Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 61 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મુક્તિની વધામણી

1 પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે;

2 યહોવાએ માન્ય કરેલું કૃપાનું વર્ષ, આપણા ઈશ્વરના પ્રતિકારનો દિવસ પ્રસિદ્ધ કરવા માટે; સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા માટે;

3 સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ, શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા માટે તેણે મને મોકલ્યો છે; જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાની રોપણી કહેવાય.

4 તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે, પૂર્વકાળની પાયમાલ થયેલી [ઇમારતો] ને તેઓ ઊભી કરશે, ઘણી પેઢીઓથી ઉજ્જડ તથા નષ્ટ થયેલાં નગરોને તેઓ સમારશે.

5 પરદેશીઓ ઊભા રહીને તમારાં ટોળાંને ચરાવશે, અને તેઓ તમારા ખેડૂત તથા તમારી દ્રાક્ષાવાડીના માળી થશે.

6 પણ તમે તો યહોવાના યાજક કહેવાશો; આપણા ઈશ્વરના સેવક, એવું [નામ] તમને આપવામાં આવશે. વિદેશીઓની સંપત્તિ તમે ખાશો, ને તેમનું ગૌરવ [તમને પ્રાપ્ત થવા] માં તમે અભિમાન કરશો.

7 તમારી લાજના બદલામાં તમને બમણું મળશે. અને [તમને થયેલા] અપમાનને બદલે તેઓ પોતાના મળેલા હિસ્સાથી હરખાશે. તેથી તેઓ પોતાના દેશમાં બમણો [વારસો] પામશે. તેમને અખંડ આનંદ મળશે.

8 કેમ કે હું યહોવા ઇનસાફ ચાહું છું, અન્યાયથી કરેલી લૂંટફાટનો હું ધિક્કાર કરું છું; હું સત્યતા પ્રમાણે તેમની મહેનતનો બદલો આપીશ, ને તેઓની સાથે સર્વકાળનો કરાર કરીશ.

9 તેમનાં સંતાન વિદેશીઓમાં, ને તેમની સંતતિ લોકોમાં ઓળખાશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ કબૂલ કરશે કે, જે સંતાનને યહોવાએ આશીર્વાદ આપેલો છે તે તેઓ છે.

10 હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા પ્રભુમાં હરખાશે; કેમ કે જેમ વર પોતાને મુગટથી સુશોભિત કરે છે, ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્ર પહેરાવ્યાં છે, ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડયો છે.

11 જેમ ભૂમિ પોતામાંથી પીલો ઉગાડે છે, ને જેમ વાડી તેમાં રોપેલાંને ઉગાડે છે; તેમ પ્રભુ યહોવા ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan