યશાયા 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યશાયાને દર્શન અને સેવાનું તેડું 1 ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું. 2 તેમની આસપાસ સરાફો ઊભા હતા : દરેકને છ છ પાંખ હતી; બેથી તે પોતાનું મુખ ઢાંકતો, બેથી પોતાના પગ ઢાંકતો અને બેથી ઊડતો. 3 તેઓ એકબીજાને પોકારીને કહેતા, “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના [ઈશ્વર] યહોવા; આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે.” 4 પોકારનારની વાણીથી ઉંબરાના પાયા હાલ્યા, અને મંદિર ધુમાડાથી ભરાઈ ગયું. 5 ત્યારે મેં કહ્યું, “અફસોસ છે મને! મારું આવી બન્યું છે; કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું; કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના ઈશ્વર યહોવાને જોયા છે.” 6 પછી સરાફોમાંનો એક, વેદી પરથી ચીપિયા વડે લીધેલો અંગાર હાથમાં રાખી, મારી પાસે ઊડી આવ્યો. 7 તેણે મારા હોઠોને તે અડકાડીને કહ્યું, “જો, આ તારા હોઠોને અડક્યો છે; એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે, અને તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે.” 8 પછી મેં પ્રભુને એમ કહેતાં સાંભળ્યા, “હું કોને મોકલું? અમારે માટે કોણ જશે?” ત્યારે મેં કહ્યું, “હું આ રહ્યો; મને મોકલો.” 9 ત્યારે પ્રભુએ કહ્યું, “જા, ને આ લોકોને કહે, કે સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો. 10 આ લોકનાં મન જડ કર, ને તેમના કાન ભારે કર, ને તેમની આંખો મીંચાવ. રખેને તેઓ આંખોથી જુએ, કાનથી સાંભળે, અને મનથી સમજે, અને પાછા ફરીને સાજા કરાય.” 11 ત્યારે મેં પૂછયું “હે પ્રભુ, તે ક્યાં સુધી?” તેમણે કહ્યું, “નગરો વસતિ વિનાનાં, અને ઘરો માણસ વિનાનાં ઉજજડ થાય, અને જમીન છેક વેરાન થઈ જાય, 12 અને યહોવા માણસને દૂર કરે, ને દેશમાં મોટો ભાગ પડતર રહે ત્યાં સુધી. 13 તે છતાં જો તેમાં દશાંશ રહે, તો તે ફરીથી બાળવામાં આવશે; એલાહવૃક્ષ તથા એલોનવૃક્ષ પાડી નાખવામાં આવ્યા પછી ઠૂંઠું રહે છે, તે પ્રમાણે પવિત્ર બીજ ઠૂંઠા જેવું છે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India