Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 64 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જો તમે આકાશોને ફાડીને નીચે ઊતરો, જો પર્વતો તમારી આગળ કંપે, તો કેવું સારું!

2 જેમ અગ્નિ ઝાડીને સળગાવે છે, જેમ અગ્નિ પાણીને ઉકાળે છે; તેમ તમે તમારું નામ તમારા શત્રુઓને જણાવો કે, જેથી તમારી આગળ વિદેશીઓ ધ્રૂજે.

3 અમારી કલ્પનામાં નહિ આવે એવાં ભયંકર કામો તમે કરતા હતા, ત્યારે તમે ઊતર્યા, પર્વતો તમારી આગળ કંપી ઊઠયા!

4 આદિકાળથી તેઓએ સાંભળ્યું નથી, કાન પર આવ્યું નથી, અને વળી આંખે તમારા સિવાય [એવા] કોઈ [બીજા] ઈશ્વરને જોયો નથી કે જે તેમની રાહ જોનારને માટે એવું કરે.

5 જે હોંસથી ધાર્મિકપણાએ વર્તે છે તેને, તથા જેઓ તમારા માર્ગોમાં રહીને તમારું સ્મરણ કરે છે તેઓને તમે મળો છો; જુઓ, તમે કોપાયમાન થયા હતા, કેમ કે અમે તો પાપ કર્યું; તે [પાપ કરવા] માં અમે લાંબી મુદતથી [પડયા] છીએ, [એમ છતાં] શું અમે તારણ પામીશું?

6 અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ, અમારાં સર્વ સારાં કાર્યો મેલા લૂગડાના જેવાં છે, અમે સર્વ પાંદડાની જેમ સુકાઈ જઈએ છીએ, અને અમારા અપરાધો વાયુની જેમ અમને ઉડાવી દે છે.

7 કોઈ તમારે નામે વિનંતી કરતો નથી, કોઈ તમને ગ્રહણ કરવા માટે જાગૃત થતો નથી; કેમ કે તમે તમારું મુખ અમારી તરફથી ફેરવ્યું છે, ને અમારા અપરાધોને લીધે અમને પાણી પાણી કરી નાખ્યા છે.

8 હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી, ને તમે અમારા કુંભાર; અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.

9 હે યહોવા, તમે અતિશય કોપાયમાન ન થાઓ, ને સર્વકાળ અમારા [અધર્મ] નું સ્મરણ ન કરો; જુઓ, નજર કરીને જુઓ, અમે તમને વીનવીએ છીએ, અમે સર્વ તમારા લોકો છીએ.

10 તમારાં પવિત્ર નગરો ઉજ્જડ થઈ ગયાં છે, સિયોન અરણ્ય થઈ ગયું છે, યરુશાલેમ પાયમાલ થઈ ગયું છે.

11 અમારું પવિત્ર તથા સુંદર મંદિર, જેમાં અમારા પૂર્વજો તમારી સ્તુતિ કરતા હતા, તેને બાળી નાખવામાં આવ્યું છે; અને અમારી સર્ગ મનોરંજક વસ્તુઓ નષ્ટ થઈ છે.

12 હે યહોવા, એને લીધે તમે પાછા હઠશો? શું તમે છાના રહીને અમને અતિઘણું દુ:ખ દેશો?

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan