Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યાકૂબનો પત્ર 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ખતરનાક જીભ

1 મારા ભાઈઓ, તમારામાંના ઘણા ઉપદેશકો ન થાઓ, કેમ કે તમે જાણો છો કે આપણા [ઉપદેશકો] ને તો વિશેષે કરીને વધારે સજા થશે.

2 કેમ કે આપણે સર્વ ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે, અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.

3 જુઓ, ઘોડા કબજે રહે માટે આપણે તેઓનાં મોંમાં લગામ નાખીને તેઓનાં આખાં શરીરને ફેરવીએ છીએ.

4 જુઓ, વહાણો પણ કેટલાં બધાં મોટાં છે, તેઓ જોરદાર પવનથી ધકેલાય છે, તોપણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ફેરવવામાં આવે છે.

5 તેમ જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી મોટી બડાશ મારે છે. જુઓ, કેટલો થોડો અગ્નિ કેટલા મોટા વનમાં દવ લગાડે છે!

6 જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને મલિન કરે છે, તે ભૂમંડળને સળગાવે છે, અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે.

7 કેમ કે દરેક જાતનાં જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાંઓ તથા સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ વશ થાય છે, અને માણસોએ તેમને વશ કર્યા છે;

8 પણ જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી. તે [બધે] ફેલાતી મરકી છે, અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.

9 એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ, અને એનાથી ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઉત્પન્‍ન થયેલાં માણસોને શાપ પણ આપીએ છીએ.

10 એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ.

11 શું ઝરણ એક જ મુખમાંથી મીઠું તથા ખારું પાણી આપે?

12 મારા ભાઈઓ, શું અંજીરી જૈતફળ અથવા દ્રાક્ષાવેલો અંજીર આપી શકે? તેમ જ ખારું ઝરણ મીઠું પાણી આપી શકતું નથી.


ઈશ્વર તરફથી મળતું જ્ઞાન

13 તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે,

14 પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઈ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ [થઈને] ગર્વ ન કરો અને જુઠું ન બોલો.

15 એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ તે ઐહિક, વિષયી તથા શેતાની છે.

16 કેમ કે જ્યાં અદેખાઈ તથા સ્વાર્થ છે, ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે.

17 પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારાં ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.

18 વળી જે સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan