યાકૂબનો પત્ર 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દુનિયા સાથે દોસ્તી 1 તમારામાં લડાઈ તથા ઝઘડા કયાંથી થાય છે? શું તમારા અવયવોમાંની લડાઈ કરનારી દુર્વાસનાથી નહિ? 2 તમે કુઇચ્છા રાખો છો, પણ તે તૃપ્ત થતી નથી. તમે હત્યા કરો છો, અને લોભ રાખો છો, પણ કંઈ મેળવી શક્તા નથી. તમે લડાઈ ઝઘડા કરો છો; પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માગતા નથી. 3 તમે માગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોજશોખ પર ખરચી નાખવાના ખોટા ઇરાદાથી માગો છો. 4 ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી કે, જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે. 5 જે આત્માને તેમણે આપણામાં વસાવ્યો, તેને તે પોતાનો જ કરવાની ઉમળકાથી ઇચ્છા રાખે છે, એમ શાસ્ત્રમાં કહેલું છે તે ફોકટ છે, એમ તમે ધારો છો? 6 પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે [શાસ્ત્ર] કહે છે કે, ઈશ્વર ગર્વિષ્ડોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. 7 માટે તમે ઈશ્વરને આધીન થાઓ; પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. 8 તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમે તમારા હાથ શદ્ધ કરો. અને ઓ બે મનવાળાઓ, તને તમારાં મન પવિત્ર કરો. 9 તમે ઉદાસ થાઓ, ને શોક કરો, ને રડો. તમને હાસ્યને બદલે શોક તથા આનંદને બદલે ખેદ થાય. 10 પ્રભુની આગળ તમે દીન થાઓ, એટલે તે તમને ઉચ્ચપદે મૂકશે. બીજાનો ન્યાય ન કરો 11 ઓ ભાઈઓ, તમે એકબીજાનું ભુંડું ન બોલો, જે પોતાના ભાઈનું ભૂંડું બોલે છે, અથવા પોતાના ભાઈને દોષિત ઠરાવે છે, તે નિયમને દોષિ ઠરાવે છે, ને નિયમનો ન્યાય કરે છે. અને જો તું નિયમનો ન્યાય કરે છે તો તું નિયમનો પાળનાર નથી, પણ તેનો ન્યાય કરનાર છે. 12 નિયમ આપનાર તથા ન્યાય કરનાર એક જ છે, તે તો તારવાને તથા નાશ કરવાને શક્તિમાન છે. પણ બીજાનો ન્યાય કરનાર તું કોણ છે? બડાઈ મારવી નહિ 13 હવે ચાલો, તમે કહો છો, “આજે અથવા કાલે અમે અમુક શહેરમાં જઈને ત્યાં એક વર્ષભર રહીશું, અને વેપાર કરીને કમાણી કરીશું.” 14 તોપણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધૂમર [જેવા] છો, તે થોડી વાર દેખાય છે, અને પછી અદ્રશ્ય થાય છે. 15 પણ ઊલટું તમારે તો એમ કહેવું જોઈએ કે, જો પ્રભુની ઇચ્છા હશે, તો અમે જીવતા રહીશું, અને આમ કે તેમ કરીશું. 16 પણ હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો, એવી બધી બડાઈ ખોટી છે. 17 માટે જે ભલું કરી જાણે છે, પણ કરતો નથી, તેને પાપ લાગે છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India