Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 52 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વર યરુશાલેમને ઉગારશે

1 હે સિયોન જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ઠિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્ર પહેર; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પેસશે નહિ.

2 હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠીને બેઠી થા; હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરનાં બંધન છોડી નાખ.

3 કેમ કે યહોવા કહે છે, “તમે મફત વેચાયા હતા, અને નાણાં વિના તમે છોડાવી લેવાશો.”

4 કેમ કે પ્રભુ યહોવા કહે છે, “પ્રથમ મારા લોક મિસરમાં પ્રવાસ કરવા માટે ગયા; અને આશૂરે વિના કારણ તેમના પર જુલમ કર્યો.”

5 પણ હવે યહોવા કહે છે, “અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વગર કારણે લઈ જવામાં આવ્યા છે; તેમના અધિકારીઓ બૂમ પાડે છે, ” એમ યહોવા કહે છે; “અને નિત્ય મારું નામ આખો દિવસ નિંદાય છે.

6 તે માટે મારા લોકો મારું નામ જાણશે; અને, હું આ રહ્યો, એવું બોલનાર તે હું છું, એમ તે દિવસે તેઓ જાણશે.”

7 જે વધામણી લાઔએ છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણથી વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે, “તારો ઈશ્વર રાજ કરે છે, ” તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!

8 સાંભળ, તારા ચોકીદારોની વાણી! તેઓ મોટે સાદે પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે; કેમ કે યહોવા શી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જુએ છે.

9 યરુશાલેમનાં ખંડિયેર, તમે બધા હર્ષનાદ કરવા માંડો; કેમ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, યરુશાલેમનો ઉદ્ધાર કર્યો છે.

10 યહોવાએ સર્વ વિદેશીઓના જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; પૃથ્વીની સર્વ સીમાઓ આપણા ઈશ્વરે [કરેલું] તારણ જોશે.

11 જાઓ, જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો નહિ; તેની વચમાંથી નીકળો; યહોવાનાં પાત્રો ઊંચકનારા, તમે શુદ્ધ થાઓ;

12 કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી, ને નાસીને જવાનું નથી; કેમ કે યહોવા તમારી આગળ ચાલશે, ને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.


દુ:ખ સહેતો સેવક

13 જુઓ, મારો સેવક ડહાપણથી વર્તશે, તે ઉન્નત થઈને ઉચ્ચ પદવીએ પહોંચશે, તથા અતિ મહાન થશે.

14 જે પ્રમાણે ઘણા લોકો તને જોઈને વિસ્મિત થયા (તેનો ચહેરો અને તેનું રૂપ એવાં વિરૂપ થયાં હતાં કે તે જાણે માણસ જ ન હોય),

15 તેમ તે ઘણા દેશોને થથરાવી નાખશે, તેને લીધે રાજાઓ પોતાનાં મુખ બંધ રાખશે; કારણ કે અગાઉ તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે; અને અગાઉ જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan