Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 56 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વરની પ્રજામાં બધી પ્રજાઓનો સમાવેશ

1 યહોવા કહે છે, “ન્યાયનું પાલન કરો ને પ્રમાણિકપણે વર્તો; કેમ કે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે.

2 જે માણસ એ પ્રમાણે વર્તે છે, ને જે પુરુષ એને વળગી રહે છે, અને સાબ્બાથને અપવિત્ર ન કરતાં જે એને પાળે છે, ને પોતાનો હાથ કંઈ પણ ભૂંડું કરવાથી પાછો રાખે છે, તેને ધન્ય છે.”

3 વળી જે પરદેશી યહોવાના સંબંધમાં આવેલો છે, તેણે એવું જ કહેવું કે યહોવા મને પોતાના લોકથી ખચીત જુદો પાડશે, વળી ખોજાએ ન કહેવું કે, જુઓ હું તો [માત્ર] સુકાયેલું ઝાડ છું.

4 કેમ કે જે ખોજાઓ મારા સાબ્બાથો પાળે છે, ને જે બાબતો મને ગમે છે તે પસંદ કરે છે, ને મારા કરારને વળગી રહે છે, તેઓ વિષે યહોવા કહે છે કે,

5 તેમને તો હું મારા મંદિરમાં તથા મારા કોટોમાં દીકરા તથા દીકરીઓ કરતાં ઉત્તમ સ્મારક તથા નામ આપીશ. એમને નષ્ટ નહિ થાય એવું અમર નામ હું આપીશ.

6 વળી જે પરદેશીઓ યહોવાની સેવા કરવા માટે, તથા યહોવાના નામ પર પ્રેમ રાખવા માટે, એના સેવક થવા માટે, તેમના સંબંધમાં આવે છે એટલે જે સર્વ મારા સાબ્બાથને અપવિત્ર ન કરતાં એને પાળે છે, ને મારા કરારને વળગી રહે છે;

7 તેમને તો હું મારા પવિત્ર પર્વત પર લાવીશ, અને મારા પ્રાર્થનાના મંદિરમાં તેમને આનંદિત કરીશ; તેમનાં દહનીયાર્પણો તથા તેમના યજ્ઞો મારી વેદી પર માન્ય થશે; કેમ કે મારું મંદિર સર્વ પ્રજાઓને માટે પ્રાર્થનાનુમ મંદિર કહેવાશે.

8 પ્રભુ યહોવા જે ઇઝરાયલના વિખેરાઈ ગયેલાઓને ભેગા કરે છે તે એવું કહે છે, “તેના ભેગા થયેલા ઉપરાંત હું હજી તેની પાસે બીજાઓને લાવીને ભેગા કરીશ.


ઇઝરાયલના આગેવાનોને ઠપકો

9 ખેતરનાં સર્વ શ્વાપદ, વનમાંનાં સર્વ પશુ, તમે ફાડી ખાવાને આવો.

10 તેના ચોકીદારો આંધળા છે, તેઓ સર્વ અજ્ઞાન છે; તેઓ સર્વ મૂંગા કૂતરા છે કે, જેઓ ભસી શકતા નથી; તેઓ સ્વપ્નવશ, સૂઈ રહેનારા, અને ઊંઘણશી છે.

11 વળી તેઓ ખાઉધરા કૂતરા છે, તેઓ તૃપ્તિ સમજતા નથી; અને ઘેટાંપાળક પોતે કશું સમજતા નથી; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક પોતાનો સ્વાર્થ સાધવાને માટે, ફરી ગયા છે.

12 [તેઓ કહે છે કે,] “આવો, હું દ્રાક્ષારસ લાવું, ને આપણે પુષ્કળ દારૂ પીએ; અને આવતી કાલનો દિવસ આજના જેવો થશે, બલકે તે કરતાં પણ બહુ જ આનંદનો થશે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan