Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 53 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


દુ:ખો સહેતો સેવક (ચાલુ)

1 આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે? અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે?

2 તે તો તેની સમક્ષ ફણગાની જેમ, તથા સૂકી ભૂમિમાંની જડની જેમ ઊગ્યો; તેનામાં કંઈ સૌદર્ય નહોતું, ને લાવણ્ય નહોતુમ; આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ.

3 તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો; દુ:ખી પુરુષ ને દરદનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ, એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહિ.

4 ખચીત તેણે આપણાં દરદ માથે લીધાં છે, ને આપણાં દુ:ખ વેઠયાં છે; પણ આપણે તો તેને હણાયેલો, ઈશ્વરથી માર પામેલો, તથા પીડિત થયેલો માન્યો.

5 પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો, આપણાં પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે.

6 આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપ [નો ભાર] મૂક્યો છે.

7 તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તોપણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડયું નહિ; હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે, તેના જેવો તે હતો; તેણે તો પોતાનું મોં ઉઘાડયું જ નહિ.

8 જુલમથી તથા ન્યાયચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો; તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે, મારા લોકોના અપરાધોને લીધે તેના પર માર પડયો, ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો?

9 તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંઘાતે હતો; કેમ કે તેણે અપકાર કર્યો નહોતો, ને તેના મુખમાં કપટ નહોતું.

10 તોપણ યહોવાની મરજી તેને કચરવાની હતી; તેણે તેને દુ:ખી કર્યો; તેના આત્માનું દોષાર્થાપર્ણ થશે ત્યારે તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે.

11 તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે; મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે; અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે.

12 તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ, અને પરાક્રમીઓની સાથે તે લૂંટ વહેંચશે; કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતાં સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો! પરંતુ તેણે તો ઘણાઓનાં પાપ માથે લીધાં, અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan