Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 51 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યરુશાલેમને સાંત્વન-વચનો

1 “હે ધાર્મિકપણાને અનુસરનારા, યહોવાને શોધનારા, તમે મારું સાંભળો: જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા તેને, તથા જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા તેના બાકોરાને નિહાળીને જુઓ.

2 તમારા પિતા ઇબ્રાહિમને ને તમારી જનેતા સારાને નિહાળો! તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો, અને તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી.

3 કેમ કે યહોવાએ સિયોનને દિલાસો આપ્યો છે, તેમણે તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપ્યો છે; તેના રણને એદન સરખું, ને તેના વનને યહોવાની વાડી સરખું કર્યું છે; તેમાં આનંદ તથા ઉત્સવ થઈ રહેશે, આભારસ્તુતિ તથા ગાનતાન સંભળાશે.

4 હે મારા લોકો, મારી વાત પર ધ્યાન આપો; અને હે મારી પ્રજા, મારા વચનને કાન દો; કેમ કે નિયમ મારી પાસેથી નીકળશે, ને મારો ન્યાયચુકાદો હું લોકોના અજવાળાને માટે સ્થાપિત કરીશ.

5 મારું ન્યાયીપણું પાસે છે, મારું ઉદ્ધારકાર્ય પ્રગટ થયું છે, ને મારા ભુજ લોકોનો ન્યાય કરશે; દ્વીપો મારી રાહ જોશે, ને મારા ભુજ પર તેઓ ભરોસો રાખશે.

6 તમે તમારી દષ્ટિ આકાશ ભણી ઊંચી કરો, ને નીચું જોઈને પૃથ્વીને નિહાળો; કેમ કે આકાશ ધુમાડાની જેમ જતું રહેશે, ને પૃથ્વી વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે, અને તેના રહેવાસીઓ મચ્છરની જેમ મરણ પામશે; પણ મારું તારણ સદાકાળ રહેશે, ને મારું ન્યાયીપણું નાશ પામશે નહિ.

7 હે ન્યાયપણું જાણનારા, અને જેઓના મનમાં મારો નિયમ છે, તે તમે મારું સાંભળો; માણસની નિંદાથી બીશો નહિ, ને તેઓનાં મહેણાંથી ડરશો નહિ.

8 કેમ કે કીડો વસ્ત્રની જેમ તેઓને ખાઈ જશે, ને કંસારી ઊનની જેમ તેઓને ખાઈ જશે, પણ મારું ન્યાયીપણું સદાકાળ [ટકશે] , ને મારું તારણ પેઢી દરપેઢી રહેશે.

9 રે યહોવાના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા; પૂર્વકાળની જેમ, અને પુરાતન કાળની પેઢીઓમાં થયું, તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?

10 જેણે સમુદ્રને, તેનાં અગાધ પાણીને સુકવી નાખ્યાં, જેણે ઉદ્ધાર પામેલાઓને પાર ઉતારવાને અર્થે સમુદ્રનાં ઊંડાણોમાં થઈને માર્ગ કરી આપ્યો, તે જ તું નથી?

11 યહોવાથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાદસહિત સિયોન પહોંચશે; અને તેમને માથે સર્વકાલીન આનંદ રહેશે; તેમને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને શોક તથા નિશ્વાસ જતાં રહેશે.”

12 [પ્રભુ કહે છે] “જે તમને દિલાસો દે છે, તે હું જ છું! તું કોણ છે કે, મરનાર માણસથી, અને માનવી જે ઘાસના જેવો થઈ જશે તેથી તું બી જાય છે?

13 પણ તારા કર્તા, આકાશોને પ્રસારનાર, તથા પૃથ્વીનો પાયો નાખનાર યહોવાને તું વીસરી ગયો છે; જુલમગાર વિનાશ કરવાને તૈયારી કરે છે ત્યારે તું આખો દિવસ સતત તેના ક્રોધને લીધે બીએ છે? વળી જુલમીનો ક્રોધ ક્યાં છે?

14 જે દબાયેલો છે તે જલદીથી મુક્ત થશે; તે મરશે નહિ ને કબરમાં ઊતરશે નહિ, વળી તેનું અન્ન ખૂટશે નહિ.

15 કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું કે, જે સમુદ્રને એવો ખળભળાવે છે કે તેનાં મોજાંઓ ગર્જના કરે છે! સૈન્યોના [ઈશ્વર] યહોવા એ તેમનું નામ છે.

16 મેં મારા વચનો તારા મુખમાં મૂક્યાં છે, ને મારા હાથની છાયાથી તને ઢાંકયો છે કે, જેથી હું આકાશોને સ્થાપું, ને પૃથ્વીનો પાયો નાખું, ને સિયોનને કહું કે, ‘તું મારી પ્રજા છે.’”


યરુશાલેમના દુ:ખના દહાડાનો અંત

17 હે યરુશાલેમ, જાગૃત થા, જાગૃત થા, ઊભી થા. તેં યહોવાના હાથથી એના કોપનો પ્યાલો પીધો છે; તેં લથડિયાં ખવડાવનારો કટોરો પીને ખાલી કર્યો છે.

18 જે સર્વ દીકરાઓને તેણે જન્મ આપ્યો છે, તેઓમાંનો કોઈ તેને દોરી લઈ જનાર નથી; અને જે સર્વ દીકરાઓને તેણે ઉછેર્યા છે, તેઓમાંનો કોઈ તેનો હાથ ઝાલે એવો નથી.

19 તારા પર આ બે [દુ:ખ] આવી પડયાં છે; કોણ તારે લીધે શોક કરશે? પાયમાલી તથા વિનાશ, દુકાળ તથા તરવાર [તારા પર આવી પડયાં છે]. હું શી રીતે તને દિલાસો આપીશ?

20 તારા દીકરા બેહોશ થયા છે; તેઓ સર્વ, પાશમાં પડેલા હરણની જેમ, ગલીઓના ખૂણા પર પડેલા છે; તેઓ યહોવાના કોપથી, તારા ઈશ્વરની ધમકીથી ભરપૂર છે.

21 તે માટે હે દુ:ખી તથા પીધેલી પણ દ્રાક્ષારસથી નહિ, તું આ સાંભળ;

22 તારા યહોવા તથા તારા ઈશ્વર, જે પોતાના લોકોને માટે વાદ કરનાર છે, તે એવું કહે છે, “જો લથડિયાં ખવડાવનારો પ્યાલો, ને મારા કોપનો કટોરો મેં તારા હાથમાંથી લઈ લીધો છે; તેમાંનું તું હવે પછી કદી પીનાર નથી.

23 હું તેને તારા પર જુલમ કરનારાઓના હાથમાં મૂકીશ કે, જેઓએ તારા જવને કહ્યું હતું કે, ‘ઊંધો પડ કે, જેથી અમે તારા ઉપર થઈને જઈએ’; અને તેં તારી પીઠ ભૂમિની જેમ, અને વટેમાર્ગુઓને માટે રસ્તાની જેમ રાખી હતી.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan