત્તિ સડી ગઈ છે, અને તમારાં લૂગડાંને ઊધિઇ ખાઈ ગઈ છે.

3 તમારું સોનું તથા રૂપું કટાઈ ગયું છે. અને તેનો કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અને અગ્નિની જેમ તમારાં શરીરોને ખાઈ જશે. તમે છેલ્‍લા સમયને માટે સંપત્તિ સંઘરી રાખી છે.

4 જુઓ, જે મજૂરોએ તમારાં ખેતર કાપ્યાં છે, તેઓની મજૂરી તમે દગો કરીને અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે. અને કાપનારાઓની બૂમ સૈન્યોના પ્રભુના કાનોમાં આવી પહોંચી છે.

5 તમે પૃથ્વી પર મોજશોખ કરીને વિલાસી થયા છો. કતલના દિવસમાં તમે તમારાં હ્રદયોને પુષ્ટ કર્યા છે.

6 ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો છે. તે તમારી સામો થતો નથી.


ધીરજ અને પ્રાર્થના

7 એ માટે, ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો. જુઓ, ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે, અને પહેલો તથા છેલ્‍લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે.

8 તમે પણ ધીરજ રાખો, તમારાં મન દઢ રાખો; કેમ કે પ્રભુનું આગમન નજીક છે.

9 ભાઈઓ, તમારો ન્યાય કરવામાં ન આવે માટે એકબીજાની સામે બડબડાટ ન કરો જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભો રહે છે.

10 મારા ભાઈઓ, દુ:ખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા, તેઓનો દાખલો લો.

11 જુઓ, જેઓએ સહન કર્યું હતું, તેઓને ધન્ય છે, એમ આપણે માનીએ છીએ:તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે, અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે, પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.

12 પણ મારા ભાઈઓ, વિશેષ કરીને તમે સમ ન ખાઓ, આકાશના નહિ કે પૃથ્વીના નહિ તેમ જ બીજા કોઈના સમ ન ખાઓ, પણ તમને સજા ન થાય, માટે તમારી “હા” તે સાફ “હા” અને “ના” તે સાફ “ના” થાય.

13 તમારામાં શું કોઈ દુ:ખી છે? તો તેણે પ્રાર્થના કરવી, શું કોઈ આનંદિત છે? તો તેણે સ્તોત્ર ગાવાં.

14 તમારામાં શું કોઈ બીમાર છે? [જો હોય] તો તેણે મંડળીના વડીલોને બોલાવવા, અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી.

15 અને વિશ્વાસ [સહિત કરેલી] પ્રાર્થના બીમારને બચાવશે, ને પ્રભુ તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે તો તે તેને માફ કરવામાં આવશે.

16 તમે નીરોગી થાઓ માટે તમારાં પાપ એકબીજાની આગળ કબૂલ કરો, અને એકબીજાને માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.

17 એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરીને વિનંતી કરી; અને સાડાત્રણ વરસ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહિ.

18 પછી તેણે ફરી પ્રાર્થના કરી, એટલે આકાશમાંથી વરસાદ પડયો, અને ધરતીમાંથી સારો પાક નીપજયો.

19 મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય [માર્ગ] મૂકીને આડે માર્ગે જાય, અને કોઈ તેને પાછો ફેરવે.

20 તો તેણે જાણવું કે પાપીને તેના ભૂલભરેલા માર્ગથી જે પાછો ફેરવે છે, તે એક પ્રાણને મોતથી બચાવશે, અને પાપના પુંજને ઢાંકશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan