યશાયા 58 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સાચો ઉપવાસ 1 “તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, અને મારા લોકોને તેમના અપરાધો, તથા યાકૂબનાં સંતાનોને તેમનાં પાપ, કહી સંભળાવ. 2 તોપણ તેઓ જાણે ન્યાયીપણું કરનારી પ્રજા હોય, ને પોતાના ઈશ્વરના ન્યાય ચૂકાદાને તજનારા ન હોય તે પ્રમાણે, તેઓ રોજ રોજ મને શોધે છે, ને મારા માર્ગોને જાણવા ચાહે છે. તેઓ મારી પાસે ધર્મના વિધિઓ માગે છે, તેઓ ઈશ્વરની પાસે આવવાને ચાહે છે. 3 [તેઓ કહે છે કે,] ‘અમે ઉપવાસ કર્યો છે, ને તમે તે જોયું નથી, એમ કેમ? અમે અમારા આત્માને દુ:ખી કર્યો છે, ને તે તમે કેમ ધ્યાનમાં લેતા નથી!’ જુઓ તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારાં કામકાજ કરો છો, ને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. 4 જુઓ તમે ઝઘડા તથા કંકાસને માટે, ને દુષ્ટતાની મુક્કી મારવા માટે ઉપવાસ કરો છો; તમારાઈ વાણી આકાશમાં સંભળાય એ માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી. 5 હું જે ઉપવાસ પસંદ કરું છું [તે આવો હોય] ? જે દિવસે માણસ આત્મકષ્ટ કરે તે દિવસ આના જેવો હોય? પોતાનું ડોકું સરકટની જેમ નમાવવું, ને પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું-શું આને તમે ઉપવાસ ને યહોવાનો માન્ય દિવસ કહેશો? 6 [પણ] દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં જોતર છોડવાં, દબાયેલાને મુક્ત કરીને વિદાય કરવા, અને વળી સર્વ ઝૂંસરીને ભાંગી નાખવી.-જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી? 7 ભૂખ્યાઓને તારી રોટલી વહેંચી આપવી, અને ભટકતા ગરીબોને ઘેર લાવવા, શું તે ઉપવાસ નથી? નગ્નને જોઈને તારે તેને [વસ્ત્ર] પહેરાવવું, ને તારા બંધુઓથી મોં સંતાડવું નહિ. 8 ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે, ને તારું આરોગ્ય જલદી થશે. તારું ન્યાયીપણું તારી આગળ ચાલશે, અને યહોવાનું ગૌરવ તારો પીઠરક્ષક થશે. 9 તું હાંક મારશે, ત્યારે યહોવા તને ઉત્તર આપશે. તું બૂમ પાડશે એટલે તે કહેશે, હું આ રહ્યો. જો તું જુલમની ઝૂંસરીને તથા ચેષ્ટા કરવાનું તથા ભૂંડું બોલવાનું તારામાંથી દૂર કરે, 10 અને તારી ઈષ્ટ વસ્તુઓ જો ભૂખ્યાઓને આપી દે, અને દુ:ખી માણસના જીવને તૃપ્ત કરે, તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઊઠશે, ને તારો ગાઢ અંધખાર બપોરના જેવો થઈ જશે. 11 યહોવા તને નિત્ય દોરશે, ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે, ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવો, ને ઝરાના અખૂટ પાણીના જેવો થઈશ. 12 જેઓ તારાથી ઉત્તન્ન થશે તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે. ઘણી પેઢીઓના પાયા [પર] તું ચણતર કરીશ; તું ફાટોને સમારનાર, ને ધોરી માર્ગોને મરામત કરનાર કહેવાઈશ. સાબ્બાથ પાળવાનો આશીર્વાદ 13 જો તું સાબ્બાથ [ને દિવસે] , મારા પવિત્ર દિવસે, પોતાનું કામકાજ કરવું બંધ રાખીશ, અને સાબ્બાથને આનંદદાયક, યહોવાના પવિત્ર [દિવસ] ને માનનીય ગણીશ, અને પોતાના માર્ગોમાં નહિ ચાલતાં તથા પોતાનો ધંધોરોજગાર નહિ કરતાં, તથા કૂથલી નહિ કરતાં, તેને માન આપીશ; 14 તો તું યહોવામાં આનંદ પામીશ; અને હું પૃથ્વીનાં ઉચ્ચસ્થાઓ પર તને સવારી કરાવીશ; અને તારા પિતા યાકૂબના વારસાથી હું તારું પોષણ કરીશ:” કેમ કે યહોવાનું મોં એવું બોલ્યું છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India