યશાયા 63 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રજાઓ પર પ્રભુનો પ્રતિકાર 1 આ જે અદોમથી, હા, બોસરાથી કિરમજી રંગનાં વસ્ત્ર પહેરીને જે આવે છે, આ જે પોશાકથી દેદીપ્યમાન, પોતાના પુષ્કળ સામર્થ્યમાં મહાલતો આવે છે, તે કોણ છે? “હું જે ન્યાયીપણાથી બોલનાર, ને તારવાને શક્તિમાન, તે હું છું.” 2 તારા પોશાક પર રતાશ કેમ આવી છે? અને તારાં વસ્ત્ર દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષા ખૂંદનારનાં વસ્ત્ર જેવાં કેમ થયાં છે? 3 મેં એકલાએ દ્રાક્ષાકુંડ ખૂંદ્યો છે; અને લોકોમાંથી કોઈ માણસ મારી સાથે નહોતો, વળી મેં મારા રોષમાં તેઓને ખૂંદ્યા, ને મારા કોપથી તેઓને છૂંદી નાખ્યા! તેઓનું લોહી મારાં વસ્ત્ર પર છંટાયું છે, ને મારા તમામ પોશાક પર મેં ડાઘ પાડયા છે. 4 કેમ કે મારા હ્રદયમાં પ્રતિકારના દિવસોનો [વિચાર] હતો, હવે મારા ઉદ્ધારનું વર્ષ આવ્યું છે. 5 મેં જોયું, તો કોઈ સહાય કરનાર નહોતો, અને કોઈ ટેકો આપનાર નહોતો. એ જોઈને હું વિસ્મય પામ્યો:એટલે મારે માટે મારા પોતાના ભુજે તારણ કર્યું; અને મારા કોપે મને ટેકો આપ્યો. 6 મેં મારા રોષમાં લોકોને છૂંદી નાખ્યા, ને મારા કોપમાં મેં તેઓના કકડેકકડા કર્યા, અને મેં તેઓનું લોહી ભૂમિ પર રેડી દીધું. પ્રજાપ્રેમી પ્રભુ 7 યહોવાની રહેમ, અને તેમણે જે સર્વ આપણને બક્ષ્યું છે તેમની દયા પ્રમાણે ને તમની પુષ્કળ રહેમ પ્રમાણે તેમણે ઇઝરાયલનાં સંતાનોનું જે મહાન કલ્યાણ કર્યું છે, તે [બધાં] યહોવાનાં સ્તુતિપાત્ર કાર્યો હું કહી સંભળાવીશ. 8 કેમ કે પ્રભુએ કહ્યું, “ખચીત એ મારા લોકો, કપટ ન કરે એવાં છોકરાં છે.” અને તે તેઓના તારક થયા. 9 તેમનાં સર્વ દુ:ખોમાં તે દુ:ખી થયા, ને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો; તેમણે જ પોતાના પ્રેમથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો. પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા. 10 પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો; માટે તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડયા. 11 ત્યારે તેમના લોકોએ પુરાતન સમયનું [તથા] મૂસાનું સ્મરણ કર્યું, અને કહ્યું, “સમુદ્ર પાસેથી જે અમોને પોતાના ટોળાના પાળક સહિત ઉપર લાવ્યા તે આત્મા મૂકયો, 12 જેમણે મૂસાને જમણે હાથે પોતાનો પ્રતાપી ભુજ ચાલતો રાખ્યો હતો, જેમણે પોતાને માટે અમર નામ કરવાને અમારી આગળ [સમુદ્રના] પાણીના બે ભાગ કર્યા, 13 જેમણે અમને જાણે મેદાન પર ઘોડો ચાલતો હોય તેમ ઊંડાણમાં એવી રીતે ચલાવ્યા કે અમે ઠોકર ખાધી નહિ, તે ક્યાં છે?” 14 ખીણમાં ઊતરી જનારાં ઢોરની જેમ તેઓ યહોવાના આત્માથી વિશ્રામ પામ્યા; તે પ્રમાણે તમે પોતાને માટે મહિમાવંત નામ કરવાને માટે, તમારા લોકોને દોર્યા. કૃપા અને સહાય માટે પ્રજાની પ્રાર્થના 15 આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ; તમારી આતુરતા તથા તમારાં મહાન કાર્યો કયાં છે? તમારા હ્રદયની લાગણી, તથા મારા પરની દયા સંકુચિત થઈ છે શું? 16 જો કે ઇબ્રાહિમ અમને જાણતો નથી, ને ઇઝરાયલ અમને કબૂલ કરતો નથી, તે છતાં તમે અમારા પિતા છો; હે યહોવા, તમે અમારા પિતા છો; પ્રાચીનકાળથી અમારો ‘ઉદ્ધાર કરનાર’ એ જ તમારું નામ છે. 17 હે યહોવા, તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો? અમે તમારી બીક ન રાખીએ, એવી રીતે અમારાં હ્રદયોને તમે શા માટે કઠણ કરો છો? તમારા સેવકોને માટે તમારા વારસાના કુળોને માટે પાછા આવો. 18 થોડો જ વખત તમારા પવિત્ર લોકે [વતન] ભોગવ્યું છે; અમારા શત્રુઓએ તમારા પવિત્રસ્થાનને ખૂંદ્યું છે. 19 જેઓના પર તમે પુરાતન કાળથી રાજ કર્યું નથી, ને જેઓ તમારા નામથી ઓળખાતા નથી, તેઓના જેવા અમે થયા છીએ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India